[ad_1]
– ટોળાએ 10 જેટલા લોડિંગ ટેમ્પોના કાચ તોડીને તેને નુકસાન પહોંચાડ્યું અને ફરાર થઈ ગયા
અમદાવાદ, તા. 19 માર્ચ 2022, શનિવાર
કોરોનાનો પ્રકોપ ઓછો થતાં આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં તહેવારોને લઈ ફરી એક વખત ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. કોરોનાનો ડર ઘટતાં 2 વર્ષ બાદ લોકોએ મનભરીને હોળી-ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી.
જોકે આ બધા વચ્ચે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં બે કોમ વચ્ચે જૂથ અથડામણ અને પથ્થરમારાની ઘટના પણ સામે આવી છે. બનાવની વિગતો પ્રમાણે શહેરના ગોમતીપુર વિસ્તારમાં આમ્રપાલી થિયેટર નજીક જૈન મંદિર પાસે કેટલાક નાના બાળકો ધૂળેટી રમી રહ્યા હતા. તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા અફઝલ આબીદહુસેન પઠાણ અને તેના મિત્ર ઉપર પાણી છંટાઈ ગયું હતું. આ કારણે ઉશ્કેરાઈને તે બંનેએ બોલાચાલી કરી હતી અને ત્યાર બાદ 15-20 લોકોનું ટોળું બોલાવી લાવીને બિભત્સ શબ્દો બોલીને પથ્થરમારો કર્યો હતો.
આ મામલે ફરિયાદીની ડાબી આંખ પાસે તથા તેમના સાથે રહેલી અન્ય એક વ્યક્તિને માથાના પાછળના ભાગે પથ્થરમારાના કારણે ઈજા પહોંચી હતી. ફરિયાદી કેતનભાઈ મગનભાઈ ચૌહાણ શહેરના ગોમતીપુર વિસ્તારમાં જૈન મંદિરની બાજુમાં મુસા સુલેમાનની ચાલીમાં રહે છે. બપોરના સમયે અચાનક દોડાદોડી થતાં તેઓ જોવા માટે બહાર નીકળ્યા હતા અને તે સમયે 15-20 લોકોના ટોળાએ બિભત્સ શબ્દોનો મારો ચલાવ્યા બાદ તેમની ચાલીના લોકો પર પથ્થરમારો કરવાનું શરૂ કરી દીધું હતું. આ ઉપરાંત ત્યાં રહેલી લોડિંગ રીક્ષાઓ અને ઓટો રીક્ષાઓને પથ્થર મારીને તેના કાચ ફોડી નાખ્યા હતા અને ફરાર થઈ ગયા હતા.
આ અંગેની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો. તે સિવાય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસ અને SRPનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
[ad_2]
Source link