



રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે રાષ્ટ્ર સેવિકા સમિતિ, ધરમપુર દ્વારા ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિકારીઓ અને જવાનોને રક્ષા સૂત્ર બાંધી રક્ષાબંધનની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.
પોલીસ જવાનો રાત-દિવસ જોયા વગર પોતાની ફરજ પર અડીખમ રહી સમાજની સુરક્ષા અને શાંતિ માટે સતત કાર્યરત રહે છે. તહેવાર હોય કે કોઈપણ અન્ય પ્રસંગ, પોતાના પરિવારથી દૂર રહી નગર અને સમાજની રક્ષા માટે ફરજ બજાવતા આવા પોલીસ જવાનો પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાના શુભ આશયથી રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનો તથા નાની બાળકીઓ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી.
આ પ્રસંગે બહેનો અને બાળકીઓએ પોલીસ જવાનોને રક્ષા સૂત્ર બાંધી મોં મીઠું કરાવી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ધરમપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. નિખિલ ભોયા ઉપસ્થિત રહ્યા હતા અને બહેનો તથા બાળકીઓ સાથે સંવાદ કરી જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.
રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો હેતુ માત્ર રક્ષાબંધનની ઉજવણી કરવાનો જ નહીં, પરંતુ સમાજની સુરક્ષા અને જનસેવામાં સતત કાર્યરત પોલીસ જવાનો પ્રત્યે સ્નેહ, સન્માન અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવાનો હતો. સાથે જ સમાજ અને પોલીસ વચ્ચેનું આત્મીય સંકલન વધુ મજબૂત બને અને સમાજમાં સેવા તથા રાષ્ટ્રભાવનાની જાગૃતિ વધે તેવો શુભ આશય આ કાર્યક્રમ પાછળ રહેલો હતો.
રક્ષાબંધનના પવિત્ર પર્વે સમાજની રક્ષા કરનાર પોલીસ જવાનોને રક્ષા સૂત્ર બાંધી રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા અનોખી રીતે ભાઈ-બહેનના સ્નેહ અને સામાજિક જવાબદારીની ભાવનાને ઉજાગર કરવામાં આવી હતી.




