[ad_1]
– યુ-ટ્યુબ પર એમ.ડી.ડ્રગ્સ બનાવવાના વિડીયો જોયા બાદ તે માટે જરૂરી રો મટીરીયલ અને સાધનો ઓનલાઈન મંગાવ્યા હતા
– રાજવીર શોપીંગ સેન્ટરમાં જૈમીનની ભાડાની ઓફિસમાંથી એમ.ડી.ડ્રગ્સ બનાવવાના સાધનો અને કેમિકલ-પાવડર કબજે કરાયા
સુરત, : સુરત એસઓજીએ નિયોલ ચેક પોસ્ટ પાસેથી ઝડપેલું એમ.ડી.ડ્રગ્સ મંગાવનાર સરથાણાના જૈમીન સવાણીએ એમ.ડી.ડ્રગ્સ વેચતા સારા પૈસા મળતા એમ.ડી.ડ્રગ્સ જાતે બનાવી વેચીને મોટો નફો કમાવા માટે ભાડાની ઓફિસમાં લેબોરેટરી ઉભી કરી હતી.તેની કબૂલાતના આધારે એસઓજી-પુણા પોલીસે સરથાણા જકાતનાકા સ્થિત રાજવીર શોપીંગ સેન્ટરમાં આવેલી એક ઓફિસમાં રેડ કરી એમ.ડી.ડ્રગ્સ બનાવવાના સાધનો અને કેમિકલ-પાવડર કબજે કર્યા હતા.
સુરત એસઓજીએ ગત મંગળવારે બપોરે સુરત કડોદરા હાઇવે નિયોલ ચેક પોસ્ટ નજીક વીઆરએલ લોજીસ્ટીક લી. કંપનીના ગોડાઉન પાસેથી પ્રવિણકુમાર બલવંતારામ વાના ( બિસ્નોઈ ) ને રૂ.5,85,300 ની મત્તાના 58.530 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે ઝડપી પાડી તેની પાસે ડ્રગ્સ મંગાવનાર મૂળ ભાવનગરના ઉમરાળાના રામણકાના વતની અને સુરતના સરથાણા સ્થિત નવજીવન હોટલ પાસે કવિતા રો હાઉસ સોસાયટી વિભાગ 1 ઘર નં.એ/273 માં રહેતા જૈમીન છગનભાઈ સવાણી અને તેને ડ્રગ્સ આપનાર તેની બાજુના પુનાસા ગામમાં રહેતા આશુરામ રાયચંદ ખીલેરી ( બિસ્નોઈ ) ને વોન્ટેડ જાહેર કર્યા હતા. બાદમાં એસઓજીએ જૈમીનની અટકાયત કરી હતી. અગાઉ સાડી-ડ્રેસ મટીરીયલનું ઓનલાઇન વેચાણ કરતા પણ કોરોનામાં આર્થિક નુકશાન થતા પોતે પણ ડ્રગ્સ લેતા જૈમીને સુરતમાં એમ.ડી.ડ્રગ્સ વેચવા માટે એક મિત્ર થકી લીંક મેળવી પ્રવિણકુમારનો સંપર્ક કરી પહેલી વખત ડ્રગ્સ વેચવા મંગાવ્યું હતું. પણ તેને ડિલિવરી મળે તે પહેલા જ ડ્રગ્સ સાથે પ્રવિણકુમાર ઝડપાઈ ગયો હતો.
દરમિયાન, જૈમીનની એસઓજી અને પુણા પોલીસે સંયુક્ત પુછપરછ કરતા તેણે ઘટસ્ફોટ કર્યો હતો કે તે રાજસ્થાનથી ડ્રગ્સ મંગાવી નશો કરવાની સાથે વેચતો પણ હતો. ડ્રગ્સ વેચતા સારા પૈસા મળતા તેણે એમ.ડી.ડ્રગ્સ જાતે બનાવી વેચીને મોટો નફો કમાવાનું નક્કી કર્યું હતું. તેણે તે માટે યુ ટ્યુબ પર એમ.ડી.ડ્રગ્સ બનાવવાના વિડીયો જોયા બાદ તે માટે જરૂરી રો મટીરીયલ અને સાધનો ઓનલાઈન મંગાવી સરથાણા જકાતનાકા મિતુલ ફાર્મ રોડ પરમ સ્કૂલની બાજુમાં આવેલા રાજવીર શોપીંગ સેન્ટરમાં ઓફિસ નં.207 ભાડે રાખી ત્યાં ડ્રગ્સ બનાવવા માટે લેબોરેટરી ઉભી કરી હતી. તે ડ્રગ્સ બનાવવા માટે કોઈક જાણકારની શોધમાં હતો પણ તે પહેલા જ પ્રવિણકુમાર પકડાતા અને બાદમાં પોલીસ તેના સુધી પહોંચતા લેબોરેટરી સંપૂર્ણપણે કાર્યરત થઈ શકી નહોતી.
ધો.10 પાસ જૈમીને જાતે ડ્રગ્સ બનાવવા પ્રયાસ કર્યો, સફળ ન થતા જાણકાર વ્યક્તિને શોધતો હતો
પોલીસે જૈમીનની ઓફિસમાં રેડ કરતા ત્યાંથી 22.500 કિલોગ્રામ મોનોમિથાઇલ અમાન કેમિકલ પાવડર, 1.75 લીટર મિથેનોલ લીકવીડ, 200 ગ્રામ પી-બેન્ઝોકવીનોન કેમિકલ પાવડર, કાચના નાના મોટા ત્રણ બીકર, અલગ અલગ આકારના કાચના બે ફ્લાસ્ક અને અન્ય સાધનો મળતા કબજે કર્યા હતા. જૈમીને સાધનો અને રો મટીરીયલ ઓનલાઈન ઇન્ડિયા માર્ટ વેબસાઈટ પરથી મંગાવ્યા હતા. પોલીસ તે અંગે તપાસ કરી રહી છે. ધો.10 પાસ જૈમીને સારો નફો મેળવવા જાતે એમ.ડી.ડ્રગ્સ બનાવવા પ્રયાસ કર્યો હતો પણ સફળ થયો નહોતો આથી તે કોઈ જાણકાર વ્યક્તિને શોધતો હતો.
ઓફિસમાં અગાઉના મહેંદી ક્લાસનું બોર્ડ રહેવા જ દીધું
જૈમીને લગભગ એક મહિના અગાઉ સરથાણા જકાતનાકા સ્થિત રાજવીર શોપીંગ સેન્ટરમાં ઓફિસ ભાડે રાખી હતી ત્યાં અગાઉ પીનલ મહેંદી એન્ડ ક્લાસ ચાલતા હતા. જૈમીને તેના ગોરખધંધાની કોઈને ગંધ નહીં આવે તે માટે મહેંદી ક્લાસનું બોર્ડ હટાવ્યું નહોતું.
સુરતમાં એમ.ડી.ડ્રગ્સ બનાવતી બીજી લેબોરેટરી ઝડપાઈ, 2020 માં કડોદરામાં ડ્રગ્સ પ્રોડક્શન યુનિટ ઝડપાયું હતું
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાનને સફળ બનાવી રહેલી સુરત પોલીસને સુરતમાં એમ.ડી.ડ્રગ્સ બનાવતી બીજી લેબોરેટરી મળી છે. ગત સપ્ટેમ્બર 2020 માં ડ્રગ્સ વિરુદ્ધના મેગા ઓપરેશનમાં ડુમસથી ઝડપાયેલા સલમાનની પુછપરછના આધારે ક્રાઇમ બ્રાન્ચે સરથાણામાંથી 304.98 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે સંકેત શૈલેષભાઇ અસલાલીયાને ઝડપી લીધો હતો. વડોદરાની પારુલ યુનિવર્સીટીમાંથી ડિપ્લોમા એરોનોટીકલ એન્જીનીયર થયેલો સંકેત કડોદરા ગબ્બરવાલી ગલી જીનવાલા કમ્પાઉન્ડમાં પ્લોટ નં.ઈ ખાતે લુમ્સના કારખાનાની ઉપર માળ ભાડે રાખી ડ્રગ્સ બનાવતો હતો. આથી ક્રાઇમ બ્રાન્ચે તેને તેમજ એફએસએલના અધિકારીઓને પણ સાથે રાખી ત્યાં છાપો મારતા નીચે ધમધમતા લુમ્સના કારખાનાની ઉપર ત્રણ રૂમમાં સંકેતે બનાવેલું નાનું પ્રોડક્શન યુનિટ મળી આવ્યું હતું. ત્યાંથી જુદાજુદા કેમિકલ પદાર્થો, પ્રવાહી અને પ્રોસેસ માટેના સાધનો મળ્યા હતા.
[ad_2]
Source link