કપરાડામાં રેતી માફિયાઓ સામે ખનીજ વિભાગ મોડે મોડે જાગ્યુ

On: June 6, 2026 12:04 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
ફાઈલ તસ્વીર..


JCB અને બે ટ્રક સહિત રૂ. 50 લાખનો મુદ્દામાલ જપ્ત, કેટલાક નામો ચર્ચામાં, રાજકીય અગ્રણીઓ દ્વારા અધિકારી ને ફોન કરી રેતી માફિયા ને બચાવવા ધમપડછાડા

(આવતા એપિસોડ માં રાજકીય અગ્રણી કોણ છે એની પણ વિગતો નામ સહીત મળશે જોતા રહો )

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં દમણગંગા નદીમાંથી થતા ગેરકાયદે રેતી ખનન સામે ખનીજ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી JCB મશીન અને બે ટ્રક સહિત અંદાજે રૂ. 50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીથી વિસ્તારમાં સક્રિય રેતી માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

મળતી માહિતી મુજબ તા. 31 મે, 2026ના રોજ મદદનીશ ખનીજ અધિકારી તથા ભૂસ્તરશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ માલૂંગી અને ભાઠેરી ગામ વિસ્તારમાં વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન માલૂંગી ગામ ખાતે દમણગંગા નદીપટમાંથી ગેરકાયદે રેતી ખનન અને પરિવહન થતું હોવાનું સામે આવતા એક JCB મશીન તથા રેતી ભરેલી ટ્રક કબજે લેવામાં આવી હતી.

ત્યારબાદ ભાઠેરી ગામ વિસ્તારમાં હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન વધુ એક JCB મશીન અને રેતી ભરેલી ટ્રક જપ્ત કરવામાં આવી હતી. ઉપરાંત ગેરકાયદે રીતે રેતીનું પરિવહન કરતી અન્ય એક ટ્રકને પણ સીઝ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક તપાસ દરમિયાન સાસરેભાઈ ગોડ ડીઘી અને કીર્તનભાઈ કાટકરી ડીઘી સહિત કેટલાક લોકોના નામ ચર્ચામાં આવ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. જોકે સમગ્ર મામલે અધિકૃત તપાસ પૂર્ણ થયા બાદ જ જવાબદારી અને સંડોવણી અંગે સ્પષ્ટતા થઈ શકશે.

ખનીજ વિભાગના જણાવ્યા અનુસાર સમગ્ર મામલે ગુજરાત મિનરલ (ગેરકાયદે ખનન, પરિવહન અને સંગ્રહ નિવારણ) નિયમો-2017 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉપરાંત ગેરકાયદે ખનનનું પ્રમાણ, સંડોવાયેલા તત્વોની ભૂમિકા તેમજ સરકારને થયેલા સંભવિત આવકના નુકસાન અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ગેરકાયદે ખનનના કેસોમાં અગાઉ અનેક વખત સંડોવાયેલા તત્વો રાજકીય ભલામણો અથવા દંડની કાર્યવાહી બાદ ફરી સક્રિય બની જતા હોય છે. આ કાર્યવાહી દરમિયાન પણ કેટલાક રાજકીય આગેવાનો દ્વારા અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવાની ચર્ચા છે. જોકે આ બાબત અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

સ્થાનિક નાગરિકો અને પર્યાવરણપ્રેમીઓએ સમગ્ર પ્રકરણમાં નિષ્પક્ષ અને પારદર્શક તપાસની માંગ કરી છે. સાથે જ ગેરકાયદે રેતી ખનન સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તો જ દમણગંગા નદીના પર્યાવરણ અને કુદરતી સંપત્તિનું રક્ષણ શક્ય બનશે તેવી લાગણી વ્યક્ત કરી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!