
અનાવિલ યુવા સંગઠન દ્વારા આજે અનાવિલ સમાજના સ્નેહમિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન અનાવિલ સમાજ વાડી નામધા રાફેલ કોલેજ રોડ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના નાણા પ્રધાન તેમજ શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી અને અનાવિલ સમાજના ઉત્સાહને વધારી આપ્યો હતો.

કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ લોકપ્રિય કવિ અને વક્તા સાંઈરામ દવેના ભવ્ય લોકડાયરાનું આયોજન રહ્યું હતું. સાંઈરામ દવેએ પોતાની અનોખી રજૂઆત દ્વારા સમાજ અને જીવનના અનેક મહત્વના મુદ્દાઓને હાસ્ય, રમૂજ અને સંગીતના રંગમાં રંગીને રજૂ કર્યા હતા. તેમની રસપ્રદ વાણી અને પ્રેરણાદાયી શબ્દોએ ઉપસ્થિત શ્રોતાઓને કલાકો સુધી મંત્રમુગ્ધ બનાવી દીધા હતા.

પ્રધાન કનુભાઈ દેસાઈએ પણ લોકડાયરા દરમિયાન ઉપસ્થિત રહીને કાર્યક્રમની મોજ માણી હતી. તેમણે અનાવિલ સમાજના એકતાભર્યા પ્રયાસો અને યુવા સંગઠનની સેવાભાવી પ્રવૃત્તિઓની પ્રશંસા કરતા કહ્યું કે, “અનાવિલ સમાજે હંમેશા સમાજ સુધારણા અને શિક્ષણ ક્ષેત્રે આગેવાની લીધી છે. યુવાનોની આ નવી ઉર્જા અને સંગઠિત પ્રયત્નો સમાજના વધુ વિકાસમાં સહાયરૂપ બનશે.”
આ પ્રસંગે અનાવિલ યુવા સંગઠનના અનેક કાર્યકર્તાઓ, વાપી શહેરના જાણીતા ઉદ્યોગપતિઓ, તેમજ ભાજપના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભર્યા વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.