[ad_1]

નવી દિલ્હી, તા. 6. ફેબ્રુઆરી 2022 રવિવાર
સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરના નિધનથી આખા દેશમાં શોકની લહેર ફરી વળી છે.
લતા મંગેશકરની વડોદરા સાથે પણ યાદો જોડાયેલી છે.લતા મંગેશકરને એમ.એસ.યુનિવર્સિટી દ્વારા 2005માં પદવીદાન સમારોહમાં ડોકટરેટની માનદ પદવી આપવામાં આવી હતી.
તેમની સાથે સાથે તે સમયે પ્લાનિંગ કમિશનના ઉપાધ્યક્ષ મોન્ટેકસિંહ અહલુવાલિયાને પણ ડોકટરેટની માનદ પદવીથી સન્માનિત કરાયા હતા.
યુનિવર્સિટીના 52મા પદવીદાન સમારોહમાં લતાજીને આ માનદ પદવી આપવામાં આવી હતી.
તત્કાલિન રજિસ્ટ્રાર પ્રો.એ વી ગુપ્તાએ એક વાતચીતમાં કહ્યુ હતુ કે, લતાજી બે દિવસ માટે વડોદરામાં રોકાયા હતા અને તેમની સાદગી અને સરળતાએ બધાને પ્રભાવિત કરી દીધા હતા.અમે તેમને રહેવા માટે શહેરની ફાઈવ સ્ટાર હોટલમાં વ્યવસ્થા કરી હતી.

પ્રો.ગુપ્તાનુ કહેવુ છે કે, અમે તેમના માટે બે રુમ બુક કરાવ્યા હોવાનુ ખબર પડી ત્યારે લતાજી તરત બોલ્યા હતા કે, એક જ રુમ કાફી હતો..બે રુમની શું જરુર હતી…પદવીદાન સમારોહ શરુ થયો તેના અડધો કલાક પહેલા તેઓ હોટલથી યુનિવર્સિટી આવી ગયા હતા.વાઈસ ચાન્સેલરની ઓફિસમાં બેસીને તેમણે અમારી સાથે 20 મિનિટ વાત કરી હતી તથા એમ.એસ.યુનિવર્સિટી તેમજ પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટી અંગે જાણકારી મેળવી હતી.
પ્રો.ગુપ્તાના કહેવા પ્રમાણે તે સમયે લતાજીએ એક વાત કહી હતી અને તે મને આજે પણ યાદ રહી ગઈ છે.લતાજીએ કહ્યુ હતુ કે, સંગીતની દુનિયામાં તમે જેટલી મહેનત કરો તેટલી ઓછી છે.હું વર્ષો પહેલા વડોદરા એક કાર્યક્રમ આપવા માટે આવી હતી ત્યારે મેં કાર્યક્રમના ત્રણ કલાક સુધી રિયાઝ કર્યો હતો.
પ્રો.ગુપ્તાનુ કહેવુ છે કે, મેં તેમને પૂછ્યુ હતુ કે તમારે પણ ત્રણ કલાક રિયાઝ કરવો પડે છે..ત્યારે લતાજીએ કહ્યુ હતુ કે, જ્યાં સુધી હું મારુ શ્રેષ્ઠ પરફોર્મન્સ આપી શકીશ તેવો સંતોષ ના થાય ત્યાં સુધી હું રિયાઝ કરતી રહું છું.
[ad_2]
Source link






