[ad_1]
સુરત, તા. 3 નવેમ્બર 2021 બુધવાર
છેલ્લા કેટલાક વર્ષોમાં જંગલોમાં સાગી લાકડાની ચોરીના બનાવોમાં વધારો જોવા મળ્યો છે. સાગની કિંમત પણ વધુ હોય છે, જેથી જંગલો માં સૌથી વધારે લાકડાની ચોરીના બનાવો પણ બનતા રહે છે. જો કે વન વિભાગ દ્વારા આ અંગે દેખરેખ રાખી લાકડા ચોરો ને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે.
નાયબ વન સંરક્ષકની સુચના મુજબ આગામી દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને છેલ્લા 15 દિવસથી નાઈટ પેટ્રોલીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને વન વિભાગનો સ્ટાફ નક્કી કરેલ પોઈન્ટ ઉપર ખડેપગે રાત્રી દરમ્યાન પોતાની ફરજ નિભાવતા હતા. જેના કારણે લાકડાચોરોથી રાત્રી દરમ્યાન ગુના પ્રવૃતિ અશકય બની હતી. જેથી લાકડાચોરોએ ધોળેદિવસે આ પ્રવૃતિ સફળ થાય એવી તજવીજ હાથ ધરી હતી પરંતુ વનવિભાગની જાગૃતતાને કારણે લાકડાચોરો માંડવી દક્ષિણ રેંજ માંથી મુદ્દામાલ સાથે આબાદ ઝડપાઇ ગયા હતા
નાયબ વન સંરક્ષકને મળેલ ગુપ્ત બાતમીના આધારે માંડવી દક્ષિણ રેંજના રેંજ ફોરેસ્ટ ઓફિસર તથા રાઉન્ડ ફોરેસ્ટર પીપલવાડા અને તેમની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન સવારના 11:30 કલાકે ફેદરીયા થી માંડવી રોડ પર વાહનમાં સીંગલવાણ ગામમાંથી અલગ અલગ ઘરેથી સાગી ચોરસા ભેગા કરી ઘાસના પૂડિયાઓ નીચે સંતાડી લઈ જવાની બાતમી મળેલ હતી.
બાતમી ના આધારે વાહનનો પીછો કરતા રૂપણ ગામે બસ સ્ટેન્ડ પાસે ગાડીને પકડી પાડવામાં આવ્યા હતા. જેમાં આરોપી ડ્રાઈવર મનહરભાઈ રમણભાઈ ચૌધરી તેના સાથીદાર સલિમભાઈ માનસીંગ વસાવા ને ખેતરમાં ભાગી જતા ચાર થી પાંચ ખેતર સુઘી દોડી પીછો કરી ઝડપી પાડેલ હતા. આ વાહનની તપાસ કરતા સાગી ચોરસા મળી આવેલ હતા. જેથી ભારતીય વન અધિનિયમ-1927ની કલમ 41 2(બ) હેઠળ વાહતુકનો ગુનો નોંધી વાહન જપ્ત કરી ખેડપુર ડેપો ખાતે જમા કરેલ છે.
આ બાબતે વધુ તપાસ કરતા સદર મુદ્દામાલ સામરકુવા ગામેથી (સોનગઢ તાલુકો) આરોપી નંબર-1 ના ઘરેથી વાહનમાં ભરી અને મોસાલી ગામે (માંગરોળ તાલુકા) આપવાના હતા એમ જણાવેલ હતું. ગુનાકામે પકડાયેલ વાહનમાં સાગી ચોરસા નંગ-50 ઘન મીટર. 1.810 ભરી વાહતુક કરતા જપ્ત કરવામાં આવેલ છે. જેની રકમ રૂા.65,518 અને અંદાજીત વાહન રકમ રૂા.4,00,000 છે. જેના મુદ્દામાલ અને વાહનની અંદાજીત બજાર કિંમત રૂા. 4,65,518/– થવા જાય છે.
આમ પોલીસે કિંમતી સાગના લાકડાની ચોરોને પકડી પાડીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. કિંમતી માનવામાં આવતા આ લાકડાની ચોરી તેઓ કેવી રીતે કેટલા સમયથી કરતા હતા અને તેમના આ ગુનામાં બીજા કોણ કોણ સામેલ છે, તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
[ad_2]
Source link