રાજ્ય સરકાર દ્વારા શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક વિતરણ સમારોહ – ૨૦૨૪ના એવોર્ડ માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી કુલ ૨૮ શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં ત્રણ વર્ષ બાદ વલસાડ જિલ્લામાંથી એક શિક્ષિકાની પંસદગી થઈ છે. જિલ્લાના પારડી તાલુકાના ખડકી ગામની પ્રાથમિક શાળાના ઉપશિક્ષિકા ઈલાબેન વસંતલાલ પટેલને આજે શિક્ષક દિવસે અમદાવાદના પાલડી ખાતે ટાગોર હોલમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે શાલ, પ્રમાણપત્ર અને રૂ. ૫૧,૦૦૦ના પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઈલાબેને બાળકોના સર્વાંગી વિકાસ માટે શાળામાં નામાંકન, સ્થાયીકરણ, લોકભાગીદારી, કન્યા કેળવણી, પ્રવેશોત્સવ, ગુણોત્સવ, હાજરી સુધારણા, આરોગ્ય તપાસણી સહિતના વિવિધ કાર્યોમાં મહત્વની અને સક્રિય ભૂમિકા ભજવી શિક્ષણની ગુણવત્તા સુધારણામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. વલસાડ જિલ્લામાંથી ૩ વર્ષ બાદ રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક મળતા જિલ્લાના શિક્ષણ જગતમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. આ પ્રસંગે ઈલાબેને પોતાની નિઃસ્વાર્થ સેવા ભાવનાને રાજ્ય સરકારે એવોર્ડ આપી બિરદાવતા રાજ્ય સરકારનો આભાર માન્યો હતો અને જણાવ્યું કે, રાજય કક્ષાનો આ એવોર્ડ મને વિદ્યાર્થીઓના જીવન ઘડતર માટે વધુ બહેતર કાર્ય કરવા માટે પ્રેરણા પુરી પાડશે.