જામનગર શહેરમાં ફટાકડાના કારણે આગ લાગવાની નાની મોટી 14 ઘટના બની

0
380

[ad_1]


– ફાયર વિભાગના 45થી વધુ જવાનોની ભારે કવાયત

– 35થી વધુ ટેન્કરો વડે તમામ આગ પર કાબુ મેળવી લેવાયો

જામનગર તા 6, શનિવાર 2021, શનિવાર

જામનગર શહેરમાં દિવાળીના તહેવારો ફાયર તંત્ર માટે ખૂબ જ દોડાદોડી ભર્યા રહ્યા હતા, અને દિવાળીની રાત્રિભર જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફાયર બ્રિગેડના ટેન્કર દોડતા રહ્યા હતા. ૧૪ જેટલા સ્થળો પર ફટાકડા ના કારણે આગજનીની ઘટનાઓ બની હતી. જે સમગ્ર સ્થળો પર ફાયરનું તંત્ર ૪૫થી વધુ ફાયરના જવાનો તથા અન્ય ટ્રેઇની સ્ટાફ દ્વારા ૩૫ જેટલા પાણીના ટેન્કરો ની મદદથી તમામ આગ પર કાબુ મેળવી લેવાયો હતો, અને સમગ્ર ફાયર તંત્ર ખુબ જ કુનેહપૂર્વક ની કામગીરી હાથ ધરી આગ ના બનાવોને વધુ પ્રસરતા અટકાવ્યા હતા.

જામનગર શહેરમાં મહાનગરપાલિકાના ફાયર તંત્ર દ્વારા જુદા જુદા ત્રણ ફાયર સ્ટેશનો તેમજ અન્ય ૩ સ્થળે ફાયર ફાઇટરો ને તૈનાત માં રાખવામાં આવ્યા હતા. ઉપરાંત ૪૫થી વધુ ફાયરના જવાનો અને અન્ય ટ્રેઇની સ્ટાફ વગેરેને સ્ટેન્ડબાયમાં મુકી દેવામાં આવ્યા હતા.

જેમાં સૌપ્રથમ દિવાળીના 6 વાગ્યાને 35 મિનિટે ઉદ્યોગ નગર વિસ્તારમાં આવેલા એક વેફરના ગોડાઉનમાં આગની ઘટનાની શરૂઆત થઇ હતી, અને ફાયરબ્રિગેડની ટીમે ત્રણ ફાયર ફાયટરોએ ની મદદથી આગને કાબુમાં લીધી હતી. ત્યાર પછી દરબારગઢ વિસ્તારમાં કચરાના ઢગલામાં આગ લાગવાથી ફાયર તંત્ર દોડતું હતું, અને આગ બુઝાવી હતી.

ભંગાર બજાર રોડ પર આકાશ ગંગા એપાર્ટમેન્ટની સામે કચરામાં આગ લાગવાથી ફાયરે આગને કાબુમાં લીધી હતી. જ્યારે સમર્પણ સર્કલ નજીક એક ખુલ્લા પ્લોટમાં ફટાકડાનો તણખો પડવાથી આગ લાગતાં ફાયર તંત્ર દોડતું થયું હતું.

જામનગરમાં પ્રણામી સ્કુલ પાસે આવેલા એક મોટા ભંગારના વાડામાં આગ લાગવાથી ફાયર તંત્રને ખૂબ જ દોડાદોડી રહી હતી. જયાં આગને કાબુમાં લેવામાં કલાકનો સમય લાગી ગયો હતો. જ્યારે ૧૩ પાણી ના ટેન્કરો ની પણ મદદ લેવામાં આવી હતી, ત્યાર પછી આગ કાબૂમાં આવી ગઈ હતી.

જામનગરના નંદનવન સોસાયટી નજીકના જડેશ્વર પાર્ક માં પણ ખુલ્લા પ્લોટમાં આગ લાગવાથી ફાયર તંત્ર દોડતું થયું હતું. જ્યારે જામનગરના ભાનુશાળી વાડ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં સળગતો ફટાકડો પડવાથી બાલ્કનીમાં રહેલો સામાન સળગી ઉઠયો હતો. ઉદ્યોગ નગર વિસ્તારમાં આવેલા એક કારખાનામાં પ્લાસ્ટિક ના જથ્થામાં આગ લાગવાના કારણે આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું, અને સાત જેટલા ફાયર ફાઈટરો ની મદદ લઈને આગ પર કાબુ મેળવ્યો હતો. તેમાં પણ કલાકોની કવાયત રહી હતી.

ત્યારબાદ ભીમવાસ વિસ્તારમાં જૂના ભંગારના વાહનોના ખડકલા માં બે વખત આગ લાગી હતી, અને ફાયર તંત્રએ આગ પર કાબુ મેળવી લીધો હતો. જામનગરમાં આશાપુરા હોટલ પાસે ફટાકડાનો એક સ્ટોલ ઊભો કરેલો હતો. જોકે તે મંડપ ખાલી હતો. દરમિયાન તેમાંપણ સળગતો ફટાકડો પડવાના કારણે મંડપ બળીને ખાખ થઈ ગયો હતો. જયારે આગ ને બુજાવી હતી.

 આ ઉપરાંત સજુબા સ્કૂલ નજીક આવેલા એક ગોડાઉનમાં રાખવામાં આવેલા કંતાન ના જથ્થામાં આગ લાગવાથી ફાયરબ્રિગેડે દોડી જઇ પાણીના ત્રણ ટેન્કરો વડે આગને કાબુમાં લીધી હતી. ત્યાર પછી હીરજી મિસ્ત્રી રોડ વિસ્તારમાં એક ખુલ્લા પ્લોટમાં સળગતા ફટાકડા ના કારણે લાગેલી આગ પર કાબુ મેળવી લીધો હતો. રામેશ્વર નગર વિસ્તારમાં પણ એક ખુલ્લા પ્લોટમાં આગ લાગવાથી ફાયર તંત્રએ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી લીધી હતી.

 સમગ્ર રાત્રી દરમિયાન કુલ 14 સ્થળોએ આગ લાગી હતી અને ૩૫ જેટલાં પાણીના ટેન્કરોની મદદથી આગ પર કાબુ મેળવી લેવાયો હતો. સદભાગ્યે કોઈ સ્થળે જાનહાનિ થઇ ન હતી. પરંતુ ફાયર તંત્રની ભારે કસોટી થઈ હતી, અને તે કસોટીમાંથી જામનગર મહાનગર પાલિકાનું સમગ્ર ફાયર તંત્ર સક્ષમતાથી પાર ઉતર્યું હતું.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here