
ગુજરાત સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ₹૪,૦૮,૦૫૩ કરોડનું વિક્રમી અંદાજપત્ર રજૂ કર્યું છે, જે ગત વર્ષની સરખામણીમાં ₹૩૭,૮૦૩ કરોડ એટલે કે ૧૦.૨ ટકા વધુ છે. ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ એટલે કે ‘GYAN’ને સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે રજૂ થયેલા આ બજેટમાં મૂડી ખર્ચ જોગવાઇઓમાં ૧૭.૫ ટકા એટલે કે ₹૨૩,૪૬૯ કરોડનો નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.
રાજ્યનો રાજવિત્તીય ચહેરો ઉજ્જવળ રહ્યો છે. ₹૨૫,૫૮૭ કરોડની મહેસૂલી પુરાંત સાથે ગુજરાત એક દાયકા કરતાં વધુ સમયથી આ સિદ્ધિ જાળવી રાખવાનો ગૌરવભર્યો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. રાજવિત્તીય ખાધ GSDPના ૧.૯૭ ટકા પર નિયંત્રિત રહી છે, જ્યારે જાહેર દેવું GSDPના ૨૭.૧ ટકાના લક્ષ્યાંક સામે માત્ર ૧૪.૭ ટકા પર છે.
**પ્રવાસ વર્ષ અને સોમનાથ સ્વાભિમાન**
વર્ષ ૨૦૨૬ને ‘ગુજરાત પ્રવાસન વર્ષ’ જાહેર કરવામાં આવ્યું છે. ₹૬,૭૩૭ કરોડની ફાળવણી સાથે પ્રવાસન ક્ષેત્રને જબ્બર વેગ આપવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૬માં પ્રથમ આક્રમણના ૧,૦૦૦ વર્ષ પૂર્ણ કરી રહેલા સોમનાથ ધામના સન્માનમાં “સોમનાથ સ્વાભિમાન પર્વ”ની ઉજવણી કરવામાં આવશે. ‘એક રાજ્ય: એક વૈશ્વિક પ્રવાસન સ્થળ’ પહેલ હેઠળ સોમનાથને વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. ગુજરાતને પ્રીમિયર વેડિંગ ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરવા “વેડ ઇન ગુજરાત” કેમ્પેઇન પણ શરૂ કરાશે.
**ખેડૂતો માટે ₹૨૪,૦૨૨ કરોડ**
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે ₹૨૪,૦૨૨ કરોડની વિશાળ જોગવાઇ કરવામાં આવી છે. રાજ્યમાં આવેલ પૂર અને કમોસમી વરસાદને કારણે નુકસાન ઉઠાવેલ ૩૩ લાખથી વધુ ખેડૂતો માટે ₹૧૧,૦૦૦ કરોડથી વધુનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ખેડૂતોને વીજ સહાય માટે ₹૯,૩૨૪ કરોડ, કૃષિ યાંત્રિકીકરણ માટે ₹૧,૫૬૫ કરોડ, સૂક્ષ્મ સિંચાઇ માટે ₹૧,૨૫૦ કરોડ અને પ્રાકૃતિક ખેતી માટે ₹૩૯૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સહકારી ક્ષેત્રમાં સમયસર ચૂકવણી કરનાર ખેડૂત ક્રેડિટ કાર્ડ લાભાર્થીઓને ₹૩ લાખ સુધી ઝીરો ટકા વ્યાજે પાક ધિરાણ આપવા ₹૧,૫૩૯ કરોડ ફાળવવામાં આવ્યા છે.
**આરોગ્ય, શિક્ષણ અને કૌશલ્ય**
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે ₹૨૫,૪૦૩ કરોડ ફાળવવામાં આવ્યા છે. PM-JAY હેઠળ ૨.૭ કરોડ લોકો નોંધાયેલ છે, જ્યારે ૬૮ લાખ લાભાર્થીઓ કેશલેસ સારવાર મેળવી ચૂક્યા છે, જેને વધુ મજબૂત બનાવવા ₹૩,૪૭૨ કરોડ ફાળવ્યા છે. સુરત અને અમદાવાદ ખાતે મલ્ટી-સ્પેશ્યાલિટી હૉસ્પિટલ બનાવવા ₹૫૦૦ કરોડ, જ્યારે ૨,૦૦૦ નવી આંગણવાડી બાંધવા ₹૩૬૦ કરોડ ફાળવ્યા છે.
શિક્ષણ વિભાગ માટે ₹૬૩,૧૮૪ કરોડ ફાળવ્યા છે. ૯૬ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે ₹૫,૯૬૭ કરોડ, ‘નમો લક્ષ્મી યોજના’ માટે ₹૧,૨૫૦ કરોડ, ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ માટે ₹૨૫૦ કરોડ અને ૯૨૬ નવી PM શ્રી શાળાઓ માટે ₹૧૧૪ કરોડ ફાળવ્યા છે. ગાંધીનગર ખાતે ‘નમો સેન્ટ્રલ લાઈબ્રેરી’ માટે ₹૧૦૦ કરોડ આપવામાં આવ્યા છે.
**ઉદ્યોગ, ટેક્નોલૉજી અને ડિજિટલ ગવર્નન્સ**
ઉદ્યોગ વિભાગ માટે ₹૧૩,૯૪૨ કરોડ ફાળવ્યા છે. ટેક્સ્ટાઇલ ઉદ્યોગ માટે ₹૨,૭૫૫ કરોડ, MSME ને ₹૧,૭૭૫ કરોડ, સ્ટાર્ટ-અપ i-Hub કેન્દ્ર માટે ₹૮૦ કરોડ ફાળવ્યા છે. રાજ્યની નિકાસ ક્ષમતા વધારવા ગુજરાત સ્ટેટ એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GEPC)ની સ્થાપના કરવાનું આયોજન છે. AI અને ડિજિટલ ગવર્નન્સ માટે ₹૮૫૦ કરોડ, “ગુજરાત યુનિફાઈડ ડિજિટલ સ્ટેક” લૉન્ચ, DIAL-112 Jan Rakshak Project હેઠળ ૩,૦૦૦ નવી જગ્યાઓ ઊભી કરવા, Data Fusion Centre અને Centre of Excellence (CoE)ની સ્થાપના – આ તમામ જોગવાઇ ડિજિટલ ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા માટે કરવામાં આવી છે.
**શહેરી અને ગ્રામ વિકાસ**
શહેરી વિકાસ વિભાગ માટે ₹૩૩,૫૦૪ કરોડ ફાળવ્યા છે. ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ માટે ₹૧૬,૧૧૬ કરોડ, ગુજરાત મેટ્રો રેલ (અમદાવાદ-સુરત વિસ્તરણ) માટે ₹૨,૨૧૭ કરોડ ફાળવ્યા છે. અમદાવાદ-સુરત RRTS, ગ્રીન ઇલેક્ટ્રિક કોરિડોર, સ્માર્ટ પાર્કિંગ અને “ગુજરાત વાયર-ફ્રી સિટી મિશન” માટે ₹૫૦૦ કરોડ ફાળવ્યા છે. ગ્રામ વિકાસ માટે ‘VB G RAM G’ પહેલ અંતર્ગત ₹૧,૫૦૦ કરોડ, ‘મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના’ માટે ₹૫,૬૦૦ કરોડ ફાળવ્યા છે.
**સામાજિક ન્યાય, ઓલિમ્પિક્સ અને ઊર્જા**
આદિવાસી સમુદાયોના કલ્યાણ માટે ₹૩૫,૭૮૦ કરોડ, સામાજિક ન્યાય વિભાગ માટે ₹૭,૦૮૬ કરોડ ફાળવ્યા છે. Commonwealth Games 2030 અને ૨૦૩૬ ઓલિમ્પિક્સ માટે ‘Olympic Ready Ahmedabad’ વિકસાવવા ₹૧,૨૭૮ કરોડ, SVP Sports Enclave માટે ₹૫૦૦ કરોડ, વૈશ્વિક હૉકી સ્ટેડિયમ માટે ₹૯૦ કરોડ ફાળવ્યા છે. ઊર્જા વિભાગ માટે ₹૪,૮૪૨ કરોડ ફાળવ્યા છે, જ્યારે ‘વિકસિત ગુજરાત ફંડ’ હેઠળ ₹૧૦,૦૦૦ કરોડ ફાળવ્યા છે, જેમાં ₹૬૧૩ કરોડ સહ ‘અંબાજી કોપર પ્રોજેક્ટ’ અને કડાણા ફ્લોટિંગ સૉલર પ્રોજેક્ટ સહિત વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સ સામેલ છે.
ગુજરાત સરકારના આ વિક્રમ અંદાજપત્ર અંગે નાણામંત્રીએ જણાવ્યું કે, “સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, માળખાકીય સુવિધાઓ, આર્થિક વિકાસ અને ગ્રીન ગ્રોથ – આ પાંચ સ્તંભ પર ઊભેલું આ બજેટ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ગુજરાત’ના સ્વપ્નને સાકાર કરવાનો મક્કમ માર્ગ ચિંધે છે.”




