[ad_1]
અમદાવાદ,તા.02 જાન્યુઆરી 2022,રવિવાર
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યભરમાં નવા વર્ષમાં સતત બીજા દિવસે પણ રેશનકાર્ડધારકોને રેશનિંગના જથ્થાથી વંચિત રહેવું પડયું હતું. સોમવારે વ્યાજબી ભાવની દુકાનોમાં અઠવાડિક રજા હોય છે આથી તે દિવસે પણ અનાજ નહીં મળે આમ સતત ત્રણ દિવસ સુધી રાજ્યમાં એકપણ રેશનકાર્ડ ધારક અનાજનો જથ્થો મેળવી નહી શકે.
ગાંધીનગર ખાતેના કંટ્રોલરૂમમાંથી નવા વર્ષ અને મહિનાનું કાર્ડધારકને મળવાપાત્ર અનાજનો જથ્થો ઓનલાઇન દર્શાવાનો જ રહી ગયો હોવાથી તેમજ હજુ સુધી ડિસેમ્બર માસના બાકી જથ્થાનો સ્ટોક પણ ઓનલાઇન ટ્રાન્સફર કરી શકાયો ન હોવાથી આ સમસ્યા સર્જાઇ છે.
તા.૨ જાન્યુઆરીથી વિતરણ શરૂ કરી દેવાશે તેવી પુરવઠા ખાતાની જાહેરાત પણ કાગળ પર જ રહી ગઇ હતી. હવે પુરવઠા ખાતું જો આળશ ખંખેરી ઓનલાઇન વિગતો અપડેટ કરે તો મંગળવારે કાર્ડધારકોને અનાજ મળશે તેવી શક્યતા છે.
નવા વર્ષના જાન્યુઆરી માસનો જથ્થો રેશનિંગની દુકાનોમા ંપહોંચી ગયો છતાંય શનિવાર અને રવિવારે એકપણ દુકાનદાર એકપણ કાર્ડધારકને કોમ્પ્યુટરમાંથી ઓનલાઇન કુપન કાઢીને કાર્ડધારકને મળવાપાત્ર રેશનિંગનું અનાજ આપી શક્યો નહતો. પુરવઠા ખાતાની ભારે બેદરકારીના કારણે કાર્ડધારકો અને રેશનિંગની દુકાનોના સંચાલકોએ હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે. દુકાનદારો દુકાન ખોલીને બેસે છે પરંતુ જ્યારે ગ્રાહકોને મળવાપાત્ર જથ્થો આપવા માટે ઓનલાઇન કુપન કાઢવા માટે કોમ્પ્યુટર ખોલે છે ત્યારે તેમાં મળવાપાત્ર અનાજના જથ્થાની વિગતો જ જોવા મળતી નથી. જેના કારણે કુપન કાઢીને ગ્રાહકને અનાજ આપવાની આગળની આખી કાર્યવાહી કરી શકાતી નથી. ડિસેમ્બર માસના બાકી સ્ટોકની વિગતો પણ જોવા મળી રહી નથી જેને લઇને દુકાનદારો વધુ મુંઝાયા હતા.
ડિજીટલ અને સ્માર્ટ કામને લઇને અનાજનું ઓફ લાઇન વિતરણ કરવા દેવાતું નથી, બીજી બાજુ ઓનલાઇન જથ્થો જોવા મળતો નથી આ સ્થિતિ વચ્ચે દુકાનદારોએ કાર્ડધારકોને અનાજનો જથ્થો આપ્યા વગર જ ઘરે પાછા ધકેલવાની ફરજ પડી હતી. દુકાનદારોના જણાવ્યા મુજબ કોમ્પ્યુટરમાં મળેલી સુચના મુજબ ડિસેમ્બર ૨૦૨૧ માસના બંધ જથ્થાની માહે જાન્યુઆરી ૨૦૨૨ માસમાં ઉઘડતા જથ્થા માટેની ટ્રાન્સફર પ્રક્રિયા ચાલુ હોવાથી જાન્યુઆરી ૨૦૨૨ માસનું નિયમ મળવાપાત્ર રેશનિંગના અનાજનું વિતરણ તા. ૨ જાન્યુઆરીથી કરાશે. આ સુચના કોમ્પ્યુટરમાં ગઇકાલે જોવા મળતી હતી. આજે તા.૨ જાન્યુઆરીને રવિવારે પણ કોઇ અપડેટ દેખાતું નથી. રજા હોવાથી કોઇ કામ કરાયું નથી આથી રવિવારે પણ અનાજના જથ્થાનું વિતરણ કરી શકાયું નહોતું.
દુકાનદારોના જણાવ્યા મુજબ સિસ્ટમની ખામી છે. વારંવાર સર્વર ડાઉન થાય છે. જથ્થો દુકાનોમાં નિયમિત પહોંચાડાતો નથી.આ વર્ષે પણ આ મહિને નિયત જથ્થા ઉપરાંત પ્રધાનમંત્રી અન્ન યોજના હેઠળનું મફત અનાજ તા.૧૫ જાન્યુઆરીથી કરાશે.
આમ શહેરમાં એકબાજુ કોરોના સંક્રમણ વધ્યું છે. ત્યારે નિયત જથ્થાની સાથે જ મફત અનાજનો જથ્થો રેશનકાર્ડધારકોને આપી દેવામાં આવે તો એક જ ધક્કામાં કામ પતી જાય અને સંક્રમણનું જોખમ ઘટે તેવી માંગણી ઉઠવા પામી છે.
[ad_2]
Source link






