[ad_1]
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીના એમઆરઆઈડી(મહારાજા રણજિતસિંહ ઈન્સ્ટિટયુટ ઓફ ડિઝાઈન) બિલ્ડિંગનુ બાંધકામ પુરુ થઈ ગયુ છે અને નવા વર્ષમાં વિદ્યાર્થીઓ નવા બિલ્ડિંગમાં અભ્યાસ કરે તેવી શક્યતા છે.
મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટીના હાલના પ્રો વાઈસ ચાન્સેલરના બંગલાના કેમ્પસમાં છેલ્લા ચાર વર્ષથી આ બિલ્ડિંગનુ બાંધકામ ચાલી રહ્યુ છે.યુનિવર્સિટીના સૂત્રોના કહેવા પ્રમાણે બિલ્ડિંગના બાંધકામની કામગીરી પૂરી થઈ ગઈ છે.આ માટે ચાર કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને ભણાવાતા ડિઝાઈન કોર્સને ધ્યાનમાં રાખીને બિલ્ડિંગને સ્ટુડિયો, કાફેટેરિયા જેવી વિવિધ સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યુ છે.
લગભગ ૩૨૦૦૦ સ્કેવરફૂટ વિસ્તારમાં બિલ્ડિંગનુ બાંધકામ થયુ છે.હવે બિલ્ડિંગ સુધીના રસ્તાની અને કમ્પાઉન્ડ વોલની જ કામગીરી બાકી રહી છે.લાઈટ કનેક્શન માટે પણ અરજી આપી દેવામાં આવી છે.જાન્યુઆરી મહિનામાં બિલ્ડિંગનુ લોકાર્પણ કરવામાં આવે તેવી શક્યતા છે.આમ નવા વર્ષમાં એમઆરઆઈડી બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે.હાલમાં વિદ્યાર્થીઓના લેક્ચર યુનિવર્સિટી હેડ ઓફિસની પાછળ આવેલા અને વ્હાઈટ હાઉસ તરીકે ઓળખાતા બિલ્ડિંગમાં લેવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, ફાઈન આર્ટસ ફેકલ્ટીનો ડિઝાઈન કોર્સ યુનિવર્સિટીના સૌથી મોંઘા સેલ્ફ ફાઈનાન્સ કોર્સ પૈકીનો એક છે.જેની એક વર્ષની ફી લગભગ ૧.૨૦ લાખ રુપિયા છે.
યુનિવર્સિટીના સૂત્રોના કહેવા પ્રમાણે યુનિવર્સિટીના હેડ ઓફિસના એક્સટેન્શનની પણ કામગીરી પૂરી થઈ ગઈ છે અને આ નવુ બિલ્ડિંગ પણ નવા વર્ષમાં કાર્યરત કરાય તેવી શક્યતા છે.
[ad_2]
Source link