[ad_1]
– કાપડના ગોડાઉનમાં શુક્રવારે રાત્રે લાગેલી આગની કાબૂમાં લીધા બાદ આજે સવારે ફરી લાગી આગ
સુરત,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર
સામી દિવાળીએ સલાબતપુરા વિસ્તારમાં આવેલી કુબેરજી માર્કેટમાં કાપડના ગોડાઉનમાં શુક્રવારે રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. જોકે છ કલાકે ફાયર જવાનોએ ભારે જહેમત ઉઠાવી આગ કાબુમાં લીધા બાદ આજે સવારે ફરી ત્યાં જ આગ લાગતા નાસભાગ થઈ જવા પામી હતી.
દીવાળી ગણતરીના દિવસો બાકી હોવાથી વિવિધ માર્કેટમાં ખરીદવા માટે વ્યક્તિઓને ઘરાકી આખો દિવસ રહે છે. તેવા સમયે સલાબતપુરા વિસ્તારમાં આવેલા કુબેરજી માર્કેટમાં મોટાભાગની દુકાનો બંધ થઈ રહી હતી ત્યારે ત્યાં પહેલા માળે બંધ કાપડનું ગોડાઉનના માળિયામાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગ ફેલાતા ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા હતા. જેના લીધે માર્કેટમાં ભારે અફડાતફડી સર્જાઇ અને ભાગદોડ થઈ જવા પામી હતી.
આ અંગે ફાયરબ્રિગેડને જાણ થતા માન દરવાજા, ઘાંચી શેરી, નવસારી બજાર, ડુંભાલ અને મજુરાગેટ ફાયર સ્ટેશન મળી પાંચ ફાયર સ્ટેશનમાંથી દસથી બાર ફાયર ગાડી સાથે ફાયરનો કાફલો રવાના કરવામાં આવ્યા હતા. જોકે ચીફ ફાયર ઓફિસર બસંતભાઈ પરીકના માર્ગદર્શન હેઠળ ફાયર ફાઈટીંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યાં ધુમાડાના ગોટેગોટા નીકળતા હોવાથી 10થી12 ફાયર જવાનો ઓક્સિજન સિલિન્ડર સાથે આગ બુઝાવવા ગોડાઉનમાં જઈ અને પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો. જોકે ફાયર જવાનોએ ભારે જહેમત બાદ ચાર કલાકે આગ કાબુમાં આવી હતી. પરંતુ છ કલાકે આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો.
દરમિયાન ફાયર અધિકારીઓએ ગોડાઉન માટે માલસામાન ખસેડવા માટે કહ્યું હતું બાદમાં આજે સવારે ફરી તે ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી જેના લીધે ધુમાડો નીકળવા માંડ્યું હતું જેથી માન દરવાજા ફાયર સ્ટેશનના અધિકારી અને ફાયર જવાનો ઘટનાસ્થળે જઇ પાણીનો છંટકાવ કરી થોડા સમયમાં આગ પર કાબૂ મેળવ્યો હતો અને ત્યાંથી તાત્કાલિક માલસામાન ખાલી કરવા સૂચના આપી હતી. જેથી ત્યાં કેટલીક દુકાનો માલ સામાન ખાલી થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવી હોવાનું ફાયર સૂત્રોએ જણાવ્યું હતું.
[ad_2]
Source link