[ad_1]
– અનુસુચિત જ્ઞાતિના વિદ્યાર્થીને મારકૂટ કરી સમાજના હલકા પાડવા માટે હડધુત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાતાં ચકચાર
જામનગર,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં આવેલી એક શાળામાં અભ્યાસ કરતા છઠ્ઠા ધોરણના એક વિદ્યાર્થીને તેની સાથે જ અભ્યાસ કરતા અન્ય એક વિદ્યાર્થીએ મારકૂટ કરી અનુસુચિત જ્ઞાતિના હોવાથી સમાજમાં હલકા પાડવા માટે હડધૂત કર્યાની ફરિયાદ જામજોધપુર પોલીસ મથકમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. એસ.ટી એસ.સી. સેલ ના ડીવાયએસપી દ્વારા સમગ્ર મામલાની તપાસ ચલાવવામાં આવી રહી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં રહેતા એસ.ટી. કંડકટરના 11 વર્ષના પુત્ર કે જે તરસાઈ ગામમાં આવેલી સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે, જે શાળામાં રિસેસ દરમિયાન અન્ય વિદ્યાર્થીઓ સાથે પોતે રમતો હતો, તે દરમિયાન તે જ શાળામાં અભ્યાસ કરતો અન્ય એક વિદ્યાર્થી ત્યાં આવી પહોંચ્યો હતો, અને એકાએક હુમલો કરી દઈ મારકૂટ કરી હતી. તેમજ અનુસુચિત જ્ઞાતિના હોવાના કારણે સમાજમાં હલકા પાડવા માટે હડધૂત કર્યો હતો.
દરમિયાન શાળાના શિક્ષક આવી જતાં તેને છોડાવી લીધો હતો, અને અનુસુચિત જ્ઞાતિનો વિદ્યાર્થી પોતાના ઘેર પહોંચ્યા પછી માતા પિતાની મદદથી પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર મેળવી હતી. જે સમગ્ર મામલો જામજોધપુર પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતા દ્વારા જામજોધપુરના પોલીસ મથકમાં પોતાના પુત્રને માર મારી હડધૂત કરવા અંગે તેની સાથે જ અભ્યાસ કરતા અન્ય એક વિદ્યાર્થી (કાયદાથી સંઘર્ષિત કિશોર) સામે ફરિયાદ નોંધાવતાં જામનગર ગ્રામ્યના એસ.ટી. એસ.સી. સેલના ડી.વાય.એસ.પી. દ્વારા એસ્ટ્રોસીટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, અને કાયદાથી સંઘર્ષિત કિશોરની પૂછપરછ હાથ ધરી છે.
[ad_2]
Source link