[ad_1]
– પોલીસ દ્વારા ઊંડાણ પૂર્વકની તપાસનાં અંતે બે શખ્સો સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધાવાયો: આરોપીઓની શોધખોળ
જામનગર,તા.2 નવેમ્બર 2021,મંગળવાર
લાલપુર તાલુકાના નાંદુરી ગામે રહેતા અને નિવૃત જીવન જીવતા એક વયોવૃદ્ધ ખેડૂતની જમીન પર કબજો કરી લઈ ધાકધમકીઓ આપનાર બે શખ્સો સામે પોલીસે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે, અને બન્ને આરોપી ભાઈઓની શોધખોળ હાથ ધરી છે.
જામનગર જિલ્લામાં લાંબા સમય બાદ વધુ એક વખત લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. લાલપુર તાલુકાના નાંદુરી ગામમાં રહેતા 84 વર્ષના વયોવૃદ્ધ ખેડૂત કેશુરભાઇ કરશનભાઇ ગોજીયા કે જેઓ હાલ નિવૃત છે, તેમની માલીકીની ખેતીવાડીની જમીન લાલપુર તાલુકાના નાંદુરી ગામે ખેતીવાડીની જમીન જેના ખાતાનં 370 તથા જેના સર્વે નં 332 જુના સર્વે નં 413 પૈકી-2 હેકટર 1-38-63 વાળી જમીન આરોપીઓ પ્રકાશ કાનાભાઈ કરંગીયા અને પરીક્ષિત કાનાભાઈ કરંગીયાએ જુન 2011 થી ગેરકાયદેસર કબ્જો કરી તેમાં પાણી માટેનો બોર કરી તથા તેમા મકાન બનાવી જમીન પચાવી પાડી હતી, અને હાલ કબ્જો ચાલુ રાખેલો છે. ત્યારે ફરીયાદી અવાર નવાર ઉપરોકત સર્વે નંબરની જમીન ખેડવા જતા હોય ત્યારે આ આરોપીઓએ જમીન ખેડવા દિધેલી નહી, અને જમીનમા પગ મુક્યો તો જીવતા નહી રહો, તેમ અવાર નવાર ફરીયાદીને ધમકીઓ આપતા હતા, અને જમીન ખાલી કરતા ન હતા.
દરમિયાન ગઇ તા 5.7.2021ના રોજ ફરીયાદી તથા તેના પુત્ર વજશીભાઇ જમીન ખેડવા જતાં આરોપીઓએ ધારીયા લઇ ફરી તથા સાહેદની પાછળ આવી ફરીયાદીને કહેલ કે આ જમીન અમારી છે. તમે અહીથી ચાલ્યા જાવ નહિતર આ ધારીયા તમારા સગા નહી થાય, અહીજ તમને પતાવી દેશું. તેમ કહી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી અને જમીન પર ગેરકાયદેસર કબ્જો ચાલુ રાખ્યું છે.
જેથી ફરીયાદીએ જીલ્લા કલેકટર જામનગરને સંબોધીને જમીન ખાલી કરાવવા બાબત અરજી કરતાં લેન્ડ ગ્રેબીંગ સમીતી જામનગરનાઓએ અરજીની તપાસ ચલાવી, પુરાવા એકત્રીત કરી તેનો રિપોર્ટ કરાયો હતો. જેથી જીલ્લા કલેકટર દ્વારા પોલીસ અધિક્ષકએ ફરીયાદ દાખલ કરાવવા નીયમોનુસાર કાર્યવાહી કરવા હુકમ કર્યો હતો.
જેના આધારે લાલપુર પોલીસ મથકમાં ફરિયાદી કેશુરભાઇ ગોજીયાની ફરિયાદના આધારે આરોપી પ્રકાશ કાનાભાઈ કરંગીયા અને પરીક્ષિત કાનાભાઈ કરંગીયા નામના બે ભાઈઓ સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ની જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે, અને જામનગર ગ્રામ્ય વિસ્તારના ડીવાયએસપી દ્વારા સમગ્ર પ્રકરણની તપાસ ચલાવવામાં આવી રહી છે. જામનગર જીલ્લામાં લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ વધુ એક ફરિયાદને લઈને ચકચાર જાગી છે.
[ad_2]
Source link