વલસાડના મોગરાવાડી ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૧નો પ્રારંભ વલસાડ જિલ્લામાં રૂા.૨૦૭૩.૧૦ લાખના ખર્ચે ૬૭૮ જળસંચયના કામો હાથ ધરાશે

0
362

સુજલામ સુફલામ જળ અભિયાનનો મુખ્‍ય હેતુ જળનું એક-એક બુંદ બચાવી જન જીવન બચાવવાનો છે : કલેકટર આર.આર.રાવલ
 રાજય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૧નો પ્રારંભ આજથી રાજયવ્‍યાપી શરૂ કરવામાં આવ્‍યો છે. આ અભિયાનના ભાગરૂપે વલસાડ નગરપાલિકા વિસ્‍તારના મોગરાવાડી તળાવ ખાતે  સાંસદ ડૉ.કે.સી.પટેલ અને જિલ્લા કલેકટર આર.આર.રાવલની ઉપસ્‍થિતિમાં પ્રારંભ કરાયો હતો. આ અવસરે સાંસદ ડૉ.કે.સી.પટેલે જણાવ્‍યું હતું કે, રાજય સરકારે રાજય વ્‍યાપી જળસંગ્રહનું અભિયાન આદર્યું છે. આ તળાવના ડીસિલ્‍ટીંગ થકી પાણીનો સંગ્રહ થવાની સાથે તળાવ બ્‍યુટીફિકેશન તથા શોભામાં અભિવૃધ્‍ધિ થશે જે લોકોપયોગી બનશે. આ અવસરે કલેકટર આર.આર.રાવલે જણાવ્‍યું હતું કે, સુજલામ સુફલામ જળ અભિયાનનો મુખ્‍ય હેતુ જળનું એક-એક બુંદ બચાવી જન જીવન બચાવવાનો છે. દુષ્‍કાળ એ ભૂતકાળ બને એ માટે સરકારની સાથે સમાજની જવાબદારી છે. સમાજના સહકાર વિના સરકાર સફળ નહીં થાય. જળ, જંગલ, જમીન અને પશુઓનું જતન કરીશું તો જ જીવન સચવાશે. કુદરતનું સંવર્ધન કરીશું તો જ જીવન સાચા અર્થમાં સાર્થક નીવડશે. પાણી પચાવી શકાશે પણ પાણી બનાવી નહી શકાય, જેથી ઘરનું પાણી ઘરમાં અને ગામનું પાણી ગામમાં સંગ્રહ કરવા સંકલ્‍પબધ્‍ધ બનવા જણાવ્‍યું હતું. મોગરાવાડી તળાવ આશરે કુલ ૪.૬૬ હેક્‍ટરમાં વિસ્‍તરેલું છે. જેની કુલ સંગ્રહશક્‍તિ ૩.૬૦ મીલીયન કયુબીક ફીટ છે. આ તળાવમાં ૧૬૬૬૭ કયુબીક મીટર માટીનું ખોદકામ કરવા માટેનો અંદાજીત ખર્ચ પાંચ લાખ થનાર છે. આ કામ થવાથી પાણીના  સંગ્રહશક્‍તિમાં ૦.૬૦ મીલીયન કયુબીક ફીટનો વધારો થશે.રાજય સરકાર દ્વારા ચોમાસાના પાણીનો ભૂગર્ભ જળસંચય કરવા માટે સુજલામ સુફલામ જળ અભિયાન – ૨૦૧૮ અંતર્ગત વિવિધ વિભાગો દ્વારા તેમજ સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ/ ઉદ્યોગો ગૃહો/ ધાર્મિક સંસ્‍થાઓ, શૈક્ષણિક સંસ્‍થાઓ દ્વારા તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમોનું ડીસીલ્‍ટિંગ, હયાત જળાશયોનું ડીસીલ્‍ટિંગ, શહેરોમાંથી પસાર થતી નદીઓમાં થતું પ્રદુષણ અટકાવવાની કામગીરી તેમજ નદીઓનાં કાંઠાઓ ઉપર વૃક્ષારોપણ કરવું, નદીનાં પ્રવાહને અવરોધરૂપ ઝાડી ઝાંખરા દુર કરવા, વન તલાવડી, નદીને પુનઃજીવીત કરવી વગેરે પ્રકારનાં કામો આવરી લેવામાં આવ્‍યા છે. સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૧ દરમિયાન વલસાડ જિલ્લામાં લોકભાગીદારીથી કુલ ૧૧૪ કામો કરવાનું આયોજન છે. જેનો કુલ અંદાજીત ખર્ચ રૂ. ૪૦૫.૨૨ લાખ થશે. તેમાં ૭૬ તળાવો ઊંડા કરવાના રૂ.૩૧૫.૦૫ લાખના કામો, ૧૯ ચેકડેમ ડીસિલ્‍ટિંગ કરવાના રૂ.૧૮.૪૨ લાખના કામો, ૧૯ નદી વોકળાની સફાઈ કરવાના રૂ.૭૧.૩૦ લાખના કામોનો સમાવેશ થાય છે. જ્‍યારે મનરેગા હેઠળ રૂા.૨૬૦.૭૨ લાખના ખર્ચે ૨૨૩ કામો, વિવિધ વિભાગો દ્વારા રૂા.૧૩૫૦ લાખના ખર્ચે ૨૭૮ કામો, વન વિભાગ દ્વારા ૩૭.૮૨ લાખના ખર્ચે ૫૦ કામો, નગરપાલિકાઓ દ્વારા ૧૯.૩૩ લાખના ખર્ચે ૧૩ કામો મળી અંદાજે કુલ રૂા.૨૦૭૩.૧૦ લાખના ખર્ચે ૬૭૮ કામો હાથ ધરાશે.આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ અલ્‍કાબેન શાહ, નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન પટેલ, દમણગંગા વિભાગના મુખ્‍ય ઇજનેર ધનગર, પ્રાંત અધિકારી નિલેશ કુકડીયા, કાર્યપાલક ઇજનેર એસ.ડી.પટેલ સહિત નગરપાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ  હાજર રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here