[ad_1]
મહુડીમાં ભાવ અને ભકિત સાથે સુખડીનો પ્રસાદ બનાવતા કારીગર કહે છે
ઘંટાકર્ણવીરનો પ્રિય પ્રસાદ સુખડી તૈયાર કરવાનું કાર્ય સુખડીઘરમાં દરરોજ સૂર્યોદય પછી 9 વાગે શરૂ થાય છે અને સૂર્યાસ્તના 1 કલાક પહેલા પૂર્ણ કરવામાં આવે છે. કારીગરો બદલાતા રહે તો પણ સુખડીનો સ્વાદ બદલાતો નથી
7 કિલો ઘી, 7 કિલો ગોળ અને 10.5 કિલો ઘઉના લોટથી સુખડીનો એક ઘાણ
અમદાવાદ : મહુડી તીર્થનું નામ પડે એટલે શ્રી ઘંટાકર્ણ મહાવીરના દર્શન અને સુખડીનો પ્રસાદ અહીના ભાવિકો માટે સંભારણું બની જાય છે. જયારે પણ સુખડીની વાત નિકળે ત્યારે મહુડી તીર્થના સુખડી પ્રસાદને અચૂક યાદ કરવામાં આવે છે.
દર વર્ષે સેંકડો ભકતો લાખો રૂપિયાની સુખડી ભાવથી ધરાવે છે. ઘંટાકર્ણવીરનો પ્રિય પ્રસાદ સુખડી તૈયાર કરવાનું કાર્ય સુખડીઘરમાં દરરોજ સૂર્યોદય પછી 9 વાગે શરૂ થાય છે અને સૂર્યાસ્તના 1 કલાક પહેલા પૂર્ણ કરવામાં આવે છે.
છેલ્લા 20 વર્ષથી સુખડી તૈયાર કરતા મહુડી ગામના દિનુસિંહ કહે છે જે તીર્થમાં દેશ વિદેશથી યાત્રાળુઓ ભાવથી દર્શન કરવા આવે છે અને અમે બનાવેલી સુખડીનો પ્રસાદ આરોગે છે એ દાદાની સુખડી બનાવવાના સેવાકાર્ય સાથે જોડાયેલા છીએ આનાથી મોટું ભાગ્ય હોઇ શકે નહી. દાદાના દરબારમાં ભકતો જયારે વધુ સંખ્યામાં આવે ત્યારે સુખડી બનાવવાનું કાર્ય બમણા વેગથી ચાલતું રહે છે.
ભકતો સુખડીના વખાણ કરતા થાકતા નથી એમાં ઘંટાકર્ણ મહાવીરની કૃપા છે. આવડત કે કારીગીરી અમારી નહી પરંતુ દાદાની કૃપા છે. વિક્રમસિંહ 25 વર્ષથી સુખડી ઘરમાં સુખડી તૈયાર કરે છે તે કહે છે દાદાની સુખડીના વખાણ થાય ત્યારે અમને કેવા મોટા કામ સાથે સંકળાયેલા છીએ એનો આનંદ થાય છે.
7 કિલો ઘી, 7 કિલો ગોળ અને 10.5 કિલો ગ્રામ લોટથી સુખડીનો એક ઘાણ તૈયાર થાય છે. કારીગરો બદલાતા રહે પરંતુ સુખડીનો સ્વાદ એવોને એવો જ રહે છે. દરરોજ ચા એક સરખી બનતી નથી પરંતુ દાદાની સુખડી હંમેશા એક સરખી જ બને છે. 10 થી 12 કારીગરોની ટીમ શ્રધ્ધા અને ભાવ રેડીને સુખડી તૈયાર કરે છે.
કાળી ચૌદશે ઘંટાકર્ણ વીરની પ્રક્ષાલ વિધી અને જમણા અંગુઠે કેસર પૂજા
વર્ષમાં એક જ વાર કાળી ચૌદશે ઘંટાકર્ણ વીરની પ્રક્ષાલની વિધી કરવામાં આવે છે જેમાં વીરના જમણા અંગુઠે કેસર પૂજા કરવામાં આવે છે. બપોરે 12 કલાક અને 39 મીનિટે મોટી પૂજાવિધી થાય છે. મંત્રોચ્ચાર સાથે 108 આહુતીઓ થાય છે.
આ દિવસે શ્રધ્ધાળુઓ પગના અંગુઠાથી માથા સુધીની લંબાઇ ધરાવતી નાડાછડી અથવા લાલ રંગની કંદોરી(દોરી)ની 108 ગાંઠો વાળે છે. પહેલો ડંકો વાગે જૈન-જૈનેત્તર ભાવિકો દ્વારા કંદોરીની 1 કલાકે 1 ગાંઠ વાળવામાં આવે છે. સર્વ મનોકામના પુરી કરતો 108 ગાંઠોનો દોરો અતિ પવિત્ર ગણવામાં આવે છે. વીરના સંગે સમગ્ર વાતાવરણ ભકિતના રંગથી રંગાઇ જાય છે. આ પૂજા વિધી સમયે એકદમ નીરવ શાંતિ પ્રવર્તે છે.
જૈન ધર્મમાં કુલ 52 વીર થયા જેમાં ઘંટાકર્ણ વીર 30માં શાસન રક્ષક વીર છે
મહુડી (મધુપુરી) મંદિરમાં રોજીંદી પૂજાવિધીમાં સોનાના વરખની પૂજા, ફૂલ પૂજા અને મુગુટપુજા તથા શ્રીફળ-સુખડી ધરાવવાની વિધિ કરવામાં આવે છે. જૈન શાસનમાં કુલ 52 વીર થયા જેમાં 30 માં વીર ઘંટાકર્ણ શાસન રક્ષક વીર ગણાય છે. તે ધર્મની રક્ષા, ધર્મ કરનારાની રક્ષા અને ધર્મનો પ્રચાર કરનારાની રક્ષા કરે છે. કલીકાલમાં જાગૃ્રતદેવ છે.
આથી જ તો ભાવિકો કહે છે ધર્મી રાગી સમકિત વીર કરંતો સહાય, સમ્યક દ્વષ્ટી ધર્મીને સંકટ આવ્યા જાય. યોગ નિષ્ઠ આ,ભ શ્રીમદ બુધ્ધિસાગર સુરીશ્વરજી મહારાજે વીર શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવની શિલ્પકારો પાસે વિક્રમ સંવત 1978માં પ્રતિષ્ઠા કરી હતી. બુધ્ધિસાગર મહારાજશ્રીએ 24 વર્ષે દીક્ષા લીધી. 33 હજાર ગ્રંથનું વાંચન કર્યુ, 131 ગ્રંથ લખ્યા જયારે 108 ગ્રંથ પ્રગટ થયા હતા.
ભકતો સુખડી ભગવાનને ભાવથી ધરાવે પછી એ પ્રસાદ બને છે
મહુડી તીર્થ સાથે સંકળાયેલા અગ્રણી ભુપેન્દ્રભાઇ વોરા કહે છે,’ ભકતો સુખડી ભગવાનને ભાવથી ધરાવે એ પછી તે પ્રસાદ બની જાય છે. ભકતોની ગમે તેટલી ભીડ હોય તેમ છતાં દાદાની કૃપાથી કોઇ સુખડીના પ્રસાદ વિના રહી જતું નથી. પ્રસાદ ધરાવતી વખતે દરેક ભકતના ચહેરા પર એક પ્રસન્નતાના ભાવ હોય છે.
માત્ર જૈન જ નહી જૈનેત્તર પણ મોટી સંખ્યામાં દાદાના દર્શન માટે આવે છે. પ્રસાદની સુખડી આરોગતા અને વહેંચતા ભકતોથી જાણે કે ઉભું સદાવ્રત ચાલતું હોય તેવો માહોલ ઉભો થાય છે. મહુડીનો પ્રસાદ બહારગામ લઇ જવાતો નથી એની પાછળ 100 વર્ષ જુની પરંપરા છે જેને શ્રીમદ બુધ્ધિસાગર સુરીશ્વરજી મહારાજે શરૂ કરી હતી. એ સમયે મહુડી ગામ આસપાસ કોતર અને જંગલ હતું,
સૂમસામ જગ્યા હતી જયાં સુખડી પ્રસાદ આરોગીને કોઇ ભૂખ્યું ના સૂવે તે ભાવથી સુખડી બહાર ગામ લઇ જવાતી નથી. તેઓ વધુમાં કહે છે. કેટલાકને એવો પણ પ્રશ્ન થતો હોય છે કે ઘંટાકર્ણ દાદાની સુખડી બહાર ગામ લઇ જવાતી નથી તો પછી વધેલા પ્રસાદનું શું ? દાદાની ક્રૂપાથી સુખડીનો પ્રસાદ પુરો થઇ જાય છે. પ્રસાદ વધે ત્યારે મંદિરની બહાર ગરીબોને તથા ગામમાં વહેંચવામાં આવે છે.
[ad_2]
Source link