[ad_1]
ખેતીકામ કરતો યુવાન કથિત પ્રેમિકાની પૌત્રી સાથે મોપેડ પર ઘરે જઇ રહ્યો હતો, માથાભારે ભરવાડ સહિત ત્રણેક જણાએ હુમલો કર્યો
(પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરૂવાર
મોટા વરાછા ભડીયાદરા ફાર્મ પાસેથી મોપેડ પર કથિત પ્રેમિકાની પૌત્રી સાથે જઇ રહેલા ખેતમજૂરને આંતરી સ્થાનિક વિસ્તારના માથાભારે ભરવાડ સહિત ત્રણેક જણાએ લાકડાના ફટકા વડે માર મારી રહેંસી નાંખતા અમરોલી પોલીસ દોડતી થઇ ગઇ છે.
મોટા વરાછાના ખરી ફળિયામાં રહેતો અને ખેતીકામ કરતો હિતેશ મણીલાલ પટેલ (ઉ.વ. 35) ગત સાંજે સાત વાગ્યાના અરસામાં મોટા વરાછાના દશેરા ટેકરીમાં રહેતી તેની કથિત પ્રેમિકા ચંપાબેન ચૌધરીની પૌત્રી કશીષ (ઉ.વ. 9) સાથે મોપેડ પર પોતાના ઘરે કૂતરાને ખાવાનું આપવા જઇ રહ્યો હતો. ત્યારે મોટા વરાછા ભડીયાદરા ફાર્મ હાઉસ પાસેથી હિતેશ પસાર થઇ રહ્યો હતો ત્યારે સ્થાનિક વિસ્તારનો માથાભારે હીરા ભરવાડ (રહે. નીચલી કોલોની, મોટા વરાછા) સહિત ત્રણેક જણાએ આંતરી લાકડાના ફટકા હુમલો કર્યો હતો. જેથી કશીષ રડતા-રડતા ઘરે ગઇ હતી અને ચંપાબેનને કહ્યું હતું કે અબ્બુ એટલે કે હિતેશ કાકા સાથે અમે જતા હતા ત્યારે કેટલાક લોકોએ અટકાવીને માર મારી રહ્યા છે. જેથી ચંપાબેન તુરંત જ ભડીયાદરા ફાર્મ પાસે ઘસી ગયા હતા. જો કે તે પહેલા હીરા ભરવાડ સહિત ત્રણેય જણા ત્યાંથી ભાગી ગયા હતા. જયારે લાકડાના ફટકાથી પગ, ઘુંટણ, કમર સહિત શરીર પર થયેલી ગંભીર ઇજાને કારણે લોહીલુહાણ હાલતમાં રોડની સાઇડમાં પડેલા હિતેશને તુરંત જ સારવાર માટે ચંપાબેન સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં તબીબોએ હિતેશને મૃત જાહેર કરતા અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. હિતેશ પર જીવલેણ હુમલો કરવા પાછળનો બદઇરાદા અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
[ad_2]
Source link