ગ્રીનમેન વિરલ દેસાઈ ઉદવાડાને મોડેલ રેલવે સ્ટેશન તરીકે ડેવલપ કરશે

0
3315

શહેરના ઉદ્યોગપતિ અને જાણીતા પર્યાવરણવાદી ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા ઉદવાડા રેલવે સ્ટેશનને ગ્રીન ઉદવાડામાં પરિવર્તિત કરવાનું મિશન હાથ ધરાયું હતું. જે અંતર્ગત તેમણે તેમના એનજીઓ હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન હેઠળ પ્રથમ તબક્કાનું કાર્ય પૂર્ણ કર્યું હતું. તેમના આ પર્યાવરણી કાર્યોનું વેસ્ટર્ન રેલવેઝના જીએમ આલોક કનસલ તેમજ પારસીઓના વડા દસ્તુર ખુરશેદ દસ્તુર દ્વારા ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.
વિરલ દેસાઈ અને તેમના હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા ઉદવાડા સ્ટેશન પર પૂર્ણ કરાયેલા પ્રથમ તબક્કામાં તેમણે પાંચસો મિટરથી મોટી દીવાલ આગળ પેરાપેટ વોલ તૈયાર કરીને અઢી હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું હતું. તો પારસીઓએ દેશની પ્રગતિ અને ઉત્થાનમાં આપેલા તેમના યોગદાન પ્રત્યે આભાર વ્યક્ત કરવા ‘હટ ઑફ ગ્રેટિટ્યુડ’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ‘પીલર્સ ઑફ પારસીઝ’ તરીકે જાણીતા સેમ માણેકશા, ડૉ. હોમી ભાભા, જમશેતજી તાતા, દાદાભાઈ નવરોજીના જીવન અને કવન વિશેની મહત્ત્વપૂર્ણ વાતોને આવરી લેવાઈ છે. 
આ ઉપરાંત ઉદવાડા સ્ટેશન માસ્તરની ઑફિસને પણ ‘ઓલરાઈટ ગ્રીન ઝોન’ની થીમ પર તૈયાર કરવામાં આવી હતી, જે ઑફિસના બાહ્યભાગને ક્લાયમેટ ચેન્જ તેમજ બાયોડાયવર્સિટીને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. ઉદવાડા દેશનું પહેલું એવું રેલવે સ્ટેશન બન્યું છે, જ્યાં ક્લાયમેટ એક્શન બાબતે પગલાં લેવાયા હોય અને જ્યાં દેશનું પહેલું ઓલરાઈટઝોન તૈયાર કરાયો હોય.
આ સંદર્ભે વિરલ દેસાઈએ કહ્યું હતું, ‘આવનારા દિવસોમાં ઉદવાડા સ્ટેશન મોડેલ સ્ટેશન બનશે અને આંતરરષ્ટ્રીય મંચો પર આ સ્ટેશનની નોંધ લેવામાં આવશે. કારણ કે આ સ્ટેશન ભારતીય રેલવેઝનું પ્રથમ એવું સ્ટેશન બનશે, જ્યાં દસ હજાર વૃક્ષોનું એક વન તૈયાર થશે તેમજ ફિલ્ડ માર્શલ સેમ માણેકશાના માનમાં એક મ્યુઝિયમ તૈયાર થશે. ભારતીય સૈન્ય, પર્યાવરણ અને પારસીઓ એમ ત્રણેય બાબતનું સાયુજ્ય રચીને સ્ટેશન પર ઈકોસિસ્ટમ રિસ્ટોરેશનના કાર્યો થશે જે કાર્યો ક્લાયમેટ એક્શન બાબતે વડાપ્રધાન મોદીજીના જે પ્રકલ્પો છે એ પૂર્ણ કરશે.’ ઉલ્લેખનીય છે કે ઉદવાડા સ્ટેશનના આ પ્રકલ્પો બાબતે યુનાઈટેડ નેશન્સ એન્વાર્યમેન્ટને પણ જાણ કરાશે અને એ મંચ પર આ સ્ટેશનનું મોડેલ રજૂ કરવામાં આવશે. વિરલ દેસાઈના અત્યાર સુધીના કાર્યો તેમજ આવનારા સમયના તેમના વિઝનથી પ્રભાવિત થઈને વેસ્ટર્ન રેલવેઝના જીએમ દ્વારા તેમનું વિશેષ સન્માન પણ કરાયું હતું અને તેમને પ્રશસ્તિ પત્ર તેમજ મેડલ એનાયત કરાયો હતો.
આ કાર્યક્રમમાં જીવીએલ સત્યા કુમાર, રાજકુમાર લાલ, જાગૃતિ સિંગલા તેમજ વલસાડના એરિયા મેનેજર અન્નુ ત્યાગી પણ વિશેષરૂપે હાજર રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here