[ad_1]

અમદાવાદ,શુક્રવાર,31
ડીસેમ્બર,2021
અમદાવાદ શહેરના રસ્તાઓ ઉપરથી રખડતા પશુઓના ત્રાસને
નિયંત્રિત કરવા ગુજરાત હાઈકોર્ટ દ્વારા કડક કાર્યવાહી કરવા મ્યુનિસિપલ તંત્રને
આદેશ કર્યો હતો.મ્યુનિસિપલ કમિશનર દ્વારા રખડતા પશુઓના ત્રાસને અટકાવવાના કાયમી
પગલાના ભાગરુપે જે પશુ માલિક તેમના પશુને છોડાવવા આવે એની પાસેથી મ્યુનિ.દ્વારા
વસુલવામાં આવતા હાલના વહીવટી તેમજ નિભાવ ચાર્જ બમણો કરવા હેલ્થ કમિટી સમક્ષ મંજુરી
માંગતી દરખાસ્ત હેલ્થ કમિટીની મળેલી બેઠકમાં
કમિશનરને પરત કરવામાં આવી છે.થોડા સમય પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખે
અમદાવાદના રોડ ઉપર રખડતા પશુ જોવા નહીં મળે એ પ્રમાણેની જાહેરાત કરી હતી.મ્યુનિ.ના
ભાજપના શાસનકર્તાઓએ દરખાસ્ત પરત કરતા શહેરમાં રખડતા પશુઓની સમસ્યા યથાવત રહેવાની
સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.
હાઈકોર્ટના આદેશ બાદ ૧૯ ડીસેમ્બરે મળેલી મ્યુનિસિપલ હેલ્થ
કમિટીની બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા
દિશાનિર્દેશ મુજબ,અમદાવાદના
રસ્તાઓ ઉપરથી રખડતા પશુઓના ત્રાસને કાયમી અટકાવવાના પગલાના ભાગરુપે મ્યુનિ.ના
ઢોરત્રાસ અંકુશ વિભાગ તરફથી વસુલવામાં આવતા વહીવટી ચાર્જ તથા પશુ દીઠ વસુલવામાં
આવતા નિભાવ ખર્ચની રકમ બમણી કરવા મંજુરી માંગતી દરખાસ્ત હેલ્થ કમિટી સમક્ષ મંજુરી
માટે મુકી હતી.પંદર દિવસ અનિર્ણિત રાખવામાં આવેલી દરખાસ્ત હેલ્થ કમિટી સમક્ષ ફરી
મંજુરી માટે મુકવામાં આવી હતી.આ દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનરને પરત કરવામાં આવી
હોવાનું હેલ્થ કમિટી ચેરમેન ભરત પટેલે કહ્યુ છે.
કોઈ એક પશુ માલિકનું એક પશુ પકડાય તો હાલમાં મ્યુનિ.દ્વારા
ત્રણ હજાર વહીવટી ચાર્જ અને પશુ દીઠ રોજ એક હજાર તેના નિભાવ ખર્ચ પેટે વસુલવામાં
આવે છે.આ જ પશુ બીજી વખત પકડાય તો વહીવટી ચાર્જ ૪૫૦૦ અને નિભાવખર્ચ ૧૫૦૦ તથા
ત્રીજી વખત પકડાય તો વહીવટી ચાર્જ છ હજાર રૃપિયા
અને નિભાવખર્ચ બે હજાર વસુલવા તેમજ ચોથી વખત પકડાય તો રજિસ્ટ્રેશન રદ કરી પશુ પરત
ના કરવાની પરત કરવામાં આવેલી દરખાસ્તમાં
જોગવાઈ કરવામાં આવી હતી.ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા અગાઉ આપવામાં આવેલા નિવેદનથી
વિપરીત મ્યુનિ.ભાજપના શાસનકર્તાઓએ નિર્ણય લઈ મ્યુનિ.કમિશનરની દરખાસ્ત પરત કરતા આ
બાબત મ્યુનિ.વર્તુળોમાં ચર્ચાનો વિષય બનવા
પામી છે.
ભાજપના કોર્પોરેટરે પશુ માલિક પાસેથી હપ્તા લેવાતા હોવાનો
આક્ષેપ કર્યો હતો
થોડા સમય અગાઉ ઘાટલોડીયા વોર્ડના ભાજપના કોર્પોરેટર મનોજ
પટેલ દ્વારા મ્યુનિ.ની રખડતા પશુ પકડવા જતી ટીમ દ્વારા પશુ માલિકો પાસેથી દર
મહિનાની એકથી પાંચ તારીખમાં હપ્તા વસુલવામાં આવતા હોવાનું પશુ માલિકો કહેતા
હોવાનું નિવેદન મિડીયા સમક્ષ આપ્યુ હતું.બાદમાં ભાજપ નેતાગીરીએ મ્યુનિ.માં મળતી
મંગળવારી બેઠકમાં ભાજપના તમામ કોર્પોરેટરોને શહેરના રોડ ઉપર રખડતા પશુઓને લઈ મિડીયા
સમક્ષ કોઈ પ્રકારના નિવેદન આપવાથી દુર રહેવા અંગે તાકીદ કરવામાં આવી હતી.
[ad_2]
Source link






