
ધરમપુર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય આરવિંદ છોટુ ભાઈ પટેલે વલસાડ જિલ્લાના નાની વહીયાળ ગામમાં આવેલા ૨૦૦ વર્ષ જુના ઐતિહાસીક કુશળ કુવરબા રાજમહેલના નવીનીકરણ કરી તેને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાને રજૂઆત કરી છે
આ ઐતિહાસિક રાજમહેલ વર્ષ ૧૯૫૯થી ૨૦૧૪ સુધી દક્ષિણ ગુજરાત પછાત વર્ગ મંડળ દ્વારા સાર્વજનિક હાઇસ્કૂલ તરીકે ઉપયોગ થતો હતો. મહેલનો કેટલોક ભાગ કુમાર છાત્રાલય અને પોસ્ટ ઓફિસ તરીકે પણ ઉપયોગમાં લેવાતો હતો. જરૂરી મરામત અને જાળવણીના અભાવે આ રાજમહેલ જર્જરિત બનતાં આ સંસ્થાઓએ નવા સ્થળે સ્થળાંતર કર્યું હતું. ત્યારથી આ વિશાળ રાજમહેલ ખાલી અને ઉપેક્ષિત સ્થિતિમાં પડ્યો છે.
ધારાસભ્ય પટેલે તેમની અરજીમાં દર્શાવ્યું છે કે નાની વહીયાળ ગામ ધરમપુર તાલુકા મુખ્ય મથકથી માત્ર ૫-૬ કિલોમીટર દૂર આવેલું છે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૫૬થી ૩-૪ કિલોમીટર પૂર્વ દિશામાં સ્થિત છે. આ સ્થાનીય કનેક્ટિવિટી રાજમહેલને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે આદર્શ બનાવે છે. મહેલનું નવીનીકરણ કરીને તેમાં મ્યુઝિયમ, રેસ્ટોરન્ટ, રમતગમતની સુવિધાઓ અને હોટેલ રિસોર્ટ સુવિધાઓ વિકસાવવાની શક્યતા છે.
અરજીમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે કે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ભરૂચ, નર્મદા, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં ઐતિહાસિક મકાનો જાહેર જનતાના પ્રવાસન ઉપયોગ માટે ઉપલબ્ધ નથી. આ પરિસ્થિતિમાં નાની વહીયાળ રાજમહેલનું નવીનીકરણ કરવાથી આ આદિવાસી વિસ્તારમાં એક વિશિષ્ટ પ્રવાસન સ્થળ ઉભું થશે જે પ્રદેશની પર્યટન આવશ્યકતાઓને પૂર્ણ કરશે.
આ પ્રોજેક્ટથી ધરમપુર આદિવાસી વિસ્તારમાં સ્થાનિક કક્ષાએ રોજગારીની નવી તકો ઉભી થશે. પ્રવાસન ઉદ્યોગ વિકાસથી વિસ્તારના આર્થિક વિકાસ માટે મહત્વનું સંસાધન બનશે. સાથે સાથે વિસ્તારના સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસમાં પણ આ પ્રોજેક્ટ સહાયરૂપ બનશે. સ્થાનિક કારીગરો, વેપારીઓ, ગાઇડ્સ અને સેવા પ્રદાતાઓ માટે નવા વ્યવસાયિક અવસરો ઉપલબ્ધ થશે.
આ રાજમહેલની આસપાસ ધરમપુર અને કપરાડા તાલુકાના વિસ્તારો સહયાદ્રી પર્વતમાળાની રમણીય શ્રેણી ધરાવે છે. આ વિસ્તારમાં જંગલો, નદીઓ અને કોતરો આવેલા છે જે ચોમાસા દરમિયાન અને તે પછી લીલાછમ વાતાવરણ સાથે ધોધ પણ વહેતા હોય છે. મહારાષ્ટ્ર અને મુંબઈ વિસ્તારના લોકો જેમ લોનાવાળા જેવા સ્થળોની મુલાકાત લે છે, તેમ દક્ષિણ ગુજરાતના શહેરી વિસ્તારના લોકો માટે પણ આ એક આકર્ષક પ્રવાસન સ્થળ બનશે.
ધરમપુર ખાતે આવેલ શ્રીમદ રાજચંદ્ર આશ્રમે આખા વર્ષ દરમિયાન જૈન સમુદાયના લોકો અને અન્ય મુલાકાતીઓ આવતા રહે છે. આ રાજમહેલના નવીનીકરણ પછી તેઓ માટે એક વિશેષ આકર્ષણ બનશે અને ધાર્મિક પ્રવાસનને સાંસ્કૃતિક પ્રવાસન સાથે જોડવાની શક્યતા મળશે.
રાજ્ય સરકાર દ્વારા સુરત વિસ્તારને ઇકોનોમિક હબ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ તે વિકાસ સાથે તાલમેલ રાખીને વિસ્તારના લોકો માટે મનોરંજન અને આનંદ પ્રદાન કરવા માટે ભવિષ્યમાં એક વિશિષ્ટ પ્રવાસન સ્થળ ઉપલબ્ધ કરાવશે. વાપી જેવા ઔદ્યોગિક વિસ્તારના લોકો માટે આ એક આરામદાયક સ્થળ બની શકે છે.
નાની વહીયાળ ગામ વિલસન હિલ, તિથલ બીચ, નાની દમણ, દૂધની, સેલવાસ, સાપુતારા અને ડાંગના જંગલી વિસ્તારો, રામકુડ ડુંગરાળ વિસ્તારો જેવા પ્રવાસન સ્થળોથી માત્ર એક-બે કલાકના અંતરે આવેલું છે. આ કનેક્ટિવિટીથી પર્યટકો માટે મલ્ટિ-ડેસ્ટિનેશન ટૂરનું આયોજન કરવાની શક્યતા વધશે.
રાજ્યમાં હાલના તબક્કે આદિવાસી વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી (એસઓયુ) ધરાવતી એકતાનગર હવેલી ગામનો વિકાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં ધરોઇ ખાતે પણ પ્રવાસન સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ્સની સમકક્ષ દક્ષિણ ગુજરાતમાં આ રાજમહેલનું નવીનીકરણ થાય તે જરૂરી છે.
ધારાસભ્ય પટેલે તેમની અરજીમાં આ પ્રોજેક્ટને બજેટમાં સમાવિષ્ટ કરી નાણાકીય જોગવાઇ કરવા અને તબક્કાવાર આયોજન હાથ ધરવા વિનંતી કરી છે. ડીપીઆર તૈયાર કરાવીને કામગીરી હાથ ધરવા માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવા માંગ કરી છે. આ પ્રોજેક્ટ દક્ષિણ ગુજરાતના પ્રવાસન ઉદ્યોગ માટે નવી દિશા આપી શકે છે.



