[ad_1]
અમદાવાદ,તા.19 માર્ચ 2022, શનિવાર
અમદાવાદમાં મુસ્લીમ સમાજ દ્વારા ગઇકાલે શુક્રવારની રાત્રે ‘શબ-એ બારાત’ મનાવવામાં આવી હતી. જેમાં વર્ષ દરમિયાન ભુલેચુકે થઇ ગયેલા ગુન્હાઓની અલ્લાહ સામે સાચા મનથી માફી માંગવામાં આવી હતી. આવનાર- વર્ષ તેઓના માટે સારૂ રહે તેવી પણ દુઆ કરવામાં આવી હતી. તે માટે મુસ્લીમો શહેરમાં આવેલા વિવિધ કબ્રસ્તાનોમાં જઇને પૂર્વજો-સ્વજનોની કબરો પર પુષ્પગુચ્છ મુકીને તેઓ માટે પણ ફાતેહા પઢીને દુવા માંગવામાં આવી હતી.
અમદાવાદમાં ગોમતીપુર ચારતોળા કબ્રસ્તાન, ઝુલતા મિનાર કબ્રસ્તાન, મનિયાર ઝમાત કબ્રસ્તાન, શાહીબાગમાં મુસાસુહાગ કબ્રસ્તાન, દાણીલીમડામાં ગંજશહિદ કબ્રસ્તાન તેમજ બીજા તમામ કબ્રસ્તાનોમાં શુક્રવારની મોડી રાત સુધી મુસ્લીમ ભાઇઓએ તેમના સ્વજનોની કબરો પર જઇને ફુલો મુકીને અલ્લાહ પાસે વિવિધ દુવાઓ માંગી હતી.
હજારોની સંખ્યામાં મુસ્લીમ ભાઇઓએ કબ્રસ્તાનમાં જઇને શબ-એ-બારાત મનાવી હતી. આ અંગે ગોમતીપુર વોર્ડના કોર્પોરેટર ઇકબાલ શેખના જણાવ્યા મુજબ આ દિવસે શુક્રવારે વિવિધ મસ્જિદોમાં ખાસ નમાજ અદા કરવામાં આવી હતી. શબ-એ-બારાત માં દરેક જણે પોતે વર્ષ દરમિયાન કરેલા ગુન્હાઓથી માફી માંગવી, આવનારૂ વર્ષ રોજીરોટી, સ્વાસ્થ્ય, ભાઇચારા માટે સારૂ રહે તે માટે દુવા કરવામાં આવે છે. કબ્રસ્તાનમાં જઇને સ્વજનોની કબરોની સફાઇ કરવી, નવી ચાદર ચઢાવવી, તેમની કબર પર ફુલ મૂકવામાં આવે છે.
મુસ્લીમ સમાજમાં આ રાતનું વિશેષ મહત્વ છે. તેથી મસ્જિદોના ટ્રસ્ટીઓ, સ્થાનિક આગેવાનો અને મ્યુનિ.તંત્ર, પોલીસ તંત્ર દ્વારા સાથે મળીને તેનું આયોજન કરવામાં આવે છે. કબ્રસ્તાનની સફાઇ, લાઇટિંગની વ્યવસ્થા, ચા-પાણી, નાસ્તાની સુવિધા, સુરક્ષા વ્યવસ્થાની સાથે ટ્રાફિકનું વ્યવસ્થાપન પણ કરવામાં આવે છે. કે જેથી હજારોની સંખ્યામાં આવતા મુસ્લીમ ભાઇઓને કોઇ તકલીફ ન પડે.
[ad_2]
Source link






