[ad_1]
મહેસાણા,
તા.2
અરબી સમુદ્રમાં સર્જાયેલી લો પ્રેસર સીસ્ટમના કારણે હવામાન
ખાતાએ કરેલી આગાહી મુજબ છેલ્લાં બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. મહેસાણા
જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં ભરશિયાળે ફુલગુલાબી ઠંડીની સાથે કારતક માસમાં અષાઢી
માહોલ સર્જાયો છે. આજે બીજા દિવસે પણ આકાશમાં ગોરંભાયેલાં વાદળોની પછીતે
સૂર્યનારાયણ ઢંકાઈ ગયા હતા. આખો દિવસ
ધાબડીયા વાતાવરણમાં લોકોએ ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો. જો કે, ઉત્તર ગુજરાતમાં
કોઈ સ્થળે વરસાદી છાંટણા થયા નથી. હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારે પણ આકાશમાં
વાદળો ઘેરાવાની સાથે સામાન્ય વરસાદ પડવાની શક્યતા રહી છે.
છેલ્લાં બે દિવસથી મહેસાણા, પાટણ,
બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન ખાતાની આગાહી સાચી ઠરી
રહી હોય તેમ સતત બીજા દિવસે પણ આકાશમાં વાદળોનું સામ્રાજ્ય છવાયેલું રહ્યું હતુ.
માવઠું થવાના ભયથી ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. વરસાદ પડવાના લીધે ખેડૂતોના
મોલાતને નુકસાન થવાની શક્યતા બળવત્તર બની છે.ખાસ કરીને માવઠું થતાં બટેટા, કપાસ, જીરૃ, વરિયાળી, ઈસબગૂલના પાકને
અને શાકભાજીના વાવેતરને નુકસાન થવાનો ભય કિસાનોને સતાવી રહ્યો છે. ગઈકાલે મોડીરાત્રિના સુસવાટા મારતો
પવન ફૂંકાયો હતો. જેની માઠી અસર જનજીવન ઉપર પડી હતી. ઢળતી સાંજથી લોકોએ પોતાના
ધંધા-રોજગારને બંધ કરી ઘર તરફ પગરવ માંડી દીધાં હતા. જાહેર માર્ગો પર હળવા-ભારે
વાહનોની દોડધામ પણ ઓછી વરતાતી હતી.મહેસાણા શહેરમાં મોડી રાત્રિ સુધી ટોળટપ્પાં
કરતાં લોકોની ભીડભાડના સ્થળો જેવાં કે,
ચાની કીટલી, ખાણીપીણી
બજાર, જાહેર
રોડ પરના બાકડાં, ઓટલાં
અને બંધ દુકાનોના પગથિયા પર નિયમિત બેસનારાં પણ ગાયબ જણાયાં હતા. તો વળી, મહેસાણા શહેરના
મોઢેરા ચોકડીથી સરકીટ હાઉસ થઈને રાધનપુર સર્કલ તરફના ઉંઝા હાઈ વે ઉપર વાહનોની
અવરજવર પણ ઓછી જણાતી હતી. લોકોએ ઘરમાં પુરાઈ રહેવાનું મુનાસીબ માન્યું હતુ.
આજે ગુરુવારે પણ વહેલી સવારથી જ વાદળોએ આકાશમાં ડેરાતંબુ
તાણી દીધાં હતા. સવારનો હુંફાળો તડકો અદ્રશ્ય થયો હતો. શહેરના રસ્તાઓ પણ
શાળા-કોલેજના વિદ્યાર્થીઓ,
રાહદારીઓ, શ્રમિકો
પોતાના શરીરને ગરમ કપડાં,
જેકેટ, સ્વેટર, શાલમાં લપેટીને
ફરતાં જોવા મળ્યાં હતા. શહેરમાં ધાબડીયા માહોલના લીધે લોકોમાં સુસ્તી જણાતી હતી.
આકાશમાં વાદળો ઘેરાયેલાં રહેવાના લીધે કમોસમી વરસાદ પડવાના ભયથી ખેડૂતો ચિંતામાં
મુકાઈ ગયા હતા. ખેતર-વાડીઓમાં બટેટા,
કપાસ, જીરૃ, વરિયાળી અને
શાકભાજીને નુકસાન થવાની સંભાવનાના લીધે ધરતીપુત્રોના જીવ પડીકે બંધાયા છે. વાદળછાયા
વાતાવરણમાં ખેડૂત દ્વારા પિયત કરવામાં આવે તો પાકમાં રોગના પ્રશ્નોમાં વધારો થઈ
શકે છે. ઉલ્લેખનીય છે કે,
આવતીકાલે શુક્રવારે પણ હવામાન ખાતાની આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવવાની અને
ક્યાંક માવઠું-કમોસમી વરસાદ પડવાની શક્યતા રહેલી છે. તેના લીધે ઠંડીનું પ્રમાણ
વધવાની સંભાવના રહી છે.
ટણ પંથકમાં ઝાકળ પડે તો પાકને નુકસાનનો ભય
પાટણ શહેર અને તાલુકામાં છેલ્લાં બે દિવસથી આકાશમાં વાદળોનું
સામ્રાજ્ય પથરાયું છે. શિયાળાની ઠંડી લોકોને અનુભવાઈ રહી છે. સૂર્યનારાયણ વાદળોની
પાછળ સંતાઈ ગયા છે. આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતુ. વાતાવરણમાં ઠંડક
રહેવાના કારણે ઝાકળ પડે તો ખેતર-વાડીમાંના શિયાળુ બાજરી, જુવાર વગેરે
પાકને નુકસાન થવાની શક્યતા રહેલી છે.
[ad_2]
Source link






