નૂતન વર્ષાભિનંદન : નવા વર્ષના ઉમળકાભેર વધામણાં

0
429

[ad_1]


– દીપ જ્યોતિ નમોઃ સ્તુતે…: વિક્રમ સંવત 2078નો આજથી પ્રારંભ 

– કોરોનાની મહામારીમાંથી મુકત કરવા ઇશ્વરને પ્રાર્થના કરાઇ  

– દેવ મંદિરોમાં દર્શન માટે વહેલી સવારથી લોકોની લાઇનો લાગશે

– જિલ્લામાં દિવાળીનું પ્રકાશપર્વ ઉત્સાહભેર ઉજવાયું : વેપારીઓ દ્વારા પેઢીઓમાં અને ઘરે ઘરે  શુભમુહૂર્તમાં ચોપડા પૂજન કરાયું 

આણંદ, નડિયાદ, વલ્લભવિદ્યાનગર : વિક્રમ સંવત ૨૦૭૭ ના છેલ્લાં દિવસે પરંપરાગત દિવાળી પર્વની ઉજવણી ખેડા અને આણંદ જિલ્લામાં શ્રધ્ધા-ઉમંગભેર હાથ ધરાઈ હતી. 

મા શારદા-સરસ્વતીના પૂજન સાથે પેઢીઓ અને ઘરોમાં શુભ મુહર્તે ચોપડા પૂજન હાથ ધરાયા બાદ આજે નૂતન વર્ષે જિલ્લાના મંદિરો ભક્તોથી ઉભરાશે અને પોતાના ઈષ્ટદેવના પૂજન-અર્ચન બાદ જિલ્લાવાસીઓ એકબીજાને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવશે. વેપારીઓ દ્વારા પેઢીઓ ઉપર અને ઘરે ઘરે ચોપડા પુજન શુભ મુહૂર્તમાં થયા હતા. 

કારતક સુદ એકમનો પ્રથમ દિવસ નૂતન વર્ષના પ્રારંભ તરીકે શુભેચ્છાઓની સરવણીઓ વચ્ચે શ્રધ્ધા-ઉમંગભેર ઉજવાશે. 

બેસતા વર્ષના આજના મહિમાવંતા પર્વે જિલ્લાવાસીઓ એકબીજાને જયશ્રી કૃષ્ણ તેમજ નૂતન વર્ષાભિનંદન કરી શુભેચ્છાઓ પાઠવશે. 

આજે ખેડા-આણંદ જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિર, નડિયાદ સંતરામ મદિર, સહિતના મંદિરોએ ભક્તો મોટીસંખ્યામાં દર્શનાર્થે ઉમટશે. દિવાળી પર્વે નડિયાદ, માતર, આણંદ, બોરસદ, આંકલાવ, વલ્લભવિદ્યાનગર, લીંબાસી, પેટલાદ, મહુધા, ઠાસરા, ખેડા, ડાકોર, તારાપુર, બાલાસિનોર સહિત જિલ્લામાં શુભમુહર્તમાં ચોપડા પૂજન બાદ દિપોની હારમાળાઓ વચ્ચે ફટાકડાઓની આતશબાજી યોજાઈ હતી.

દિપાવલીના દિવસે પણ મંદિરોમાં ભક્તો મોટીસંખ્યામાં ઉમટી પડયા હતા.વાઘ બારસથી શરૂ થયેલા દિવાળી પર્વની  ઉજવણીમાં આજે નૂતન વર્ષની ઉજવણી અને આવતી કાલે ભાઈબીજની ઉજવણી સાથે જ આ પર્વોની પરંપરાગત ઉજવણી સંપન્ન થશે.

 ગત વર્ષે કોરોનાને લઈ ઉજવણીઓમાં આનંદ-ઉમંગ વિસરાયો હતો. પરંતુ હવે સ્થિતિ થાળે પડી હોઈ બે વર્ષ બાદ દિવાળી પર્વને લઈ બજારોમાં છેલ્લી ઘડીની ઘરાકીને લઈ મોટી સંખ્યામાં ગ્રાહકો  ઉમટયા હતા.

જિલ્લાના વિવિધ મંદિરોમાં આજે ગોવર્ધન પૂજા અને અન્નકૂટોત્સવ ઉજવાશે 

આજે વિક્રમ સંવત ૨૦૭૮ ના નૂતન વર્ષના પ્રારંભે જ પ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિર સહિતના દેવસ્થાનો તેમજ પંથકના સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાનની પૂજા-અર્ચના સાથે ગોવર્ધન પૂજા અને અન્ન કૂટોત્સવ શ્રધ્ધા-ઉમંગભેર યોજાશે.અને આ દર્શનનો લાભ લેવા ખૂબ મોટીસંખ્યામાં ભક્તોની ભીડ મંદિરોમાં જામશે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here