[ad_1]
વડોદરા, તા. 9 નવેમ્બર 2021, મંગળવાર
રહેણાક વિસ્તારમાં પાળવાની મનાઈ હોવા છતાં રોટ વાઇલર પ્રજાતિના બે શ્વાન રાખી દિવાળી પર્વે ફટાકડા ફોડતા બાળકોની જિંદગી જોખમાય તેવી રીતે શ્વાનને સોસાયટીના કોમન પ્લોટમાં ખુલ્લા મૂકી બેદરકારીનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોમન પ્લોટમાંથી શ્વાનને બહાર કાઢવાનું જણાવતા સોસાયટીના રહીશ ઉપર શ્વાન માલિકે શ્વાન મારફતે હુમલો કરાવી ઇજા પહોંચાડી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવા નો બનાવ નવાપુરા પોલીસ મથકે નોંધાયો છે.
આ અંગેની વિગત એવી છે કે ,વડોદરા શહેરના આર વી દેસાઈ રોડ ઉપર આવેલી ઉપવન રેસિડેન્સીમાં રહેતા ઉજ્જવલબેન જયસ્વાલ દિવાળીના દિવસે સોસાયટીના કોમન પ્લોટ માં પરિવાર સાથે દિવાળી પર્વની ઉજવણી કરી રહ્યા હતા. જ્યારે નાના બાળકો કોમન પ્લોટમાં ફટાકડા ફોડી રહ્યા હતા. તે સમયે આ જ રેસિડેન્સીમાં રહેતા હર્ષ મોદી તથા તેમની બહેન નિષ્ઠા મોદી રોટવાઇલર પ્રજાતિના શ્વાન લઈ કોમન પ્લોટમાં આવી પહોંચ્યા હતા.
આ પ્રજાતિના શ્વાન હિંસાત્મક હોવાથી રહેણાંક વિસ્તારમાં રાખવાની મનાઈ હોવા છતાં ફટાકડા ફોડતા બાળકો વચ્ચે બંને શ્વાનોને ખુલ્લા છોડી દીધા હતા. જેથી શ્વાન કોમન પ્લોટમાંથી બહાર લઇ જવાનું જણાવતા હર્ષ મોદીએ અપશબ્દો બોલી મરાઠી ભાષામાં શ્વાનને એટેક કરવાનો ઈશારો કરતા શ્વાનને મહિલાને ઈજાઓ પહોંચાડી હતી. અને નિષ્ઠા મોદીએ લાકડાનો ડંડો લાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેવી ફરિયાદના આધારે નવાપુરા પોલીસે ઉપરોક્ત ભાઈ બહેન વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.
[ad_2]
Source link