[ad_1]
પાલનપુર તા.22
સરહદી વાવ,
થરાદ અને સુઈગામ પંથકને નર્મદાની મુખ્ય કેનાલમાંથી ડાયરેક્ટ સબમર્સીબલ મોટર દ્વારા
પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. ત્યારે કેનાલમાં અમુક સમયે નીલગાય,ભૂંડ સહિત માનવ મૃતદેહો
પણ મળી આવતા હોય છે. જેને લઈ કેનાલના પાણીને કારણે લોકોનું આરોગ્ય જોખમમાં મુકાઈ રહ્યું
છે. ત્યારે રાજ્ય સરકારની શુદ્ધ પીવાનું પાણીની માત્ર વાતો જ થઈ રહી હોય તેવું જણાઈ
રહ્યું છે.
બનાસકાંઠા જિલ્લાનાં સરહદી વાવ અને સુઈગામ પંથકને અનેક
વર્ષો પછી પણ આજે નર્મદાની મુખ્ય કેનાલમાંથી ફિલ્ટર પ્લાન્ટમાં નાખ્યા વગર સીધુ જ
પાઇપલાઇન મારફતે પાણી આપવામાં આવી રહ્યું છે. ત્યારે કેનાલમાંથી અનેક વખત ડહોળું પાણી
પણ આવે છે જેમાં કેટલીક વાર તો ઊંટ,
નીલગાય સહિત માનવ મૃતદેહો પણ કેનાલમાંથી તરતા મળી આવે છે.જેને લઈ આ પાણી
કોરોનાની ગંભીર બીમારીમાં લોકોનાં આરોગ્ય માટે ખતરારૃપ બને તો નવાઈ નહિ. ખાસ કરીને
આમ તો અધિકારીઓ દ્વારા કેનાલમાંથી પાણી લઈને ફિલ્ટર પ્લાન્ટમાં નાખીને આસપાસના
ગામોને આપવામાં આવતું હોય છે.પરંતુ સીધુ પાણી આપવામાં આવતા આજે અનેક લોકો પાણીજન્ય
રોગોથી પીડાઈ રહ્યાં છે.જેમાં ઘૂંટણમાં દુઃખાવો થવો, પગ ભરાઈ જવા,
પેટમાં પથરી સહિતના પાણીજન્ય રોગોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે જેને લઈ જવાબદાર તંત્ર
દ્વારા ફિલ્ટર પ્લાન્ટમાં પાણી નાખીને પીવાનું શુદ્ધ પાણી આપવામાં આવે તેવી
લોકોમાં માંગ ઉઠવા પામી છે.
સરહદી ૨૯૮ ગામો ફિલ્ટરનું પાણી પીવા તરસ્યા !
બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાં પીવાના પાણી માટે
તકલીફ ન પડે તે માટે સરકાર દ્વારા કેનાલનું પાણી ફિલ્ટર કરીને આપવા માટે ત્રણ ફિલ્ટર
પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે.જોકે શુદ્ધ પીવાનાં પાણીનાં સરકારનાં દાવાઓ વચ્ચે પણ
દેવપુરા પ્લાન્ટના ૧૨૯, ચુડમેર
પ્લાન્ટના ૨૭ તેમજ ભાપી પ્લાન્ટના ૧૪૨ ગામોને ફિલ્ટર વગર પાણી અપાતા લોકોના શરીરમાં કળતર સહિતના કેસોમાં વધારો થવા પામ્યા
છે.
ચૂંટણી ટાણે નેતાઓએ આપેલા વચનો પોકળ સાબિત થયા
થરાદ,વાવ અને
સુઈગામ વિસ્તારમાં વર્ષોથી નર્મદાની મુખ્ય કેનાલ મારફત પીવાનું પાણી પહોંચાડવામાં
આવે છે .જેમાં ચૂંટણીઓ આવે ત્યારે નેતાઓ શુદ્ધ પીવાનું પાણી આપવા માટે મોટી મોટી વાતો કરે છે.અને ચૂંટણી પુરી થયા બાદ
આપેલા વચનો અને વાયદાઓ માત્ર વાયદાઓ જ રહી જાય છે જેને લઈ સરહદી વિસ્તારના લોકોમાં
રોષ જોવા મળી રહ્યો છે.
ફિલ્ટર પાણીના પ્લાન્ટ મારફત શુદ્ધ પાણીની વર્ષોથી માંગણી
સરહદી વિસ્તારમાં કેનાલનું પાણી આપવામાં આવે છે ત્યારે વાવ અને
થરાદ વિધાનસભાની બેઠકમાં આવતાં શહેરોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર
દ્વારા સરહદી પંથકમાં પ્લાન્ટ કાર્યરત કરવામાં આવે તેવી લોકોમાં માંગણી ઉઠી છે.
પાણીને ગરમ કરીને કે ઉકાળીને પીવું જોઈએ,ડો.આશિષ પટેલ
આ અંગે એમ.ડી.પીડિયાટ્રીક ડો.આશિષ પટેલે જણાવ્યું હતું કે
નર્મદાની મુખ્ય કેનાલમાંથી આવતું પાણી ગરમ કરીને ઉકાળીને પીવાથી અનેક રોગો સામે
રક્ષણ મેળવી શકાય છે અને શરીરમાં આવતાં અનેક રોગમાંથી મોટા ભાગનાં રોગ પાણીજન્ય
હોવાથી તેમાંથી ઝાડા,ઉલટી
કોલેરા, ટાઈફોઈડ,
પીળિયો, જેવી
અનેક બીમારીઓ થાય છે.જેથી લોકોએ જાગૃત બનીને કેનાલ મારફત આવતું પાણીને ગરમ કરી
ઉકાળીને જ પીવું જોઈએ જેથી અનેક રોગો સામે બચી શકાય.
પાણી પુરવઠાના અધિકારીએ ફોન ઉપાડવાનું ટાળ્યું
આ અંગે થરાદ ખાતે પાણી પુરવઠાનાં ડે.એન્જીનીયર ઈશ્વરભાઈ
ચૌહાણનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતા ફોન ઉપાડવાનું ટાળ્યું હતું.
[ad_2]
Source link






