[ad_1]
અમદાવાદ,તા.27 ફેબ્રુઆરી 2022, રવિવાર
આવતીકાલે મંગળવારે શિવરાત્રિ નિમિતે પૂર્વ અમદાવાદમાં શોભાયાત્રા , મેળા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. સિંગરવા ગામે શિવરાત્રિનો મેળો યોજાશે. પૂર્વમાં આવેલા વિવિધ શિવમંદિરોમાં અત્યારથી જ શિવરાત્રિને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વિશેષ પૂજા, હોમ-હવન, ભાંગની પ્રસાદી, જમણવાર, દર્શનની વ્યવસ્થા, શિવમંદીરોમાં રંગરોગાન, શણગાર, સજાવટ સહિતની તૈયારીઓ લગભગ પુરી થઇ જવા પામી છે.
પૂર્વમાં ચકુડિયા મહાદેવ, સરદારનગરમાં રણમુક્તેશ્વર મહાદેવ, ઓઢવમાં પશુપતિનાથ મંદિર, વસ્ત્રાલમાં મેટ્રો બ્રિજના છેડે આવેલા સ્વંયભુ શિવમંદિર, સિંગરવા ગામના જુના શિવમંદિર, સાબરમતી નદીના કિનારે પટમાં આવેલા વિવિધ શિવમંદિરો, હાથીજણ , રામોલ, ઓઢવ સહિતા વિવિધ શિવમંદિરોમાં શિવઆરાધનાની સાથે શિવરાત્રિને લઇને વિવિધ તૈયારીઓ ચાલી રહી છે.
શિવરાત્રિ નિમિતે પૂર્વ અમદાવાદીઓ આજુબાજુમાં આવેલા શિવમંદિરોમાં જતા હોય છે. ઉંટડિયા મહાદેવ, મહિસાગર નદીના કિનારે આવેલ પ્રાચીન શિવમંદિરમાં જતા હોય છે. અમદાવાદમાંથી મોટેભાગે લોકો ઉજ્જૈન પણ દર્શન કરવા જશે.
શિવમાં વિવેક તથા વૈરાગ્ય બંને સમાયેલું છે. શિવ સર્જક તથા સંહારક છે તેથી શિવજીના નામનું સ્મરણ નિરંતર કરવામાં આવે તો દુર્ગુણોનો નાશ થાય છે અને વિવેક અને સંસ્કાર પ્રાપ્ત થાય છે તેથી જ શિવ એટલે કલ્યાણ તેમનું ધ્યાન-અર્ચન કરવાથી કલ્યાણ થાય છે.
મહાશિવરાત્રિ એ ભગવાન શિવજીની ઉપાસનાનું મહા પર્વ ગણાય છે. રાત્રિના ચાર પહોરમાં જપ અથવા ધ્યાન કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે.શિવજીના શિવલિંગ પર દૂધ-પંચામૃત ચઢાવવાથી મનોકામના પૂર્ણ થાય છે.
દૂધમાં કાળા તલ નાંખી ચઢાવવાથી તમામ સંકટો દૂર થાય છે.શિવજી મોક્ષદાતા હોવાથી બિલી પત્ર ચઢાવવાથી મોક્ષગતી પ્રાપ્ત થાય છે. શિવરાત્રિના પવિત્ર દિવસે ગાયના ઘી તથા કાળા તલનો હોમ કરવાથી તમામ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે. વેદાનો મંત્રો કદાચ બોલી ન શકાય તો પંચાક્ષર મંત્ર ‘ ઓમ નમઃ શિવાય’ આ મંત્ર પણ તેટલું જ ફળ આપે છે.રૂદ્રાભિષેક તથા રૂદ્રાક્ષની માળા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમુદ્ધી પ્રાપ્ત થાય છે.
[ad_2]
Source link






