પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 19 જૂને રાષ્ટ્રીય કાર્યક્રમ, વાપીમાં રાજુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ

પ્રધાનમંત્રી મોદી ₹2,400 કરોડની સહાય સીધી લાભાર્થીઓના ખાતામાં જમા કરાવશે
વાપી, તા. 18 : કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PM-VBRY)ના સફળ અમલીકરણ નિમિત્તે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા 19 જૂન, 2026ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રીય સ્તરના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા આ કાર્યક્રમ દરમિયાન દેશભરના લાભાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે અંદાજે ₹2,400 કરોડની પ્રોત્સાહક સહાયનું વિતરણ કરવામાં આવશે.
આ સહાયથી દેશભરમાં 15 લાખથી વધુ લોકોને વધારાની રોજગારીનો લાભ મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. નવી દિલ્હીમાં યોજાનારા મુખ્ય કાર્યક્રમમાં આશરે 1,200 આમંત્રિત મહેમાનો, જેમાં નિયોક્તાઓ, કર્મચારીઓ અને અન્ય વિશિષ્ટ મહાનુભાવો સામેલ રહેશે. પ્રધાનમંત્રી દેશના વિવિધ રાજ્યોના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કરશે. સમગ્ર કાર્યક્રમનું દૂરદર્શન પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.

કાર્યક્રમમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, રાજ્યમંત્રી શોભા કરંદલાજે તેમજ શ્રમ અને રોજગાર મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે.
દેશવ્યાપી જનજાગૃતિ અને વ્યાપક પહોંચના ભાગરૂપે દેશના 200 સ્થળોએ એકસાથે પ્રાદેશિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં 2 રાજ્યપાલ, 5 મુખ્યમંત્રી, 12 કેન્દ્રીય મંત્રી, 1 ઉપમુખ્યમંત્રી, 13 રાજ્ય શ્રમ મંત્રી, 39 રાજ્ય મંત્રી, 59 સાંસદ, 56 ધારાસભ્યો અને 2 મેયર સહિતના જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. તેમની હાજરી રોજગાર સર્જન અને ઔપચારિક રોજગારને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસોને વધુ મજબૂત બનાવશે.
ગુજરાતના વાપી ખાતે આ કાર્યક્રમનું આયોજન રાજુ શ્રોફ ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ, સિલવાસાના સાંસદ કલાબેન ડેલકર, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ તથા વાપીના મેયર દક્ષાબેન પટેલ ઉપસ્થિત રહેશે.
વાપીમાં યોજાનારા કાર્યક્રમમાં અંદાજે 500થી 600 કર્મચારીઓ અને નિયોક્તાઓ ભાગ લે તેવી શક્યતા છે. ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ તથા પ્રતિનિધિઓ પણ કાર્યક્રમમાં હાજરી આપશે.
પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના કેન્દ્ર સરકારની રોજગાર આધારિત પ્રોત્સાહક યોજના છે. યોજના હેઠળ પ્રથમ વખત સંગઠિત ક્ષેત્રમાં જોડાનારા કર્મચારીઓને એક મહિનાના વેતન જેટલી, મહત્તમ ₹15 હજાર સુધીની સહાય આપવામાં આવે છે. જ્યારે નવા કર્મચારીઓની ભરતી કરનાર નિયોક્તાઓને બે વર્ષ સુધી પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે. ઉત્પાદન ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગોને વધારાના બે વર્ષ સુધી સહાયનો લાભ મળતો હોવાથી શ્રમપ્રધાન ઉદ્યોગોમાં રોજગાર સર્જનને વધુ વેગ મળવાની અપેક્ષા છે.
કેન્દ્ર સરકારનો વિશ્વાસ છે કે PM-VBRY યોજના દ્વારા દેશમાં ઔપચારિક રોજગારના અવસરોમાં વધારો થશે અને યુવાનોને વધુ સારી રોજગારીની તકો ઉપલબ્ધ બનશે.



