
પારડી તાલુકાના ખેરલાવ ગામમાં સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ સ્ટેટ પ્રોજેક્ટ ગાંધીનગર અંતર્ગત વલસાડ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળા ખેરલાવનું રૂ. ૧,૪૨,૧૫,૦૦૦ના ખર્ચે નવા અદ્યતન મકાનનું લોકાર્પણ, રાજ્ય સભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાની એમ.પી.ફંડની ગ્રાંટમાંથી રૂ. ૩૫ લાખના ખર્ચે તૈયાર થનારી લાઈબ્રેરીનું ખાતમુહૂર્ત અને નિવૃત્ત શિક્ષકોનો વિદાય સમારોહ રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને શાળાના પટાંગણમાં યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, આજનું બાળક દેશની આવતીકાલનું ઉજ્જવળ ભવિષ્ય છે. નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે તેમણે બાળક ભણી ગણીને સારો નાગરિક બને તે માટે શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો હતો. આ જ રીતે ખેડૂતોના વિકાસ માટે કૃષિ મહોત્સવ, આદિવાસીઓના વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના, માછીમાર સમાજના વિકાસ માટે સાગરખેડૂ યોજના, ધંધા રોજગારના વિકાસ માટે વાઈબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરાવી હતી. તેમણે શરૂ કરેલી અનેકવિધ પહેલોને આજે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેજગતિએ આગળ વધાવી રહ્યા છે. વિશ્વ બેંકના સહકારથી મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ ગુજરાતના ખૂણે ખૂણે અદ્યતન સ્કૂલોનું નિર્માણ થઈ રહ્યુ છે. જેમાં તમામ પ્રકારની સુવિધાઓ બાળકોના વિકાસ માટે ઉપલબ્ધ કરાવાઈ રહી છે.
નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના અંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, ધો. ૮ બાદ દીકરીઓ ભણતર ન છોડે તે માટે ધો. ૯ અને ૧૦ માં નમો લક્ષ્મી યોજના શરૂ કરી છે અને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે તે માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરી છે. રાજય સરકાર દ્વારા બજેટમાં સૌથી વધુ ફોક્સ શિક્ષણ અને આરોગ્ય ઉપર કરવામાં આવે છે. વિદ્યાર્થીઓએ ભણી ગણીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપી વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવાનો છે. વર્ષ ૨૦૧૪માં વિશ્વમાં ભારતનું અર્થતંત્ર ૧૧ માં નંબરે હતુ જે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હવે ચોથા નંબરે આવ્યુ છે, જેનો લાભ દરેક નાગરિકને મળી રહ્યો છે. આજે આ શાળાના લોકાર્પણની સાથે ગામના યુવાનો જીપીએસસી અને યુપીએસસી જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી પોતાની ઉજ્જવળ કારર્કિદી બનાવે તે માટે રૂ. ૩૫ લાખના ખર્ચે લાઈબ્રેરીનું ખાતમુહૂર્ત પણ કરાયુ છે. ગામના વિકાસ માટે સતત તત્પર રહેતા સરપંચશ્રી મયંકભાઈ પટેલ અભિનંદનને પાત્ર છે.
કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીએ કહ્યું કે, આજે આ શાળાને સ્થાપના થયાને ૧૧૮ વર્ષ થયા છે, તમે વિચારો કે, દેશમાં જ્યારે અંગ્રેજોનું રાજ હતુ ત્યારે પણ આ શાળા શિક્ષણની જ્યોત જલાવી રહી હતી. ગામના અનેક યુવાનો આ સ્કૂલમાં શિક્ષણ મેળવી ડોકટર, એન્જિનિયર સહિતની ડિગ્રી સાથે ઉચ્ચ હોદ્દા પર પહોંચ્યા હશે. આજે આપણને સૌને આ સ્કૂલનું અદ્યતન મકાન જોઈને ગૌરવ થાય છે. આ સાથે જ લાઈબ્રેરીનું ખાતમુહૂર્ત થતા ગામના લોકોની વાંચનની ભૂખ પણ સંતોષાશે.
બીલીમોરાના નવનાથધામના પ.પૂ.છોટે દાદાએ ઉપસ્થિત રહી આશીર્વચન આપતા જણાવ્યું કે, આજનો દિવસ ખેરલાવ ગામના લોકો માટે ભવ્ય, દિવ્ય અને ગૌરવશાળી છે. વિદ્યા મંદિરથી વ્યકિતના ચરિત્રનું નિર્માણ થાય છે.
આ પ્રસંગે પારડી તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષેશ પટેલ, વાપી વીઆઈએ ના પ્રમુખ સતિષ પટેલ, તાલુકા પંચાયતના સભ્ય શૈલેષભાઈ પટેલ, સંગઠનના આગેવાન મહેશ દેસાઈ, મનિષ દેસાઈ, સમય પટેલ, પુનિત પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંબાચ વાઘસર પ્રાથમિક શાળાના નિવૃત્ત શિક્ષક જગદીશભાઈ પટેલે કર્યુ હતું.
ખાનગી શાળાને ટક્કર મારે તેવી આ સરકારી પ્રાથમિક શાળામાં બાલવાટીકાથી લઈને ધો. ૮ સુધીમાં અભ્યાસ કરતા ૧૦૯ બાળકો માટે તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ હોય તે માટે સરપંચશ્રી મયંક પટેલે અથાગ પરિશ્રમ કરી વિવિધ દાતાઓ પાસેથી કુલ રૂ. ૨૨,૧૫,૦૦૦નું ભંડોળ એકત્ર કર્યુ હતું, તેમાંથી ગાર્ડન, ગેટ, શેડ, બેંચ, કમ્પ્યુટર લેબ, ઓફિસ, સીસીટીવી કેમેરા, રમતગમતના સાધનો અને વિદ્યાર્થીઓને યુનિફોર્મની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. જ્યારે શાળાનું મકાન અને શૌચાલય રાજય સરકાર દ્વારા સમગ્ર શિક્ષા અંતર્ગત ફાળવાયેલી રૂ. ૮૫ લાખ ગ્રાંટ અને સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ ફાળવાયેલી રૂ. ૩૫ લાખની ગ્રાંટમાંથી તૈયાર કરાયુ હતું. આજે લોકાર્પણ પ્રસંગે ગ્રામજનોના લાભાર્થે ખેરલાવ ગ્રામ પંચાયત, આરએનસી ફ્રી આઈ હોસ્પિટલ અને અતુલ ફાઉન્ડેશન ટ્રસ્ટના સહયોગથી નિઃશૂલ્ક નેત્રયજ્ઞ અને અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડના સહકારથી રક્તદાન શિબિરનું આજે આયોજન કરાયુ હતું.




