જામનગર જિલ્લામાં ફરીથી કોરોનાના કેસ વધ્યા:મૃત્યુ દર પણ વધ્યો: વધુ 446 કેસ નોંધાયા:383 કોરોના મુક્ત થયા:4 દર્દી ના મૃત્યુ

0
144

[ad_1]


– જામનગર શહેરમાં વધુ 357 લોકો કોરોના સંક્રમિત: 284 દર્દી કોરોના મુક્ત થયા: ગ્રામ્ય વિસ્તારના 89 કેસ સામે 99 દર્દી કોરોના મુક્ત

– જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં જામનગર ના એક યુવાન, બે મહિલા તેમજ કલાવડના એક આધેડ સહિત ૦૪ દર્દીઓના મૃત્યુ:અન્ય ૭૪ દર્દીઓ સારવાર હેઠળ: ૪ ગંભીર

જામનગર, તા. 26

જામનગર શહેર અને જિલ્લામાં બે દિવસ માટે કોરોના શાંત રહ્યા પછી ગઈકાલે ફરીથી કોરોનાએ વધુ ફૂંફાડો ફેલાવ્યો છે, અને જામનગર શહેરના વધુ 357 કેસ નોંધાયા છે, તે જ રીતે ગ્રામ્યમાં પણ વધુ 89 કેસ સહિત કુલ 447 કેસ નોંધાયા છે, જયારે જામનગર શહેરના 284 દર્દી કોરોના મુક્ત થયા છે, તે જ રીતે ગ્રામ્ય વિસ્તારના 99 દર્દી કોરોના મુક્ત થયા છે. સાથોસાથ મૃત્યુનો દર પણ વધ્યો છે અને છેલ્લા 24 કલાકમાં ચાર દર્દીઓના મૃત્યુથી ભારે હાહાકાર મચી ગયો છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં જામનગર શહેરના 35 વર્ષના એક યુવાન અને બે મહિલા તેમજ કાલાવડ પંથક ના એક આધેડ સહિત 04 કોરોના ગ્રસ્ત દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. હાલમાં જી.જી.હોસ્પિટલમાં ૭૪ દર્દીઓ સારવાર હેઠળ છે, જે પૈકી ચારને વેન્ટિલેટર પર રખાયા છે.

જામનગર જિલ્લામાં બે દિવસ માટે કોરોના સંક્રમણ ઘટ્યું હતું, અને કોરોના સંક્રમિત થનારા દર્દીઓ કરતાં કોરોના મૂકત થનારા દર્દીની સંખ્યા વધુ હતી, પરંતુ તેમાં ગઈકાલે ફરી ઉછાળો આવ્યો છે, અને જામનગર શહેરના વધુ ૩૫૭ કેસ નોંધાયા છે, જોકે કોરોના મુક્ત થનારા દર્દીઓની સંખ્યા નો આંકડો પણ વધુ રહ્યો છે, અને વધુ 284 દર્દીઓને જામનગર મહાનગરપાલિકાએ કોરોના મુક્ત જાહેર કર્યા છે.

તે જ રીતે જામનગર ગ્રામ્ય માં પણ એક જ દિવસમાં કોરોના કેસનો આંકડો બમણો થઇ ગયો છે, છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 89 પોઝિટિવ કેસ નોંધાયા છે. ઉપરાંત કોરોના મુક્ત થનારા દર્દીઓનો આંકડો તેનાથી વધુ રહ્યો છે, અને 89 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા છે.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કોવીડ વિભાગમાં હાલ 74 દર્દીઓ કોરોનાની સારવાર મેળવી રહ્યા છે, ત્યારે ચાર દર્દીઓને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે. સાથો સાથ મૃત્યુનો સિલસિલો પણ યથાવત રહ્યો છે, અને ગઈકાલે જામનગર શહેરના 35 વર્ષના એક યુવાન અને બે મહિલા સહિત 3 દર્દીના મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. ત્યારે આજે સવારે કાલાવડ તાલુકાના લજાઇ ગામના એક આધેડનું પણ મૃત્યુ નિપજયું છે.

જામનગરમાં નીલકંઠ નગર વિસ્તારમાં રહેતા મુકુંદબા પ્રવીણસિંહ રાઠોડ નામના 62 વર્ષીય વૃદ્ધ મહિલા કે જેઓ કોરોના ની સારવાર મેળવી રહ્યા હતા, જેમનું જી.જી.હોસ્પિટલના કોવિડ વિભાગમાં મૃત્યુ નીપજ્યું હતું, અને જામનગરના આદર્શ સ્મશાનમાં કોવિડ પ્રોટોકોલ મુજબ તેઓની અંતિમ ક્રિયા કરી લેવામાં આવી હતી.

આ ઉપરાંત જામનગરના કૈલાશ નગર વિસ્તારમાં રહેતા પ્રવિણાબેન મૂળશંકર ભાઈ આચાર્ય નામના 67 વર્ષીય વૃદ્ધ મહિલાએ પણ જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો છે, અને તેઓની પણ આદર્શ સ્મશાનમાં અંતિમ વિધિ કરી લેવામાં આવી હતી.

કોરોના ની ત્રીજી લહેર યુવા વર્ગ માટે પણ ઘાતક નીવડી રહી છે, અને ગઈકાલે સાંજે માત્ર 35 વર્ષીય એક યુવાને સરકારી કોવિડ હોસ્પિટલના બિછાને દમ તોડયો છે. જામનગરમાં રહેતા પ્રવીણભાઈ ડાયાભાઈ હાથિયા નામના 35 વર્ષીય યુવકનું પણ કોરોના ની સારવાર દરમિયાન ગઈકાલે મોડી સાંજે મૃત્યુ નિપજયું છે. જેથી યુવાવર્ગમાં ભયનો માહોલ ફેલાયો છે. જોકે તેને અન્ય બીમારી પણ હતી, અને તેનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવી ગયો છે.

ત્યાર પછી આજે સવારે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ના કોવિડ વિભાગમાં સારવાર મેળવી રહેલા કાલાવડ તાલુકાના લલોઈ ગામના બાબુભાઈ ત્રીકમભાઈ રાબડીયા (65), કે જેઓએ પણ આજે સવારે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. તેમના મૃતદેહને વતનમાં લઈ જવાયો છે, અને અંતિમ વિધિ ચાલી રહી છે. આમ છેલ્લા ૨૪ કલાક દરમિયાન જી.જી.હોસ્પિટલના કોવિડ વિભાગમાં વધુ ૪ કોરોના ગ્રસ્ત દર્દીના મૃત્યુ થયા છે.

ગઈકાલે જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં ધ્રોળ માં -9, જોડિયામાં-14, જામનગર તાલુકામાં-21, જામજોધપુરમાં -09, કાલાવડમાં -13, અને લાલપુરમાં ૨૩, સહિત 89 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા કોરોના પરીક્ષણની કામગીરી અવિરત ચાલુ રાખવામાં આવી હતી, અને છેલ્લા ૨૪ કલાક દરમિયાન 2,514 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તે જ રીતે જામનગર ગ્રામ્યના 1,954 સહિત સમગ્ર જિલ્લામાં 4,468 પરીક્ષણ કરી લેવામાં આવ્યા છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here