[ad_1]

અમદાવાદ,શનિવાર,19
માર્ચ,2022
શહેરમાં સામાન્ય અને મધ્યમ વર્ગના રહીશો દ્વારા ઓટલા
પ્રકારનું બાંધકામ મ્યુનિ.ની મંજુરી વગર કરવામાં આવે તો એસ્ટેટ વિભાગ તરફથી તેને
તોડી પાડીને બહોળી પ્રસિધ્ધિ લેવામાં આવતી હોય છે.બીજી તરફ દાણીલીમડા વોર્ડના
કોર્પોરેટરના પતિ દ્વારા ગેરકાયદે બાંધકામ મંજુરી વગર કરી દેવામાં આવે છે એમ છતાં
નોટિસ જ આપી છે. ગેરકાયદેસર બાંધકામ કરનાર કોર્પોરેટરના સંબંધી હોવાથી એસ્ટેટ
વિભાગે નોટિસ આપવાનું માત્ર નાટક કરી ગેરકાયદેસર બાંધકામ પુરુ કરાવી દીધુ હોવાની
સ્થાનિક રહીશોમાં ચર્ચા સાંભળવા મળી રહી છે.
દક્ષિણ ઝોનમાં આવેલા દાણીલીમડા વોર્ડના કોર્પોરેટરના પતિ
સુરેશભાઈ.દેવજીભાઈ.વેગડા દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવે છે.આ બાંધકામ અડધા ઉપરાંત થઈ ગયા બાદ
મ્યુનિ.ના દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગનો સ્ટાફ સફાળો જાગે છે.૨૫ ફેબુ્રઆરી-૨૦૨૨ના રોજ
જી.પી.એમ.સી.એકટ-૧૯૪૯ની કલમ-૨૬૭ મુજબ જે સ્થળે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યુ હતું એ
સ્થળે નોટિસ લગાવી આવે છે.આ નોટિસમાં બાંધકામ કરનારા સુરેશભાઈ.વેગડાને એસ્ટેટ
વિભાગ સ્પષ્ટ કહે છે કે,એમના અને
અન્ય લાગતાવળગતાઓ તરફથી જે બાંધકામ કરવામાં આવી રહ્યુ છે એ મ્યુનિ.ની પૂર્વ મંજુરી
લીધા વગરનું હોવાથી તાકીદે બંધ કરવું.આ નોટિસ આપવામાં આવ્યા બાદ પણ એસ્ટેટ વિભાગ
તરફથી આ ગેરકાયદેસર બાંધકામને તોડવામાં આવ્યુ નથી.
આ મામલે દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગમાં તપાસ કરતા અગાઉ જે
વોર્ડ ઈન્સપેકટર ફરજ બજાવતા હતા એમની પંદર દિવસ અગાઉ અન્ય સ્થળે બદલી કરવામાં આવી
હોવાનું જાણવા મળ્યુ છે.આ વોર્ડમાં ફરજ ઉપર મુકવામાં આવેલા નવા વોર્ડ ઈન્સપેકટરનો
સંપર્ક કરતા તેમણે કહ્યુ,હું નવો
આવેલો છું.એટલે આ કીસ્સામાં ખરેખર શું છે એની મારે તપાસ કરવી પડશે.શહેરમાં વસતા
ગરીબ,મધ્યમ
વર્ગના લોકો જો સામાન્ય ઓટલા પ્રકારનું કે અન્ય સમારકામ પણ કરે તો
આર.ટી.આઈ.એકિટિવિસ્ટ કે ત્રાહિત વ્યકિત તરફથી એસ્ટેટ વિભાગમાં કરવામાં આવતી
ફરિયાદને ધ્યાનમાં લઈ તાત્કાલિક તોડી નાંખવામાં આવે છે.દાણીલીમડા વોર્ડના
કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા મહિલા કોર્પોરેટર જમનાબહેન વેગડાના સુરેશભાઈ
વેગડા પતિ હોવાથી એસ્ટેટ વિભાગે ગેરકાયદે બાંધકામ થતુ હોવા છતાં આંખ આડા કાન કરી
માત્ર નોટિસ આપવાનું નાટક કરી બાંધકામ ના તોડતા સ્થાનિક રહીશોમાં દક્ષિણ ઝોન
એસ્ટેટ વિભાગે કોર્પોરેટર સાથે મેળાપીપણું કરી બાંધકામ ના તોડતા ઉગ્ર રોષ જોવા મળી
રહ્યો છે.
બાંધકામ થઈ ગયું છતાં એસ્ટેટ વિભાગે પોલીસ ફરિયાદ પણ ના કરી
દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગે ગેરકાયદે બાંધવામાં આવેલી
દુકાનનું બાંધકામ બંધ કરવામાં નહીં આવે તો બાંધકામ કરતા અને કરાવનારાઓને પોલીસ
મદદથી ખસેડવામાં આવશે.બાંધકામ કરનાર શખ્સ તેમજ તેનો ઉપયોગ કરનારા શખ્સોને પ્રવેશ
કરતા અટકાવવા પગલા ભરાશે.આ અંગે થનારો તમામ ખર્ચ જી.પી.એમ.સી.એકટની કલમ-૨૬૭(૩)
મુજબ સુરેશભાઈ વેગડા પાસેથી વસૂલવામાં આવશે એ પ્રકારની નોટિસ આપ્યાને એક મહિના જેટલો સમય થવા આવ્યો હોવા છતાં ના તો
પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.કે નથી ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવ્યું આ છે
સ્માર્ટ સિટી અમદાવાદ મ્યુનિ.ના એસ્ટેટ વિભાગની કામગીરી.
કાળા જાદુ મામલે કોર્પોરેટરને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા છે
દાણીલીમડા વોર્ડમાંથી એક વર્ષ અગાઉ કોંગ્રેસના ઉમેદવાર
તરીકે ચૂંટાઈને કોર્પોરેટર બનેલા જમનાબહેન.સુરેશભાઈ.વેગડાએ તેમના જ વોર્ડના
કોર્પોરેટર અને મ્યુનિ.વિપક્ષનેતા તરીકે નિમણૂંક પામેલા શહેજાદખાન પઠાણ વિપક્ષનેતા
ના બને એ માટે ધોરાજીની મહિલા પાસે કાળો જાદુ કરાવ્યો હોવાનો ઘટસ્ફોટ થતા પ્રદેશ
પ્રમુખ જગદીશ ઠાકોરે પક્ષની શિસ્ત કમિટીએ આપેલા નિર્ણય બાદ આ કોર્પોરેટરને
પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે.સસ્પેન્ડ કોર્પોરેટર હોવા છતાં એસ્ટેટ વિભાગ તેમના
પતિનું ગેરકાયદે બાંધકામ તોડતુ નથી.જયારે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોના બાંધકામ
તોડવામાં આવી રહ્યા છે.
[ad_2]
Source link






