વાપીમાં મોબાઈલ સ્નેચીંગ ગેંગનો પર્દાફાશ! રાતના અંધારામાં બાઈક પર નીકળતા, અને પળવારમાં મોબાઈલ ઝૂંટવી ફરાર થતા — 4 આરોપી ઝડપાયા

On: August 29, 2026 6:33 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
પોલીસને હાથે ઝડપાયેલા આરોપીઓ..



વાપી, તા. 29: વાપી GIDC પોલીસને મોબાઈલ સ્નેચીંગ અને લૂંટના ગુનાઓમાં મોટી સફળતા મળી છે. વાપી, દમણ અને દાદરા-નગર હવેલી સહિતના વિસ્તારોમાં ગેંગ બનાવી રાત્રિના સમયે વાહનચાલકો તથા રાહદારીઓને નિશાન બનાવી મોબાઈલ અને અન્ય કિંમતી ચીજવસ્તુઓની ચોરી-ઝૂંટ ચલાવતી ગેંગના ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.
પોલીસે ઝડપેલા આરોપીઓમાં મોહમદ હનીફ ઉર્ફે મુન્ના, આનંદ ઉર્ફે ગુડ્ડા, વિશાલ ઉર્ફે કાલુ અને કરણનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ રાત્રિના સમયે મોટરસાઇકલ પર નીકળી રસ્તા પર આવતા લોકોને નિશાન બનાવતા હતા અને તક મળતાં તેમના હાથમાંથી મોબાઈલ ફોન, ઘડિયાળ સહિતની કિંમતી વસ્તુઓ ઝૂંટવી ફરાર થઈ જતા હતા.


આ મામલે તા. 10 ઓગસ્ટ, 2026ના રોજ વાપી GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં એક વ્યક્તિ પાસેથી આશરે રૂ.1.40 લાખની કિંમતનો iPhone 17 Pro Max ઝૂંટવી લેવાયો હોવાનું સામે આવ્યું હતું. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી. ગોહીલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે CCTV ફૂટેજ, ટેકનિકલ વિશ્લેષણ તથા બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગેંગના ચારેય આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.
પોલીસ તપાસમાં આરોપીઓનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ મોહમદ હનીફ વિરુદ્ધ 25 જેટલા ગુનાઓ, જ્યારે વિશાલ અને કરણ વિરુદ્ધ પણ અગાઉના ગુનાઓ નોંધાયેલા છે. ગત બે-ત્રણ વર્ષ દરમિયાન આરોપીઓએ વાપી, દમણ અને દાદરા-નગર હવેલી વિસ્તારમાં મોબાઈલ સ્નેચીંગ તથા લૂંટના અનેક બનાવોને અંજામ આપ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ મોબાઈલ ફોન, બજાજ પલ્સર NS-200 મોટરસાઇકલ અને સુઝુકી ઍક્સેસ મોપેડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. કબજે કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત લાખો રૂપિયામાં હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 304(2) અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન વાપી ઉપરાંત દમણ અને દાદરા-નગર હવેલી વિસ્તારમાં બનેલા અન્ય મોબાઈલ સ્નેચીંગના ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.
વાપી GIDC પોલીસે કરેલી આ કાર્યવાહી બાદ રાત્રિના સમયે મોબાઈલ સ્નેચીંગની ઘટનાઓથી પરેશાન લોકોમાં રાહત જોવા મળી રહી છે. પોલીસ દ્વારા આરોપીઓના અન્ય ગુનાઓ અંગે પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

તપાસમાં મળી આવેલા મોબાઈલ ફોન

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!