
763 મેડિકલ અને પેરામેડિકલ ટીમો દ્વારા 19,80,976 વસ્તીનું સર્વેલન્સ
વલસાડ જિલ્લામાં પડેલા અતિભારે વરસાદ અને પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ તેમજ રોગચાળા અટકાયતી કામગીરી હાથ ધરવામાં આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે આરોગ્ય ટીમો સક્રિય થઈ ગઈ છે. જિલ્લામાં કુલ 110 ગામ અને વોર્ડ અસરગ્રસ્ત થયા છે, જેમાં કુલ 41,828 લોકો પ્રભાવિત થયા છે. આ વિસ્તારોમાં 763 મેડિકલ અને પેરામેડિકલ ટીમો કાર્યરત છે, જેમના દ્વારા 19,80,976 વસ્તીનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. જિલ્લામાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ઝાડા, ઉલટી, શરદી, તાવ અને ખાંસી જેવા લક્ષણો ધરાવતા દર્દીઓની સમયસર તપાસ અને સારવાર સુનિશ્ચિત કરવામાં આવી છે. લોકોના સ્વાસ્થ્ય રક્ષણ માટે પીવાના પાણીના સ્ત્રોતોનું ક્લોરિનેશન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ 3,61,888 ક્લોરીન ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ પાણીના શુદ્ધિકરણ માટે મોટા પ્રમાણમાં ચૂનાનો છંટકાવ પણ કરવામાં આવ્યો છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ઉકાળેલું પાણી પીએ અને સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ સમસ્યા જણાય તો તુરંત જ નજીકના મેડિકલ કેમ્પ કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરે.





