[ad_1]

સિનિયર સિટીઝન, હેલ્થ વર્કસ અને ફ્રન્ટલાઈન વર્કરોને 10મી જાન્યુઆરીથી પ્રોત્સાહક ડોઝ અપાય તેટલો જથ્થો ઉપલબ્ધ છે : મનોજ અગ્રવાલ
ગાંધીનગર : ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોનના વધતા જતા ખતરા સામે રાજ્ય સરકાર ત્રીજી જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના અંદાજે 30 લાખ બાળકોને કોરોના સામેની વેક્સિન આપવાની શરૂઆત કરશે. આ સાથે સિનિયર સિટીઝન, હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઇનર વર્કરોને 10મી જાન્યુઆરીથી બુસ્ટર (પ્રોત્સાહક) ડોઝ આપવામાં આવશે. આ વેક્સિનેશન માટે રાજ્ય પાસે પુરતા પ્રમાણમાં વેક્સિન ઉપલબ્ધ છે.
આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું છે કે, દેશમાં ઓમિક્રોન વેરિએન્ટની સ્થિતિ જાણવા અને 15 થી 18 વર્ષના બાળકોને વેકિસન આપવા ઉપરાંત વયસ્કો, હેલ્થકેર વર્કસ અને ફ્રન્ટલાઈન વર્કસને પ્રોત્સાહક ડોઝ આપવા અંગે કેન્દ્રીય આરોગ્ય સચિવ દ્વારા આજે વિવિધ રાજ્યોના આરોગ્ય સચિવ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલી સમીક્ષા બેઠકમાં રાજ્યો દ્વારા કરાયેલી વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
તેમણે કહ્યું હતું કે રાજ્યમાં ત્રીજી જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકો-વિદ્યાર્થીઓને કોરોના સામે રક્ષિત કરવા વેક્સિનેશન કામગીરી હાથ ધરાશે, જેમાં જિલ્લાકક્ષાએ આરોગ્ય અધિકારીઓને આયોજન કરવા સૂચના આપી દેવામાં આવી છે. આ માટે રાજ્યભરની શાળાઓમાં રૂટિનમાં જે વેક્સિનેશન કામગીરી ચાલી રહી છે. તેની સાથે સાથે આ વેક્સિનેશન અભિયાન હાથ ધરાશે.
એ ઉપરાંત હર ઘર દસ્તક અભિયાન હેઠળ શાળાએ ન જતા 15 થી 18 વર્ષના બાળકોને પણ વેક્સિન અપાશે. રાજ્યભરમાં 30 લાખથી વધુ બાળકોનો ડેટા આરોગ્ય વિભાગ પાસે ઉપલબ્ધ છે તે તમામને વેક્સિનેશનમાં આવરી લેવાશે. હાલ બાળકોને કોવેક્સિન આપવામાં આવશે. આ માટે પૂરતા પ્રમાણમાં રસીનો જથ્થો રાજ્ય સરકાર પાસે ઉપલબ્ધ છે.
રાજ્યના હેલ્થ વર્કર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સ અને સિનીયર સિટીઝનોને પણ પ્રોત્સાહક ડોઝ આપવાનો પણ કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. આ માટે પણ સંપૂર્ણ તૈયારી સાથે આયોજન કરી દેવામાં આવ્યુ છે. જે લોકોએ બંને ડોઝ લીધા હોય અને 39 અઠવાડિયાનો સમય થયો હશે તેવા નાગરિકોને પ્રોત્સાહક ડોઝ આપવામાં આવશે.
હાલ રાજ્યમાં 6.24 લાખ હેલ્થ કેર વર્કર્સ અને 3.19 લાખ ફ્રન્ટ લાઇન વર્કર્સ મળી કુલ 6.40 લાખ લોકો રસી માટે પાત્ર છે. આ તમામને 10મી જાન્યુઆરીથી આ ડોઝ આપવાની કામગીરી હાથ ધરાશે અને જેમ જેમ લોકો પાત્ર થતા જશે તેમ તેમ તે તમામને આ પ્રોત્સાહક ડોઝ આપવાની કામગીરી હાથ ધરવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી દેવાઇ છે.
આ ઉપરાંત 60 વર્ષથી ઉપરના વયસ્ક-સીનીયર સિટિઝનને પણ પ્રોત્સાહક ડોઝ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે તે સંદર્ભે રાજ્યમાં 37000 લોકો પાત્રતા ધરાવે છે. તે તમામને પ્રોત્સાહક ડોઝ અપાશે. જેમ જેમ વયસ્કો પાત્રતા ધરાવતા થશે તેમ તેમ તમામને આ પ્રોત્સાહક ડોઝ આપવામાં આવશે. રાજ્યમાં હાલ 45 લાખ જેટલા વેક્સિનના ડોઝ ઉપલબ્ધ છે.
[ad_2]
Source link






