રવિવારે 1લી સપ્ટેમ્બરે વાપીમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ જમીયત ઉલમાં-એ-વાપી ટ્રસ્ટ અને લાયન્સ કલબ ઓફ વાપીના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું અયોજન કરવામાં આવ્યું હતું. જમીયત દ્વારા આ પ્રથમ રક્તદાન કેમ્પ હતો. જેમાં 118 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.
રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરવા આવ્યાં હતાં. પરંતુ રક્તદાન માટે નિયત ઉંમર અને વજન તેમજ બ્લડ પ્રેશર, ડાયાબીટીસ જેવી બીમારી છે કે કેમ તે અગત્યનું પાસું હોય એવા 50 થી વધુ રક્તદાતાઓનું રક્ત નહિ લેવામાં આવતા તેઓએ ભારે હૈયે પરત થવું પડ્યું હતું.
રક્તદાન કેમ્પની આયોજક સંસ્થા એવી જમીયત ઉલમાં એ વાપી ટ્રસ્ટના પ્રમુખ ઇન્તેખાબ ખાન અને ખજાનચી અબ્દુલ વહાબ ખાને જણાવ્યું હતું કે, આ તેમની સંસ્થા તરફથી પ્રથમ કેમ્પ હતો. જે સફળ રહ્યો છે. રક્તદાતાઓનો ઉત્સાહ જોઈ આગામી દિવસોમાં પણ આ જ પ્રકારે રક્તદાન કેમ્પ કરતા રહેવાની પ્રેરણા મળી છે. મુસ્લિમ સમાજમાં આ રક્તદાન કેમ્પથી ખૂબ જ જાગૃતિ આવી છે. અન્ય મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ આગામી સમયમાં બનતા પ્રયાસ સાથે રક્તદાન કેમ્પ યોજવાની ખાતરી આપી છે.
વાપીમાં બિન વારસી મૃતદેહોને તેમની ધાર્મિક વિધિ અનુસાર અંતિમક્રિયા કરીને, ગરીબ, જરૂરિયાતમંદ લોકોને રાશન સહિતની આર્થિક મદદ કરતી તેમજ ગરીબ દર્દીઓની સારવારનો ખર્ચ ઉપાડતી જમીયત ઉલમાં-એ-વાપી ટ્રસ્ટના પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, લોહી ક્યાંય કોઈ ફેકટરીમાં બનતું નથી. જ્યારે પણ કોઈ માનવીને લોહીની જરૂર પડે છે ત્યારે તેને માનવી જ લોહી આપી શકે છે. આવા સમયે જમીયત ને પુરીબેન પોપટ લાખા બ્લડ બેન્ક તરફથી હંમેશા મદદ મળતી રહી છે. અત્યાર સુધીમાં 38થી વધુ બોટલ આ બ્લડ બેંકમાંથી આપવામાં આવી છે. એટલે તેનું ઋણ ચૂકવવા આ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં હિંદુ-મુસ્લિમ રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરી કેમ્પને સફળ બનાવ્યો છે. અને કોમી એકતાની મિશાલ પુરી પાડી છે.
ઉલ્લેખનીય છે કે, વાપીમાં કોપરલી રોડ પર આવેલ સહારા હોસ્પિટલની પાછળ અફસાના માર્કેટ ખાતે યોજાયેલ આ રક્તદાન કેમ્પમાં લાયન્સ કલબના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો, હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત થતા સંસ્થા દ્વારા તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રક્તદાતાઓને મહાનુભાવો ના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યાં હતાં. આ સફળ રક્તદાન કેમ્પ યોજવા બદલ તમામે અભિનંદન પાઠવ્યા હતાં.