
નવરાત્રિ એ આંતરિક યાત્રા કરવાનો અને પોતાના આંતરિક સ્વને ફરી શોધવાનો સમય છે. એક બાળક નવ મહિનામાં જન્મે છે. આ નવ દિવસો એ જ રીતે છે જેમ કે માતાના ગર્ભમાંથી ફરી એકવાર જન્મ લેવું. એક નવી શરૂઆત.
નવરાત્રીના પર્વમાં આખું ગુજરાત, આખું ભારત અને દુનિયાના અનેક ખૂણાંઓમાં માતાજીના વાર્ષિક આગમનની ઉજવણી થાય છે. નવ દિવસ સુધી બધા ગરબા-ડાંડીયા રમે છે, હાસ્ય, મિત્રતા અને આનંદમાં મગ્ન થાય છે. ખુશીઓની પાંખો ફેલાવતી હજારો ચહેરાઓની ઝાંખી દરેક નવરાત્રીની ઉજવણીને ઉજ્જવળ બનાવી દે છે.

આર્ટ ઓફ લિવિંગ વૈદિક ધર્મ સંસ્થાન દ્વારા નવરાત્રિને એ રીતે ઉજવવામાં આવે છે જેમ આપણા પ્રાચીન ઋષિઓએ માતાની આરાધના કરી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના માર્ગદર્શન હેઠળ આર્ટ ઓફ લિવિંગ દ્વારા વિશ્વમાં ભારત સહિત ૧૫૦થી વધુ જગ્યાઓ પર વૈદિક રીતે નવરાત્રિની ઉજવણી કરવામાં આવી જેમાં આર્ટ ઓફ લિવિંગ ના અનુયાયીઓ મોટી સંખ્યામાં ભાગ લીધો. ગુજરાતમાં પણ નવરાત્રિની ઉજવણી ચાર મુખ્ય સ્થળોએ કરવામાં આવી – વડોદરા પાસે વાસદ આશ્રમ, અને અમદાવાદ, રાજકોટ અને સુરત શહેરોમાં.
માતાજીની પૂજા આર્ટ ઓફ લિવિંગના સ્વામીજી તથા ઋષિજી દ્વારા કરવામાં આવતા હોમ દ્વારા થાય છે, જેમને ગુરુદેવે હજારો વર્ષ પહેલાં વૈદિક યુગમાં થતી રીત પ્રમાણે હોમ કરવા માટે પ્રશિક્ષિત કર્યા છે.
નવરાત્રીની ઉજવણી અનેક યજ્ઞો અને હોમ દ્વારા અનોખી રીતે થાય છે, જે દુઃખ, પીડા અને દુર્ભાગ્યનો નાશ કરે છે, શાંતિ અને આરામ આપે છે, અને સમગ્ર વિશ્વમાં સુખ શાંતિ પ્રસારે છે. તે પર્યાવરણના રક્ષણ માટે પણ છે, કારણ કે તે માતૃભૂમિ પ્રત્યે માન-સન્માન જગાવે છે.
વૈજ્ઞાનિક રીતે, હોમ વાતાવરણને શુદ્ધ કરે છે, અને શરીર તથા મન પર આરોગ્યપ્રદ અસર પાડે છે. આ નવ દિવસોમાં દરેક દિવસને ખાસ મહત્ત્વ છે અને તે મુજબ યજ્ઞો તથા હોમ થાય છે.
આ વિવિધ હોમમાં મહાગણપતિ હોમ, નવગ્રહ હોમ, મહારુદ્ર હોમ, મહાસુદર્શન હોમ, ઋષિ હોમ અને ચંડી હોમ નો સમાવેશ થાય છે.
ઉજવણીનો શિખર છે નવરાત્રીનો આઠમો દિવસ – અષ્ટમી. આ દિવસે ચંડી હોમ થાય છે, જે નવરાત્રીનો સૌથી પવિત્ર હોમ ગણાય છે. આ સમયે દુર્ગા માતાની સ્તુતિ કરતું મહાન શાસ્ત્ર દેવી મહાત્મ્યનું પઠન કરવામાં આવે છે.
આધુનિક વિજ્ઞાન કહે છે કે સમગ્ર બ્રહ્માંડ સ્પંદનોથી બનેલું છે. દરેક ઊર્જાકણ, ફોટોન, ઇલેક્ટ્રોન, પરમાણુ, ગ્રહ, તારકમંડળ અને જીવંત પ્રાણી – બધું જ સ્પંદનોનું જ સ્વરૂપ છે. પવિત્ર મંત્રોના જાપથી આપણા અંગત સ્પંદનો દિવ્ય સ્પંદનો સાથે એકરૂપ થાય છે. આપણે સદભાવના, કરુણા, સર્જનાત્મકતા અને સકારાત્મકતાના સાગરમાં લીન થઈએ છીએ. જેમ વાદળો દૂર દૂર સુધી વરસાદ વરસાવે છે, તેમ નવરાત્રીના હોમ સમગ્ર દુનિયા પર શુભ સ્પંદનો ફેલાવે છે.
ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી પ્રેરિત આર્ટ ઓફ લિવિંગ સંસ્થા વૈદિક પરંપરામાં નવરાત્રીની ઉજવણીને ફરી જીવંત કરવાની પવિત્ર સેવા આપી રહી છે.