[ad_1]
વડોદરા, તા. 16 નવેમ્બર 2021 મંગળવાર
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મોટી કોરલ ગામમાં આવેલા સુપ્રસિધ્ધ આશાપુરા માતાના મંદિરમાં વહેલી સવારે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગ ફાટી નીકળતા મંદિરમાં ફસાઇ ગયેલા પૂજારીનો આબાદ બચાવ થયો હતો. આ ભીષણ આગમાં માતાજીની મુર્તિઓ સિવાય તમામ ચિજવસ્તુઓ બળીને ખાક થઇ ગઇ હતી.
મોટી કોરલ ગામમાં આશાપુરા માતાનું મંદિર આવેલું છે. હજારો લોકોની આસ્થાના કેન્દ્ર સમા આશાપુરા માતાના મંદિરમાં વહેલી સવારે 5 વાગે આગ ફાટી નીકળતા વિસ્તારમાં ઉત્તેજના છવાઇ હતી. મંદિરમાં આગ લાગતાજ મંદિરમાં સૂઇ ગયેલા પૂજારી મુન્ના મહારાજ ફસાઇ ગયા હતા. મંદિરની જાળી ન ખુલતા તેઓએ બુમરાણ મચાવતા ગામ લોકો દોડી આવ્યા હતા. અને મંદિરના મહારાજને જાળી ખોલી બહાર કાઢી બચાવી લીધા હતા.
કરજણ અને વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તુરતજ લશ્કરો દોડી ગયા હતા. અને એક કલાક સતત પાણી મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી.
જોકે, આગ સંપૂર્ણ કાબુમાં આવે તે પહેલાં માતાજીની મુર્તિઓને બાદ કરતા તમામ સામાન બળીને ખાક થઇ ગયો હતો. આ બનાવે ગામમાં ચકચાર જગાવી મુકી હતી અને ગામ લોકોને ટોળેટોળા મંદિરે પહોંચી ગયા હતા. આગના બનાવનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી પરંતુ, આ આગ શોર્ટ સર્કીટના કારણે લાગી હોવાનું અનુમાન છે.
[ad_2]
Source link