[ad_1]
– રેઢીયાળ તંત્રના પાપે રાહદારીઓ અને વાહનચાલકો પરેશાન
– કુંભકર્ણ નીંદ્રામાંથી સત્તાધીશો વહેલી તકે જાગીને આ શિરદર્દ સમાન સમસ્યાનું નિવારણ લાવે તેવી લોકમાંગ
એક તરફ દિવાળી જેવા મોટા તહેવાર આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે મહુવા શહેરમાં આવેલ હોસ્પિટલ રોડ, ગાંધીબાગ, કુબેરબાગ, વાસીતળાવ રોડ, ગાધકડા બજાર, જનતા પ્લોટ અને શાકમાર્કેટ સહિતના વિસ્તારો રાહદારીઓ અને વાહનચાલકોથી તેમજ તેઓના વાહનોથી ભરચક જોવા મળે છે પરંતુ તેમાં એક નવો ઉમેરો જોવા મળ્યો છે. જાણે કે,અત્રેના રખડતા માલઢોર પણ દિવાળીની ખરીદીએ નીકળ્યા હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, મહુવાના ઉપરોકત તમામ જાહેર માર્ગો પર રખડતા માલઢોરનો ત્રાસ દિન-પ્રતિદિન વધવા લાગ્યો છે. તેમ છતાં રેઢિયાળ તંત્રવાહકોને આ રખડતા માલ ઢોર નહિ દેખાતા હોય ? કે પછી આવી કામગીરી કરવામાં તેઓને રસ નથી એમ ચોક્કસપણે કહી શકાય તેમ છે. આ રખડતાં ઢોરના કારણે અનેક વખત નાના-મોટા અકસ્માતો અને આખલાઓની લડાઈમાં વાહનોની તોડફોડ દુકાનદારોને નુકસાન થતું જોવા મળ્યું છે. તેમ છતાં પણ અંધ અને બધિર મહુવા પાલિકા દ્વારા વર્ષમાં સમ ખાવા પૂરતા એક વાર પણ આ માલ ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવતી નથી. હાલ એકબાજુતહેવારોની શરૂઆત થઇ ચૂકી હોય મોટી સંખ્યામાં લોકો બજારમાં ખરીદીએ નીકળી રહ્યા છે અને બીજી બાજુ ટ્રાફિક સમસ્યાએ માજા મુકી છે તેવા સમયે આ રખડતા માલઢોરથી વધુ ટ્રાફિકજામ થાય છે પરંતુ મહુવાની પ્રજા કહે તો કોને કહે કારણ કે, મહુવા નગર પાલિકાના સત્તાધીશો કુંભકર્ણ નીંદ્રામાં છે તેવું ચોક્કસપણે કહી શકાય તેમ છે. અત્રેના જાહેર માર્ગો પર છાસવારે રખડતાં માલઢોરની લડાઈ થતી હોય છે જેમાં વાહનચાલકો અને રાહદારીઓ અડફેટે આવી જાય છે જેથી અનેક વખત નાના-મોટા અકસ્માતો થતા હોય છે પરંતુ મહુવાનું વહિવટીતંત્ર આ બાબતે વાકેફ હોવા છતા અજાણ હોય તેવું વર્તન કરે છે વર્ષમાં એક વાર પણ આ માલ ઢોરને પકડવાની કામગીરી હાથ ધરાઈ ન હોય નગરજનોમાં પાલિકા તંત્ર સામે આક્રોશ ભભૂકી ઉઠયો છે.
[ad_2]
Source link