ધરમપુર તથા કપરાડા કોર્ટનાં કેસોનાં પક્ષકારોને તેઓનાં કેસમાં સમાધાનની ઘર આંગણે ઉમદા તક મળશે
મીડીયેશન સેન્ટરની શરૂઆત થતાં હવે કેસોમાં સમાધાનની પ્રક્રિયા સરળ અને ઝડપી બનશે

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ- નાલ્સા ની અનુશ્રામાં ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદનાં નેજા હેઠળ તા. ૦૮ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ નામદાર સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયાનાં જસ્ટીસ શ્રી ઓગષ્ટીન જ્યોર્જ માસીહની ઉપસ્થિતીમાં અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળનાં મુખ્ય સંરક્ષક અને નામદાર ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ શ્રીમતી સુનિતા અગ્રવાલ, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળનાં કારોબારી અધ્યક્ષશ્રી અને જજ ગુજરાત હાઇકોર્ટ શ્રી અલ્પેશ વાય. કોગ્ઝે તથા ગુજરાત હાઇકોર્ટ કાનૂની સેવા સમિતીનાં અધ્યક્ષ અને જજ ગુજરાત હાઇકોર્ટ શ્રી એ. એસ. સુપૈયા તથા નામદાર ગુજરાત હાઇકોર્ટનાં જજ શ્રીઓની ઉપસ્થિતીમાં ગુજરાત રાજ્યનાં કુલ ૭૩ તાલુકા કોર્ટ ખાતે મીડીયેશન સેન્ટરનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
જે પૈકી વલસાડ જિલ્લામાં ધરમપુર તાલુકા કોર્ટ ખાતે મીડિયેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન પ્રંસગે વલસાડ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં સચિવશ્રી બી.જી.પોપટ તથા તાલુકા કાનૂની સેવા સમિતી, ધરમપુરનાં અધ્યક્ષશ્રી કુ. પી.આર.ધનખર તથા ધરમપુર તાલુકા બાર એસોશીયેશનનાં પ્રમુખ શ્રી જે. એ. સોલંકી તથા અન્ય હોદ્દેદારો તથા ધરમપુર મીડીયેશન સેન્ટરમાં નિયુક્ત પામનાર મીડીયેટરશ્રીઓ હાજર રહ્યા હતા. ધરમપુર કોર્ટ ખાતે મીડીયેશન સેન્ટરની શરૂઆત થતાં ધરમપુર તથા કપરાડા કોર્ટનાં કેસોનાં પક્ષકારોને તેઓનાં કેસોમાં સમાધાનની ઘર આંગણે એક ઉમદા તક મળશે. કોર્ટોમાં પેન્ડિંગ ઘણાં કેસો કે જેમાં પક્ષકારો વચ્ચે મધ્યસ્થી દ્વારા કાઉન્સેલીંગ કરી તેઓનાં વિવાદ અંગે પરામર્શ કરવામાં આવે તો તેઓનાં કેસનો સમાધાનથી નિવેડો લાવી શકાય છે. આ પ્રસંગે વલસાડ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં અધ્યક્ષશ્રી કુ. નિપા સી. રાવલ નાઓ દ્વારા આ મીડીયેશન સેન્ટરની શરૂઆત થતાં હવે કેસોમાં સમાધાનની પ્રક્રિયા સરળ અને ઝડપી બનશે તેવી શુભેચ્છાઓ સાથે પક્ષકારો તથા વકીલોને આ મીડીયેશન સેન્ટરની સેવાનો બહોળાં પ્રમાણમાં લાભ લેવા અપીલ કરી હતી.