[ad_1]
– ફાયર બ્રિગેડની ટીમે ઝડપભેર આગને કાબૂમાં લઇ લેતાં આસપાસના અન્ય ઝૂંપડાઓ બચી ગયા
– જે ઝૂંપડામાં આગ લાગી હતી, તેમાં દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની આશંકા
જામનગર,તા.2 નવેમ્બર 2021,મંગળવાર
જામનગરમાં ખેતીવાડી ફાર્મ નજીક આવેલા એક ઝૂંપડામાં ગઈકાલે રાત્રે ત્રણેક વાગ્યાનાં અરસામાં અકસ્માતે આગળ ભભૂકી ઉઠી હતી, અને ઝૂંપડું બળીને ખાખ થયું હતું. સદભાગ્ય કોઈ જાનહાની થઈ ન હતી. ફાયરબ્રિગેડે દોડી જઇ આગને કાબૂમાં લઈ લેતાં આસપાસના અન્ય ઝૂંપડામાં આગ પ્રસરતી અટકી હતી.
જામનગરમાં દિગઝામ સર્કલથી વુલન મીલ તરફ જવાના માર્ગે ખેતીવાડી ફાર્મ પાસે આવેલા જેન્તીભાઈ કરસનભાઈ પરમાર નામની વ્યક્તિના ઝૂપડામાં રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં અકસ્માતે આગ લાગી હતી, અને ઝડપભેર સળગવા લાગ્યું હતું. ઉપરાંત ઝુપડાની અંદર રહેલા ગાદલા ગોદડા વગેરે પણ સળગી ઊઠયા હતા.
આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર શાખાની ટુકડી તુરત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીના જુદા-જુદા બે ફાયર ફાયટરોની મદદથી માત્ર 30 મિનિટમાં જ આગને કાબૂમાં લઈ લીધી હતી.
ઉપરોક્ત વિસ્તારમાં નજીક નજીકમાં અડધો ડઝન જેટલા ઝુપડા આવેલા છે. પરંતુ સમયસર આગ કાબૂમાં આવી ગઈ હોવાથી અન્ય ઝૂંપડામાં આગ પ્રસરતી અટકી હતી, અને માત્ર એક ઝૂંપડું બળીને ખાખ થયું હતું. જે આગ બુઝાવવા માટે ફાયર ના સાત જેટલા જવાનોએ જહેમત લીધી હતી.
જામનગર ખેતીવાડી ફાર્મ નજીક ગઇ રાત્રિના ત્રણ વાગ્યે એક ઝૂંપડામાં અકસ્માતે આગ લાગી હતી, અને ઝૂંપડું બળીને ખાખ થઈ ગયું હતું. જે ઝુંપડામાં દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની આશંકા સેવાઈ રહી છે, જેના કારણે જ તણખો ઉડવાથી આ પ્રસરી હોવાનું પણ જાણવા મળી રહયું છે. સાથો સાથ તપેલો, તેલના ખાલી ડબ્બા જેવી સામગ્રી પણ જોવા મળી હતી. જેથી ઉપરોક્ત ઝુંપડામાં દારૂની ભઠ્ઠી ચાલી રહી હોય તેવી આશંકા વ્યક્ત કરાઈ છે.
માલિક ચૂલો (ભઠ્ઠી) ચાલુ રાખીને સૂઈ ગયા હશે, દરમિયાન તણખો ઉડવાથી ઝડપભેર આગ પ્રસરી ગઇ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જોકે સમગ્ર મામલે પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો જ સત્ય બહાર આવશે તેવું મનાઈ રહ્યું છે.
[ad_2]
Source link