આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત આત્મનિર્ભર ગ્રામ યાત્રાના ત્રીજા દિવસે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના દહીંખેડ, વાડી, વાલવેરી, નિલોશી, આંબાજંગલ, સુથારપાડા સહિત દસ જેટલા ગામોમાં યોજાયેલા શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં રૂ.૪૫૯૧ લાખના ખર્ચે ૭૯ રસ્તાઓના નવીનીકરણ, રિસરફેસિંગની કામગીરીના ખાતમુહૂર્ત ખાતમુહૂર્ત કલ્પસર, મત્સ્યોદ્યોગ, નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી જીતુભાઇ ચૌધરીના વરદ હસ્તે કરાયાં હતા. આ ઉપરાંત વાસ્મો દ્વારા અંદાજિત રૂા.૩૩પપ લાખના ખર્ચે ૭૩ જેટલા ઘર સુધી નળ કનેકશન તેમજ અંદાજે રૂા.૧૨૮૪ લાખના ખર્ચે ૧૪ જેટલા ચેકડેમના કામોના ખાતમુહૂર્ત/ લોકાર્પણ પણ મંત્રીશ્રીના હસ્તે કરાયા હતા. આ પ્રસંગે પાણી પુરવઠા રાજ્યમંત્રી જીતુભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગામોને આત્મનિર્ભર કરવા એક પહેલના ભાગરૂપે રાજય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી અને સહાય પ્રજાજનોને સુધી પહોંચાડી નવા કામોના ખાતમુહૂર્ત અને પૂર્ણ થયેલા કામોના લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે. આદિજાતિ વિસ્તારમાં પાયકીય સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારે પૂરતું આયોજન કર્યું છે, ત્યારે ગામમાં વિકાસના કામો વધુમાં વધુ થાય તે માટે સૌના સહયોગની અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. દરેક ઘરને પીવા માટે શુદ્ધ પાણી મળે તે માટે નલ સે જલ યોજના હેઠળ ઘર સુધી નળથી પાણી આપવાનું આયોજન છે,જેની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે અને ગુજરાતમાં તે સપ્ટેમ્બર ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવાના પ્રયાસો છે. આ વિસ્તારના મૂળભૂત આદિજાતિના લોકોને જાતિના દાખલા લેવામાં પડી રહેલી મુશ્કેલીઓના નિવારણ માટે રાજય સરકારના આદિજાતિ વિકાસ વિભાગે વ્યવસ્થા ગોઠવી છે, જેની જાહેરાત ટૂંક સમયમાં થશે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આજે યોજાયેલા દરેક કાર્યક્રમ સ્થળોએ આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ ૧૯ વેકસીનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેનો બાકી રહેલા લોકોએ લાભ લીધો હતો. મંત્રીશ્રીએ રસી લેનારાઓને અભિનંદન પાઠવી કોરોના સંક્રમણ વધતું અટકાવવા પાત્રતા ધરાવતા સૌને વેકસીનેશન કરાવી લેવા અનુરોધ કર્યો હતો. આ અવસરે મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે મહિલા સ્વસહાય જૂથને રિવોલવિંગ ફંડ અને કેશક્રેડિટ લોન સહાયના ચેક, આયુષ્યમાન ભારત યોજના હેઠળના કાર્ડ, આંતરદેશીય મત્સ્યોદ્યોગ તાલીમના પ્રમાણપત્રો અને કીટ, દિવ્યાંગોને યુ.ડી.આઈ.ડી. કાર્ડ, ઘાસચારા કીટ, દેશી ગાય નિભાવ ખર્ચ સહિતના લાભોનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત સગર્ભા, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને બાળકો માટે પૌષ્ટિક અને આરોગ્યપ્રદ આહાર અને તેની સમજ આપવા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વાનગી નિદર્શન કરવામાં આવ્યું હતું, જેની મંત્રીશ્રીએ મુલાકાત લઇ આઇ.સી.ડી.એસ.ના કર્મીઓ અને આંગણવાડીવર્કરોને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમો દરમિયાન મંત્રીશ્રીએ દહીખેડ ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત લઇ કામગીરીનું નીરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનો કર્યા હતા. આ કાર્યક્રમોમાં, જિલ્લા પંચાયત કારોબારી સભ્ય ગુલાબભાઈ રાઉત,તાલુકા વિકાસ અધિકારી સંદીપભાઈ એ.પી.એમ.સી. ચેરમેન મુકેશભાઈ, જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યો, અમલીકરણ અધિકારીઓ અને કર્મચારીઓ, સંબંધિત ગામોના સરપંચ, આંગણવાડી વર્કરો, લાભાર્થીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.