[ad_1]
વડોદરા, તા. 13 નવેમ્બર 2021 શનિવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં જોડાયેલા સાત ગામોના મિલકતવેરાના બીલ આવતા મહિને કોર્પોરેશન દ્વારા બજાવવામાં આવે તેવી સંભાવના છે .સાત ગામોના આશરે 55 થી 60 હજાર બિલ છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ની હદમાં ગુજરાત સરકારના એક જાહેરનામા દ્વારા તારીખ 18 -6 -2020 થી ભાયલી ,સેવાસી ,વેમાલી ,બિલ ,કરોડિયા ,ઉંડેરા અને વડદલા ગામોના તમામ રેવન્યુ સર્વે નંબરો જોડાયા છે.
આ તમામ ગામોની મિલકતોની આકારણી કરી વેરા બિલ તૈયાર કરવાની કામગીરી વોર્ડ કચેરીઓ દ્વારા હાલ ચાલી રહી છે. આશરે 55 થી 60 હજાર મિલકતોના બીલો તૈયાર થશે અને તેની કોર્પોરેશનને વાર્ષિક આશરે 25 કરોડની આવક મળે તેવી સંભાવના છે. હાલમાં અડધા ઉપરાંત બિલોની એન્ટ્રીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.
કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષના મિલકતવેરાના બાકી રહેલા વેરાબીલ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. શહેરના પશ્ચિમ ઝોનમાં બિલો ભરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર છે. કોર્પોરેશનના 12 વહીવટી વોર્ડ છે. જેમાં પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 6 ,10 અને 11નો સમાવેશ થાય છે. આ વર્ષે કોર્પોરેશનના બારે વોર્ડના કુલ બિલોની સંખ્યા 724725 છે, અને તેની કુલ ડિમાન્ડ 410.64 કરોડ છે.
કોર્પોરેશન દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં કોરોના મહામારી ને ધ્યાનમાં રાખીને ગયા વર્ષના બિલના આધારે એડવાન્સ ટેક્સ રિબેટ યોજના તારીખ 1 એપ્રિલથી દાખલ કરી હતી.જે તારીખ 15 ઓગસ્ટના રોજ પૂરી થઈ હતી. આ સમય દરમ્યાન 180881 લોકોએ 129.94 કરોડનો વેરો ભરી દીધો હતો. જેમાં 144321 બિલો રહેણાક મિલકતો ના અને 36560 બિલ કોમર્શિયલ મિલકતોના ભરપાઈ થયા હતા.
એડવાન્સ ટેક્સ રિબેટ યોજના પૂરી થયા બાદ જે લોકોએ ચાલુ વર્ષનો વેરો ભર્યો નથી તેઓને હવે બિલો અપાયા છે . ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 5, 7 અને 8માં બિલ ભરવાની છેલ્લી તારીખ 22 નવેમ્બર છે. દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર 3 ,4 અને 12 માં છેલ્લી તારીખ 29 છે અને પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર 1 ,2 અને 9માં છેલ્લી તારીખ 3 ડિસેમ્બર છે .
[ad_2]
Source link