[ad_1]
અમદાવાદ,તા.06 ફેબ્રુઆરી 2022, રવિવાર
અમદાવાદ જિલ્લામાં દસક્રોઇ તાલુકામાં રવિવારે કોરોનામાં વધુ એક દર્દીનું મોત નિપજ્યું હતું. જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ ૨૫ કેસ નોંધાયા હતા. જિલ્લામાં સંક્રમણ ઘટયું છે. પરંતુ તેની સાથે આ ત્રીજી લહેરમાં આ ચોથું મોત થયું છે. તેથી લોકોએ વધુ સાવચેતી રાખવી જરૂરી બન્યું છે.
અમદાવાદ જિલ્લામાં કોરોના સંક્રમણની ત્રીજી લહેર સૌથી વધુ સાણંદ તાલુકામાં જોવા મળી રહી છે. શરૂઆતમાં રોજના ૧૨૦થી વધુ કેસ નોંધાતા હતા હવે સંક્રમણ ઘટીને રોજના ૨૫ કેસ આવી રહ્યા છે. જે એક રીતે રાહતની વાત છે પરંતુ તેની સાથે સાથે હવે મોતના પણ આંકડા સામે આવી રહ્યા છે. તે ચિંતાનો વિષય બની ગયું છે.
રવિવારે જિલ્લામાં ૪૫ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરમાં રવિવારે ૧,૨૬૩ કેસ નોંધાયા હતા અને તેમાં ૬ લોકોના મોત થયા હતા. જ્યારે જિલ્લામાં એક મોત સામે આવ્યું છે. જિલ્લામાં દસક્રોઇ તાલુકાના નાંદેજ પીએચસી વિસ્તારમાં એક ૭૦ વર્ષીય મહિલાનું મોત રવિવારે કોરોનામાં થયું હતું.
અધિકારીઓના જણાવ્યા મુજબ તેઓ કિડનીની બીમારીથી પીડિત હતા, ડાયાલિસીસ પર હતા અને કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમનું આજે મોત થતા આ સાથે જિલ્લા કોરોનામાં અત્યાર સુધીમાં કુલ મૃતકની સંખ્યા ૧૦૧ થઇ ગઇ છે.
રવિવારે સાણંદ તાલુકામાંથી ૧૫, દસક્રોઇમાંથી ૮ અને ધોળકામાંથી ૧ કેસ કોરોના સંક્રમણનો મળી આવ્યો હતો. જિલ્લામાં કોરોનાના એક્ટીવ કેસની સંખ્યા ૨૧૪ થઇ છે. કોરોના કાળમાં અત્યાર સુધીમાં ૯,૨૯૬ લોકોને કોરોના થયો હતો તેમાંથી સારી બાબત એ છેકે ૮,૯૮૧ લોકો સાજા થઇ ગયા છે.
સાણંદ, દસક્રોઇ તાલુકામાં આ ત્રીજી લહેરમાં સૌથી વધુ સંક્રમણ જોવા મળ્યું છે. બંને તાલુકા શહેરને અડીને આવેલા છે, આ તાલુકાના ગામોના લોકોની શહેરમાં અવર-જવર વધુ છે. સામાજિક, ધંધા-નોકરી સહિતના કારણોસર શહેરમાં રોજ અપડાઉન કરનારા લોકોની સંખ્યા વધુ હોવાથી આ બંને તાલુકામાં કોરોના સંક્રમણ વધુ ઝડપથી ફેેલાઇ રહ્યું છે. જ્યારે બાકીના ૮ તાલુકામાં સંક્રમણ કાબુમાં છે.
[ad_2]
Source link






