વાપી રાતા બસ સ્ટેન્ડ નજીક મુખ્ય માર્ગ પર પાંચ દિવસથી કન્ટેનર પાર્કિંગ, ટ્રાફિક વ્યવસ્થા સામે સવાલ

On: August 22, 2026 10:01 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વીજ કંપનીના કેબલના રોલ ભરેલા કન્ટેનરથી વાહનચાલકો પરેશાન, જાહેર રોડનો લોડિંગ-અનલોડિંગ માટે ઉપયોગ થતો હોવાનો આક્ષેપ

વાપીના રાતા બસ સ્ટેન્ડ નજીક કોપરણી તરફ જતા મુખ્ય માર્ગ પર કેબલના રોલ ભરેલા લાંબા કન્ટેનરો છેલ્લા પાંચ દિવસથી રસ્તા પર જ પાર્ક કરી દેવામાં આવતા ટ્રાફિક વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. વીજ કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા કન્ટેનરના પાર્કિંગ માટે જાહેર માર્ગનો ઉપયોગ કરવામાં આવતો હોવાના આક્ષેપો વચ્ચે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાતા બસ સ્ટેન્ડ નજીક રોડની બાજુમાં છેલ્લા કેટલાક સમયથી કેબલના મોટા રોલનું ગોડાઉન ઉભું કરવામાં આવ્યું હોવાનું સ્થાનિકોનું કહેવું છે. ગોડાઉન રોડને અડીને હોવાથી કેબલના રોલની હેરફેર માટે અવારનવાર કન્ટેનરો રસ્તા પર જ ઉભા રાખવામાં આવે છે. કન્ટેનરમાંથી માલ બહાર કાઢવા માટે ક્રેનનો ઉપયોગ પણ જાહેર માર્ગ પરથી કરવામાં આવતો હોવાના કારણે વાહનવ્યવહારને અસર થઈ રહી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા પાંચ દિવસથી કેબલના રોલ ભરેલા લાંબા કન્ટેનરો મુખ્ય માર્ગ પર લાઈનમાં પાર્ક કરવામાં આવ્યા છે. આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે. કન્ટેનરો રસ્તા પર ઉભા રહેતા અનેક સ્થળોએ માત્ર એક વાહન પસાર થઈ શકે એટલી જ જગ્યા બચી રહે છે, જેના કારણે ટ્રાફિક ધીમો પડવાની સાથે અકસ્માતની શક્યતા પણ ઊભી થઈ રહી છે.

માત્ર પાર્કિંગ જ નહીં, પરંતુ કેબલના રોલનું લોડિંગ અને અનલોડિંગ પણ જાહેર રસ્તા પર જ કરવામાં આવતું હોવાનો આક્ષેપ છે. કામગીરી દરમિયાન અન્ય વાહનોને પસાર થવામાં મુશ્કેલી પડતી હોવાથી ટ્રાફિકની સમસ્યા વધુ વકરી રહી છે.

સામાન્ય વાહનચાલકો દ્વારા રસ્તા પર વાહન પાર્ક કરવા બદલ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે મુખ્ય માર્ગ પર દિવસો સુધી કન્ટેનર પાર્ક રાખવામાં આવે અને જાહેર રસ્તાનો લોડિંગ-અનલોડિંગ માટે ઉપયોગ થાય ત્યારે શું નિયમો અલગ પડે છે? તેવો સવાલ વાહનચાલકોમાં ઉઠી રહ્યો છે.

સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે કન્ટેનરમાં વીજ કંપનીનો સામાન હોવાથી કોઈ કાર્યવાહી નહીં કરે તેવી માનસિકતા સાથે જાહેર માર્ગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જોકે, કાયદો અને ટ્રાફિકના નિયમો દરેક માટે સમાન હોવા જોઈએ તેવી માંગ ઉઠી છે.

રાતા બસ સ્ટેન્ડ નજીકનો આ માર્ગ વાહનવ્યવહારની દૃષ્ટિએ મહત્વપૂર્ણ હોવાથી જિલ્લા ટ્રાફિક પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી જાહેર માર્ગ પરના કન્ટેનર પાર્કિંગ તથા રોડ પર થતા લોડિંગ-અનલોડિંગ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી વાહનચાલકો અને સ્થાનિકોની માંગ છે. જાહેર રસ્તો ખાનગી પાર્કિંગ કે વ્યાવસાયિક કામગીરી માટે ઉપયોગમાં ન લેવાય અને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તે માટે તંત્ર કડક પગલાં લે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!