વીજગ્રાહકોએ હવે દર ૩ મહિને નવો વધારેલો વીજદરનો વધારો ચૂકવવો પડશે

0
322

[ad_1]

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર

વીજ વિતરણ કંપનીઓને વીજ પુરવઠો આપવા માટે દર ત્રણ મહિને કરવો પડતો સંપૂર્ણ ખર્ચ ગ્રાહક પાસેથી વસૂલી લેવાની કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ પાવરે દરેક રાજ્ય સરકારોને છૂટ આપી દીધી છે. ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ કોલસા સહિતના ઇંધણના ભાવમાં તથા ખાનગી કંપનીઓ પાસેથી મોંઘાભાવે ખરીદવી પડેલી વીજળીને કારણે તેમની પડતર કિંમતમાં થયેલા વધારો તે પછીના ત્રિમાસિક ગાળામાં વસૂલી લેવાની છૂટ આપવામાં આવી છે. હવે દર જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબર એમ વર્ષમાં ચાર વાર વીજદરના વધારાનો બોજ ગુજરાતના ૧.૩ કરોડ ગ્રાહકોએ વેંઢારવો પડશે. ખાનગી કંપનીઓના વીજ ગ્રાહકોને પણ આ જ જોગવાઈ લાગુ પડશે.

મિનિસ્ટ્રી ઓફ પાવર દ્વારા આપવામાં આવેલા નવા આદેશ મુજબ વીજજોડાણ ધરાવતા ગ્રાહકોએ વીજ વિતરણ કંપનીને વીજળીનો પુરવઠો આપવા માટે જે ખર્ચ કરવો પડે છે તે સંપૂર્ણ ખર્ચ ગ્રાહકોએ તે પછીના જ ત્રિમાસિક ગાળાથી ચૂકવવો પડશે. તેમાં ફ્યુઅલ પ્રાઈસ અને પાવર પરચેઝ કોસ્ટને પણ સમાવેશ થઈ જાય છે. અત્યારે પાવર પરચેઝ કોસ્ટમાં દર ત્રણ મહિને સુધારો કરાય છે. વીજ વિતરણ કંપનીઓ ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટની ફોર્મ્યુલા હેઠળ દર ત્રણ મહિને વીજ દરમાં યુનિટદીઠ દસ પૈસાનો વધારો કરવાની છૂટ ધરાવે છે. યુનિટે દસ પૈસાથી વધુ રકમનો વધારો કરવાનો હોય તો તેને માટે વીજ નિયમન પંચ પાસેથી મંજૂરી લેવાની થાય છે. કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ પાવરના નવા પરિપત્રને પરિણામે ગુજરાત વીજ નિયમન પંચ પાસેથી વીજદરમાં વધારો કરવાની આગોતરી મંજૂરી હવે વીજ વિતરણ કંપનીઓએ લેવી પડશે જ નહિ. 

હાલની સિસ્ટમમાં એન્યુઅલ રેવન્યુ રિક્વાયરમેન્ટની આખી દરખાસ્ત રજૂ કરીને તેના પર વીજ નિયમન પંચ સમક્ષ ગ્રાહકોના પ્રતિનિધિઓનો અભિપ્રાય કે તેમની રજૂઆતોને સાંભળીને વીજદરમાં વધારો આપવામાં આવતો હતો. આ પ્રક્રિયા હવ વર્ષમાં એક વાર ઔપચારિક રીતે જ કરવાની આવશે. ગુજરાત વીજ નિયમન પંચ દ્વારા નક્કી કરી આપવામાં આવતા નવા વીજદર નાણાંકીય વર્ષની પહેલી એપ્રિલથી ૩૧મી માર્ચના બાર માસના ગાળા માટે અમલમાં રહેતા હતા. તેમાં દર ત્રણ મહિને દસ દસ પૈસા એફપીપીપીએની ફોર્મ્યુલા મુજબ વીજવિતરણ કંપનીઓ વધારી શકતી હતી. તેનાથી વધુ રકમનો વધારો કરવા માટે હવે જર્ક પાસેથી મંજૂરી લેવાની આવશે નહિ. હવે આ પ્રકારની મંજૂરી લેવી પડશે નહિ. સંપૂર્ણ રકમ વીજ વિતરણ કંપનીઓ પોતે જ પોતાની રીતે નક્કી કરીને લાગુ પાડી દેશે તેવી સ્થિતિ નિર્માણ થશે.

ઉદાહરણ આપીને વાત કરવામાં આવે તો એફપીપીપીએની ફોર્મ્યુલા હેઠળ અત્યારે ગુજરાતની વીજ વિતરણ કંપનીઓએ ગ્રાહકો પાસે યુનિટ દીઠ રૃ. ૨.૪૦ લેવાના થાય છે. પરંતુ જર્કની મંજૂરી ન હોવાથી અને જર્કે એફપીપીપીએની અપર લિમિટ રૃ. ૨.૧૦ કરેલી હોવાથી ૩૦ પૈસાની વસૂલી બાકી જ રહે છે. તે ભવિષ્યમાં આવનારા વધારા વખતે એડજસ્ટ કરવામાં આવે છે. હવે તેવું કરવાનું રહેશે નહિ. સંપૂર્ણ વધારો તે પછીના ત્રિમાસિક ગાળામાં ગ્રાહકો પાસેથી લઈ લેવામાં આવશે. મિનિસ્ટ્રી ઓફ પાવરના પરિપત્ર પછી આ એડજસ્ટમેન્ટ કરવાની વ્યવસ્થા નીકળી જશે અને એક સામટો વધારો વસૂલી લેવામાં આવશે. 

હા, જર્કમાં એન્યુઅલ રેવન્યુ રિક્વાયરમેન્ટની દરખાસ્ત તો વીજ કંપનીઓએ મૂકવી જ પડશે. જર્ક તેનો અભ્યાસ કરીને તથા તેના પર સુનાવણી કરીને વધારો કે ઘટાડો  કરશે. અગાઉ કંપનીઓ દ્વારા વર્ષમાં ચાર વાર કરી લેવામાં આવેલા વધારાને ધ્યાનમાં લઈને નવા વર્ષ માટેના દરમાં વધારો કે ઘટાડો  કરી આપશે. જોકે વીજ કંપનીઓએ એન્યુઅલ રેવન્યુ રિક્વાયરમેન્ટમાં વધારે ગેપ બતાવવો પડશે નહિ. બીજા શબ્દોમાં કહીએ તો જર્ક પાસે મંજૂર થવા જનારા વાર્ષિક વધારામાં બહુ મોટો વધારો માગવાનું વલણ દૂર થઈ જશે. એક રીતે તેને કારણે જર્કનું મહત્ત્વ પણ ખતમ થઈ જવાની સંભાવના રહેલી છે. બીજું એફપીપીપીએ હેઠળ કરવાનો થતો વધારો એક સામટો ન થતો હોવાથી કંપનીઓને વર્કિંગ કેપિટલ તરીકે નવી મૂડી નાખવી પડતી હતી તે મૂડી નાખવાની કડાકૂટમાંથી મુક્તિ પણ મળશે. નવી મૂડી બહારથી લોન પેટે લેવામાં આવે તો તેના વ્યાજના ખર્ચનો બોજો પણ ગ્રાહક નામની કન્યાના કેડ પર જ આવતો હતો. હવે તેવો બોજો આવશે નહિ. 

વીજદર નક્કી કરવામાં રાજ્ય સરકારનું વર્ચસ્વ વધશે

નવી વ્યવસ્થાને કારણે વીજ ક્ષેત્ર પર રાજ્ય સરકારનું જ સંપૂર્ણ વર્ચસ્વ આવી જશે. ૨૦૦૩ પહેલા પણ રાજ્ય સરકારના અંકુશ હેઠળ જ સંપૂર્ણ સેક્ટર હતું. ૨૦૦૨ની સાલમાં ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડની કુલ નુકસાની રૃા. ૩૨૦૦ કરોડની હતી. અત્યારે ગુજરાતની વીજ વિતરણ કંપનીઓ વરસે દહાડે રૃા. ૨૦૦ કરોડનો નફો કરી રહી છે. એક સમયે ગુજરાતની વીજ વિતરણ કંપનીઓનો ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન લાસ અંદાજે ૩૮ ટકાનો હતો. આ લૉસ છેલ્લા વીસ વર્ષમાં ઘટાડીને ૨૧.૫ ટકા સુધી લાવી દેવામાં સફળતા મળી છે.

કન્ઝ્યુમર ફોરમ નવી જોગવાઈનો વિરોધ કરશે

ગુજરાતના વીજજોડાણ ધરાવતા ૧.૩૦ કરોડ ગ્રાહકો પર તેને કારણે બહુ જ મોટી રકમના વીજબિલ વધારાનો બોજ આવી જશે. તેથી ગુજરાતના કન્ઝયમર ફોરમ તેનો વિરોધ કરશે. કોલસાના પુરવઠાની સમસ્યાને કારણે છેલ્લા ત્રણ-ચાર મહિનાથી ગુજરાત અને ભારતનું વીજ સેક્ટર મોટી કટોકટીનો સામનો કરી રહ્યું છે. આ કટોકટીને હેન્ડલ કરવામાં રાજ્યના વીજ નિયમન પંચો અપેક્ષિત સફળતા મેળવી શક્યા નથી. તેથી મિનિસ્ટ્રી ઓફ પાવરે જૂની સિસ્ટમને અનુસરવાની ફરજ પડી છે અને વીજ વિતરણ કંપનીઓના પડતર ખર્ચ પ્રમાણે વીજદર વસૂલવાની છૂટ આપવાની ફરજ પડી છે. તેઓ દર મહિને થનારા વધારાનો બોજ ગ્રાહકો પર નાખી જ દેશે. અહીં એકવાતની ખાસ નોંધ લેવાની રહેશે કે ઇલેક્ટ્રિસિટીનો સપ્લાય આપતી કંપનીઓને તમના ટેકનિકલ અને ફાઈનાન્શિયલ પરફોર્મન્સમાં સુધારો કરવાની ફરજ પાડવામાં વીજ નિયમન પંચ નિષ્ફળ રહ્યા છે. તેની નિષ્ફળતાની સજા વીજજોડાણધારકોને આપવામાં આવી રહી છે. જર્કની મંજૂરી વિના દર ત્રણ મહિને વીજ સપ્લાયની પડતર કિંમતમાં જે વધારો આવે તે ગ્રાહકો પાસેથી વસૂલી લેવાની છૂટ આપી દેવામાં આવી છે. પરિણામે ગુજરાત વીજ નિયમન પંચ-જર્ક જેવા દરેક રાજ્યના વીજ નિયમન પંચનો અંકુશ છૂટી જશે. વીજ નિયમન પંચનું મુખ્ય કામ ગ્રાહકોના હિતનું રખોપું કરવાનું હતું. આ કામ પાર પાડવામાં તે કંગાળ રીતે નિષ્ફળ ગયું હોવાનું વર્તમાન સ્થિતિ પરથી પ્રસ્થાપિત થાય છે. ૨૦૦૩માં ઇલેક્ટ્રિસિટી એક્ટ અમલમાં મૂકનારી કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ પાવર રાજ્ય સરકાર સંચાલિત વીજ કંપનીઓને અંકુશમાં રાખવામાં નિષ્ફળ ગઈ હોવાનું આ સાથે જ પ્રસ્થાપિત થઈ રહ્યું છે. આ પગલું લેવાનું એક કારણ એ પણ છે કે રાજ્ય સરકાર સંચાલિત વીજ વિતરણ કંપનીઓની મળીને તેમની એકત્રિત થયેલી નુકસાની અત્યારે અંદાજે રૃ. ૯૩૦૦૦ કરોડની છે. વીજ વિતરણ કંપનીઓ વીજ ઉત્પાદન કંપનીઓને તેમના નાણાં ચૂકવવામાં સમર્થ નથી.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here