વલસાડમાં કોરોના સંક્રમણને રોકવા 409 ગામોની સ્કૂલોમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરાયા

0
206

વલસાડ જિલ્લામાં જે રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. તે મુજબ જિલ્લાના અંતરિયાળ ગામોમાં વધુને વધુ લોકો સંક્રમિત થઇ રહ્યા છે, ત્યારે સ્થાનિક કક્ષાએ જ લોકોને સારવાર મળે તે માટે તારીખ 1મેના રોજથી વિશેષ આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે અને જેમાં “મારુ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 409 જેટલા ગામોમાં આવેલી સ્કૂલોમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે.

  • 409 ગામોની સ્કૂલોમાં 10થી 15 બેડ બનાવી વિશેષ વ્યવસ્થા ઉભી કરાઈ
  • ગ્રામીણ કક્ષાના લોકોને ગામમાંજ સારવાર મળે તે હેતુથી કામગીરી શરૂ કરાઈ
  • ગામના લોકોને કોરોનાની ગામમાં જ સારવાર મળી રહે તે માટે વિશેષ અભિયાન

વલસાડ : જિલ્લામાં કોરોના સંક્રમણ દિન પ્રતિદિન વધતા જતા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી વિશેષ બેઠકમાં ગ્રામીણ કક્ષાના લોકોને ગામમાં જ સારવાર મળી રહે તે માટે વિશેષ આઇસોલેશન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. જે તે તાલુકામાં આવેલી સ્કૂલોમાં 10થી 15 ખાટલા મૂકીને વિશેષ સેન્ટર પ્રાથમિક સ્કૂલોમાં ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં સંક્રમિત વ્યક્તિને પરિવારથી દૂર પરંતુ ગામમાં જ રાખી શકાય.

વિલેજ કમિટી બનાવી તેમના દ્વારા આઇસોલેશનમાં સારવાર લેતા લોકોની સંભાળ રાખવાની રહેશે

વલસાડ જિલ્લાના 6 તાલુકામાં બનાવવામાં આવેલા આઇસોલેશન સેન્ટર ઉપરની જવાબદારી સરપંચ, તલાટી અને સ્કૂલના શિક્ષકોને સોપવામાં આવી છે, જેમના દ્વારા ગ્રામીણ કક્ષાએ સારવાર લેવા આવનારા દર્દીઓને દેખરેખ રાખવાની રહેશે. તેમજ ગામમાં જો કોઈપણ વ્યક્તિઓને કોરોના લક્ષણ જણાય તો તેઓની એક વિશેષ યાદી બનાવીને નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર આપવાની રહશે, જેથી આ યાદી અનુસાર તબીબ સ્થળ ઉપર પહોંચીને સારવાર આપી શકે

કેવી રીતે કામ કરશે વિલેજ કમિટી અને સારવાર કેવી રીતે મળશે ?

દરેક ગામમાં સરપંચ, તલાટી અને શિક્ષકો તેમજ સ્થાનિક ઉત્સાહી યુવકોની એક ટિમ બનાવવામાં આવશે. ગામના દરેક ફળીયામાં રહેતા લોકોને શરદી, તાવ, ઉધરસ જેવા લક્ષણો હોય તો તેવા લોકોની યાદી બનાવવામાં આવશે, જે યાદી સાંજે 4 વાગ્યા સુધીમાં તલાટી નજીકના આરોગ્ય કેન્દ્રના ડૉક્ટરને આપશે. જે બાદ ડૉક્ટરની ટિમ યાદી અનુસાર જે તે ઘરોમાં જઈને લક્ષણો ધરાવતા લોકોને ઘરે બેઠા સારવાર આપશે. તેમજ જરૂર જણાય તો તેવા લોકોને આઇસોલેશન સેન્ટરમાં સ્કૂલમાં મૂકવામાં આવશે, જે બાદ વધુ તબિયત ખરાબ હોય તો તેવા સમયે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવશે.

સ્થાનિક લોકોને પોતાના ગામમાં જ સારવાર મળી રહે એ હેતુથી શરૂ કરાયું છે “મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન”

કલેક્ટર આર. આર. રાવલના જણાવ્યા અનુસાર જિલ્લામાં કેવી રીતે કોરોનાનું સંક્રમણ ગ્રામીણ કક્ષાએ વધી રહ્યું છે. તેને જોતા હવે વહીવટી તંત્ર દ્વારા દરેક નાગરિકનો જીવ બચે અને તાત્કાલિક સારવાર મળે એવા હેતુસર મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરુ કરવામાં આવ્યું છે અને એક જ દિવસમાં આ અભિયાન અંતર્ગત ડૉક્ટરો દ્વારા અત્યાર સુધીમાં 44 ડૉક્ટરોની ટિમ દ્વારા 439 લોકોને ઘરે જઈને સારવાર આપવામાં આવી છે. જેમાં 9 જેટલા દર્દી કોરોના લક્ષણ ધરાવતા મળી આવ્યા હતા. જેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. આમ વલસાડ જિલ્લાના 409 ગામોમાં શરૂ કરાયેલા “મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન”માં ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સાથે જ ગ્રામીણ કક્ષાના લોકો પણ તેમાં સહભાગી થઇ રહ્યા છે.

કોવિડ કેર સેન્ટર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here