[ad_1]

– એલસીબી-એસ.ઓ.જી. અને સિટી એ. ડિવિઝનની ટીમે છેક પાટણ સુધી પીછો કરીને 4 શખ્સોને પકડી પાડયા
– બકરા ચોરવા આવતી વખતે ભરવાડ બુઝુર્ગે પ્રતિકાર કરતાં તેના પર લાકડી પથ્થરના ઘા મારી હત્યા કર્યાની કબૂલાત
જામનગર, તા. 24
જામનગર નજીક હાપા વિસ્તારમાં પરમ દિને સાંજે ભરવાડ બુઝુર્ગની હત્યા નીપજાવાઈ હતી, જે હત્યા કેસનો ભેદ ઉકેલવામાં જામનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, એસ.ઓ.જી. વગેરેને સફળતા સાંપડી છે, અને મૂળ મોરબી પંથકના અને હાલ હાપા નજીકના વિસ્તારમાં જ રહેતા ચાર શખ્સોનો છેક પાટણ સુધી પીછો કરીને પકડી પાડયા છે, અને તેઓ પાસેથી ચોરાઉ મોટરસાયકલ તથા એક પીક-અપ વેન પણ કબજે કર્યા છે. બકરાની ચોરી કરવા આવ્યા હતા, દરમિયાન મૃતક ભરવાડ બુઝુર્ગે પ્રતિકાર કરતાં તેનું કાસળ કાઢી નાખ્યું હોવાની કબૂલાત આપી હતી. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ ચકચાર જનક હત્યા કેસની વિગત એવી છે કે જામનગરના હાપા સામત પીરની દરગાહ નજીકના વિસ્તારમાં રહેતા અને ઘેટા બકરા ચરાવવા નું કામ કરતા ખેતાભાઇ હઠા ભાઈ ચાવડીયા નામના 70 વર્ષના બુઝુર્ગ ઉપર પરમદીને સાંજે કોઈ શખ્સોએ ધારદાર હથિયાર વડે હુમલો કરી હત્યા નિપજાવી હતી, અને ભાગી છૂટયા હતા.
જે મામલે પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યા નો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, અને ઘેટા બકરાની ચોરી નો મામલો હોવાનું અનુમાન લગાવ્યું હતું. જે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા પછી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, એસઓજીની ટીમ, તેમજ સીટી-એ ડિવિઝનની ટીમે સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડી એક પણ પ્રકારની કડી મળે નહીં તેવા પેચીદા કેસની તપાસ શરૂ કરી હતી, અને હાપા નજીકના વિસ્તારમાં જ રહેતા અને છરી-ચપ્પુ ઘસવાનું કામ કરતા ચોક્કસ ગેંગના સભ્યો કે જેઓ એકાએક ગાયબ થયા હોવાથી તેઓનો પીછો કરવાનું શરૂ કર્યું હતું, અને આધુનિક ટેકનોલોજી વગેરે ના સહારે તપાસનો દોર છેક પાટણ સુધી લંબાવ્યો હતો.
જયાં સમી ગામ માં સ્થાનિક પોલીસની મદદથી એક પીકઅપ વાનમાં જઈ રહેલા ચાર શખ્સોને ઝડપી લીધા હતા, જામનગરની પોલીસ ટુકડીએ ત્યાં પહોંચી જઈ ચારેયના નામ પુછતાં તેઓએ પોતાના નામ બુધો ઘેલાભાઈ પરમાર (સરાણિયા) મૂળ મોરબીના વતની અને હાલ હાપા વિસ્તારમાં રહેવા આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
આ ઉપરાંત તેની સાથે વિજય રઘાભાઈ સિંધવ, અર્જુન ગેલાભાઈ પરમાર અને કિશન શીવાભાઈ પરમાર નામના સરાણીયા જ્ઞાતિના ચાર શખ્સો ને પોલીસે અટકાયતમાં લઇ લીધા હતા. જેઓ પાસેથી રૂપિયા ત્રણ લાખની કિંમતની પિકઅપ વેન અને હત્યા સમયે ઉપયોગમાં લીધેલું મોટરસાયકલ તેમજ ૪ મોબાઈલ ફોન વગેરે કબજે કરી લીધા હતા. જે પૈકીનું મોટરસાયકલ પણ તેઓએ ચોરી કરેલું હોવાનું કબૂલ્યું હતું.
જે ચારેય શખ્સોને જામનગર લઈ આવ્યા પછી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધા છે, અને ચારેયને રિમાન્ડ પર લેવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. પોલીસની પૂછપરછ દરમિયાન તેઓ ઘેટા બકરાની ચોરી કરવા માટે આવ્યા હતા, જે સમયે ભરવાડ બુઝુર્ગે જોઈ લેતાં પ્રતિકાર કર્યો હોવાથી તેના ઉપર લાકડી અને પથ્થર વડે હુમલો કરીને ઢીમ ઢાળી દીધું હોવાનું કબુલ કર્યું હતું. સમગ્ર મામલે સીટી-એ ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.
[ad_2]
Source link






