[ad_1]

રાજકોટ, : નિયત સમય કરતાં વહેલી ન આવે તો પણ આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી નિશ્ચિત જ છે અને યુવા મતદારો પર રાજકીય પક્ષોનો મોટો મદાર રહેતો હોવાનું મનાય છે. જોકે, આ વખતની મતદારયાદી સુધારણા ઝૂંબેશ દરમિયાન મતદારોની- ખાસ કરીને યંગ વોટર્સની સંખ્યામાં ધારણાં મુજબનો વધારો નહીં થવાનું અનુમાન સાચું ઠરતું જણાયું છે. આ સંજોગામાં એક અસામાન્ય નિર્ણય લઈને કેન્દ્રીય ચૂંટણીપંચે ગુજરાત પૂરતો આ કાર્યક્રમ લંબાવવાની છૂટ આપી છે ત્યારે મતદારસંખ્યામાં વૃધ્ધિનાં પ્રયાસરૂપે રાજકોટનાં ચાર વિધાનસભા મતવિસ્તારોમાં ખાસ ટીમો દોડાવવામાં આવી રહી છે.
ગયા વર્ષે મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન કોરોનાકાળની અસર છતાં રાજકોટ જિલ્લામાં એકંદર મતદારવૃધ્ધિ 36147 અને એ અગાઉ 2019-20માં 41875ની રહી હતી. આ વખતે કુલ ફોર્મ તો 74 હજારથી વધુ આવ્યા પણ એકંદર નામ ઉમેરાનાં 36થી 37 હજાર જ છે. જે- તે જિલ્લાની અંદાજિત વસતીમાંથી 18થી 19 અને 20થી 29 વર્ષનાં મતદારોનું પ્રમાણ ક્યાં કેટલું હોવું જોઈએ તે અનુમાન આ વખતે પણ માંડવામાં આવ્યું હતું પરંતુ એ અંદાજમાં ભૂલ હોય તેમ આ વખતનાં ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં પણ એટલું આદર્શ પ્રમાણ રાજ્યનાં મોટાભાગનાં જિલ્લાઓમાં જણાયંત નથી.
અંતે, મતદારયાદી સુધારણા કાર્યક્રમની 30 નવેમ્બરે પૂર્ણ થતી મુદ્દત લંબાવી આપવાની રજૂઆત માન્ય રાખી તા. 5 ડિસેમ્બર સુધીની મુદ્દત અપાઈ છે. આ દિવસો દરમિયાન અત્યાર સુધીમાં આવેલી અરજીઓનું ફિલ્ડ વેરિફિકેશન કરવા બૂથ લેવલ ઓફિસરો આમ પણ નીકળવાનાં જ હતા પરંતુ હવે તેમને ક્યાંય કોઈ નામનોંધણીમાં બાકી રહી ગયું હોય તો ફોર્મ ભરી દેવાનું સમજાવવાની વધારાની કામગીરી પણ સોંપાઈ છે. ઉપરાંત, રાજકોટના ચાર વિધાનસભા મતવિસ્તારો માટે સેક્ટર ઓફિસરો, નાયબ મામલતદારો, મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓની ટીમ પણ જાગૃતિ ફેલાવવા (મતદારસંખ્યા વધારવા!) ઉતારી દેવામાં આવી છે. ગઈકાલે 1195 અને આજે 1736 ફોર્મ મેળવી લેવામાં આવ્યા છે. આજે કાલાવાડ રોડ પરની કોલેજ ખાતે કોલેજીયનોને એકત્ર કરીને વધુ 150 યુવાજનોનાં નામનોંધણી માટેનાં ફોર્મ મેળવાયા હતા. એનવીએસપી પોર્ટલ કે વીએચએ એપ મારફત અથવા રૂબરૂ અરજીઓ જમા કરાવડાવા તંત્ર મથામણ કરી રહ્યું છે અને તેની અસર પણ જાન્યુઆરીમાં જાહેર થનારા અંતિમ આંકડાઓ પર દેખાશે તેવું મનાય છે.
[ad_2]
Source link






