[ad_1]

– જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ના ઇ.એન્ડ.ટી. વિભાગ માં સારવાર મેળવી રહેલા અંતિમ દર્દીને રજા અપાતાં વોર્ડ ખાલી
જામનગર તા ૩૦,
જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલમાંથી મ્યુકોર્માઇકોસિસ ની બીમારીના દર્દીઓ માટે આજે સારા સમાચાર આવ્યા હતા, અને ઇ.એન્ડ.ટી. વિભાગમાં સારવાર મેળવી રહેલા
એકમાત્ર દર્દીની તબિયતમાં સુધારો થઈ જતાં તેને આજે રજા આપવામાં આવી છે. જેથી મ્યુકોર્માઇકોસિસ ની બીમારીના દર્દીઓનો આંકડો ઝીરોનો થયો છે.
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ના કોવિડ વિભાગમાં ગત એપ્રિલ માસ દરમિયાન પ્રથમ મ્યુકોર્માઇકોસિસની બીમારી નો કેસ સામે આવ્યો હતો, અને અલગથી વોર્ડ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી ધીમેધીમે કેસની સંખ્યા ઘટતાં આ વોર્ડ ને ખાલી કરી દઇ ઇ.એન્ડ.ટી. વિભાગમાં આવા દર્દીની સારવાર ચાલી રહી હતી. જેના ૯ મહિનાના લાંબા સમયગાળા પછી આજે સૌ પ્રથમ વખત મ્યુકોર્માઇકોસિસની બીમારી ના દર્દીઓનો આંકડો જીરોનો થયો છે, અને સંપૂર્ણ વોર્ડ ખાલી થયો છે.
જી.જી. હોસ્પિટલ ના ઇ.એન્ડ.ટી. વિભાગ તથા અન્ય જુદાજુદા વિભાગો દ્વારા અત્યાર સુધીમાં ૩૦૦થી વધુ નાની મોટી સર્જરી કરી લેવામાં આવી છે, અને ૨૦૦થી વધુ મયુકર ની બીમારી ના દર્દીઓએ સારવાર મેળવી લીધી છે. જોકે આ બીમારીના કારણે અત્યાર સુધીમાં પાંચ દર્દીના મૃત્યુ થયા નું જાહેર કરાયું છે, ઉપરાંત આ વોર્ડમાં અન્ય બીમારીના કારણે પણ દાખલ થયા હોય તેવા ૪૦થી વધુ દર્દીઓએ દમ તોડી દીધો છે. જેમાં મૃત્યુનું કારણ કોરોના અથવા તો અન્ય બીમારી હોવાનું જાહેર કરાયું છે. બાકીના મોટા ભાગના દર્દીઓની સર્જરી કરી લેવાયા પછી તેઓને જી.જી. હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જેમાં ૨૫થી વધુ દર્દીઓની એક આંખ કાઢવી પડી હોય, અથવા તો જડબાનો ભાગ સાફ કરવો પડ્યો હોય, તેવા કેસ પણ જોવા મળ્યા હતા.
છેલ્લા એક મહિનાના સમયગાળા દરમિયાન આ વોર્ડમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું ન હતું, અને તમામ દર્દીઓ સાજા થઈને ઘેર ગયા છે. જેથી આજે જામનગર શહેર અને જિલ્લો મ્યુકોર્માઇકોસિસ ની બીમારીથી મુક્ત થયો છે.
[ad_2]
Source link






