[ad_1]
અમદાવાદ,તા.01 નવેમ્બર 2021, સોમવાર
પૂર્વ અમદાવાદમાં બાપુનગર ખાતે આવેલા ભીડભંજન બજારમાં સોમવારે દિવાળીની ખરીદી માટે માનવમહેરામણ ઉમટી પડયું હતું. મોડી સાંજે આખો રોડ ખરીદદારોની ભીડથી ભરચક બની ગયો હતો. જાણે મેળો ભરાયો હોય તેવો માહોલ સર્જાયો હતો. હાલમાં છેલ્લી ઘડીની ખરીદી નીકળી હોવાથી ગરીબથી માંડીને અમીર સુધીનો વર્ગ ઘરવખરી સહિતની વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરી રહ્યો છે. કોરોનાકાળમાં પૂર્વ અમદાવાદમાં આ એક ્અલગ પ્રકારનો નજારો જોવા મળ્યો છે. જ્યાં કોરોનાના ભયને બદલે તહેવારની ઉજવણીને લોકોએ ખૂબ જ મહત્વ આપ્યું છે.
પૂર્વમાં ગરીબ, મધ્મય અને અમીર વર્ગ દિવાળીની ખરીદીમાં મગ્ન બન્યો છે. કોરોનાકાળમાં ગત વર્ષે દિવાળી ઉજવી ન શકાઇ હોવાથી તેનું આ વર્ષે સાટું વાળી દેવાના મિજાજ સાથે લોકો દિવાળી પર ધુમ ખરીદીમાં મશગુલ બની ગયા છે. પૂર્વ અમદાવાદમાં પારંપરિક બજાર ગણાતા લાલદરવાજામાં તો લોકો ખરીદી માટે ઉમટયા જ છે. પરંતુ આ વર્ષે બાપુનગર ભીડભંજન બજારમાં પણ લોકોનો ખરીદી માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
આ અંગે બાપુનગર વેપારી એશોશિએશનના પ્રમુખ નાગજીભાઇ દેસાઇના જણાવ્યા મુજબ સ્થાનિક પોલીસનો સારો એવો સહકાર મળી રહ્યો છે. અહીંયા બે હજાર જેટલી દુકાનો આવેલી છે, કોરોના કાળમાં છેલ્લા દોઢેક વર્ષથી ઠપ થઇ ગયેલા બજારોમાં આ વર્ષે દિવાળીમાં પ્રાણ ફૂંકાયા છે. ભીડભંજન બજારની ખરી રોનક સોમવારે જોવા મળી હતી. ગુરૂવારે દિવાળી છે ત્યારે હજુ મંગળવાર અને બુધવારે ધુમ ખરીદી નીકળશે.
સોમવારે અમદાવાદથી સાંજ સુધીમાં 63 એકસ્ટ્રા બસો દોડાવાઇ
અમદાવાદ ખાતેથી આજે તા.૧ નવેમ્બરને સોમવારના રોજ સાંજના ૭ વાગ્યા સુધીમાં એસ.ટી.નિગમ દ્વારા ૫૮ એકસ્ટ્રા બસ દોડાવાઇ હતી. પચાસ બસો દાહોદ, ગોધરા, ઝાલોદ, પંચમહાલ તરફ રવાના કરાઇ હતી. જ્યારે ૮ બસો સૌરાષ્ટ્રમાં સાવરકુંડલા, ધારી અને અમરેલી તરફ દોડાવાઇ હતી. મોડી સાંજે મુસાફરોનો ધસારો બેવડાતો જતો હોવાથી સમગ તંત્ર વધુ એકસ્ટ્રા બસો દોડાવવાની તૈયારીમાં પડયું હતું.
અમદાવાદ ખાતેથી ગઇકાલે ૬૩ એકસ્ટ્રા બસો દોડાવાઇ હતી. રાજ્યની વાત કરીએ તો ગઇકાલે એટલેકે તા.૩૧ ઓક્ટોબરના રોજ્કુલ ૭૦૭ એકસ્ટ્રા બસો દોડાવાઇ હતી. જેના થકી નિગમને ૪૮.૬૭ લાખની આવક થવા પામી હતી. આ બસોમાં ૩૨,૨૬૦ મુસાફરોએ મુસાફરી કરી હતી.
દીવા બજારમાં તેજી, દેશી બનાવટના દીવા આકર્ષણરૂપ બન્યા
દિવાળીના તહેવારોમાં દીવાઓની ભારે માંગ હોય છે. દિવાળીમાં ઘરઆંગણે દિવાઓ પ્રગટાવવા માટે દરેક ઘરમાં દીવાઓની ખરીદી કરવામાં આવતી હોય છે. દીવાઓની ખરીદી માટે લોકોની ભીડ બજારોમાં જોવા મળી રહી છે.
આ વર્ષે ચાઇનીઝ દીવાઓ બજારમાં નહીંવત પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ફક્ત માટીના દેશી બનાવટના દીવાઓ બજારોમાં જોવા મળી રહ્યા છે. ૧૫ થી ૨૦ પ્રકારની બનાવટના આ દીવા લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
સાદા દીવા ૧ રૂપિયાથી લઇને ૧૦ રૂપિયા સુધીમાં મળી રહે છે. જ્યારે ડિઝાઇનિંગ દીવા ૫ રૂપિયાથી લઇને ૨૦ રૂપિયા સુધીના ભાવમાં મળતા હોય છે. વેપારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે સોરી ઘરાકી નીકળી છે. ગત વર્ષ કરતા બમણી ઘરાકી જોવા મળી રહી છે.
આજે ઘનતેરસ, લક્ષ્મીજીની પૂજાનું વિશેષ મહત્વ
આજે ઘનતેરસ છે. દર વર્ષે આવતો આ પવિત્ર દિવસ જે ઘનતેરસ તરીકે ઓખળાય છે. આ દિવસે ઘન પુજન અને લક્ષ્મીજીના પુજનનું વિશેષ મહત્વ રહેલું છે. જેના પુજનથી ઘન પ્રાપ્તિ થાય છે અને લક્ષ્મીજીની કૃપા આખા વર્ષ દરમિયાન રહેતી હોય છે.
આ અંગે પુરાણી મહેન્દ્ર મહારાજના જણાવ્યા મુજબ ઘરમાં એક બાજોઠ અથવા પાટલા પર પૂર્વ દિશામાં લાલ સ્થાપન કરવું, તેમાં ચોખા પુરવા, વચ્ચે ત્રાંબાનો કળશ તેમાં પાંચ નાગરવેલ અથવા આસોપાલવના પાન મુકી એક શ્રીફળ મુકવું, પાંચ સોપારી મુકવી, તેમાં લક્ષ્મી યંત્ર અથવા મહાલક્ષ્મીજીનો ફોટો મુકવો, તેને ગંગાજળથી સ્નાન કરાવી પંચામૃતથી અથવા દૂધથી સ્નાન કરાવવું.
શુદ્ધ બાજોઠ ઉપર મુમવું તેને કંકુનો ચાલ્લો કરવો, ચોખા-અબીલ ગુલાલ અને પુષ્પ ચઢાવવા શુદ્ધ ઘીનો દીવો કરવો અને પ્રસાદ ધરાવવો સામે આસન ઉપર બેસી ‘ ઓમ રીમ્ મહાલક્ષ્મૈ નમઃ ‘ આ મંત્રની માળા જેટલી બને તેટલી કરી આરતી કરી પ્રસાદ વહેંચવો. આટલું કરવાથી હંમેશા લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ રહેશે.
[ad_2]
Source link